પોલીસે ભોગ બનેલા 475 લોકોના 76 લાખ રૂપિયા પરત અપાવ્યા
ખાસ-ખબર સંવાદદાતા
સાઈબર ફ્રોડના ભોગ બનેલા 475 લોકોના સ્ટેટ સાઇબર ક્રાઈમ પોલીસે 76 લાખ રૂપિયા પરત અપાવ્યા છે, જ્યારે 58 કરોડથી વધુ રકમ બ્લોક કરી છે. ઓનલાઇન સાઇબર ફ્રોડમાં ગુમાવેલા નાણાં બ્લોક કરાવવામાં ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમે છે.
- Advertisement -
સીઆઇડી ક્રાઇમ હેલ્પલાઇન 1930 તેમ જ રાજ્ય સરકાર દ્વારા ચાલું કરાયેલા સાઇબર આશ્વસ્ત પ્રોજેક્ટ હેઠળ સીઆઈડી ક્રાઇમને કામગીરી સોંપવામાં આવી છે. જેમાં 50 કર્મચારીઓ લોકોના નાણાં પરત અપાવવા તેમ જ નાણાં બ્લોક કરવાની કામગીરી કરી રહ્યા છે. સાઇબર ક્રાઇમનો ભોગ બનેલ વ્યક્તિ જ્યારે પોલીસ ફરિયાદ નોંધાવે છે, ત્યારે તેના નાણાંં એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી સાઈબર માફિયાઓ પૈસા ઉપાડી લેતા હોય છે. આ તબક્કે આરોપીઓને પકડવા મુશ્કેલ હોય છે, જો કે સાઇબર આશ્વસ્ત પ્રોજેક્ટ અંતર્ગત ઓનલાઇન ચુકવણીની રકમ બ્લોક કરવામાં પોલીસને સફળતા મળી રહી છે. સીઆઈડી ક્રાઇમે આવા 475 નાગરિકોને 76 લાખની રકમ પરત અપાવી છે અને ભોગ બનનારના કુલ 58 કરોડથી વધુ પૈસા બ્લોક કરવામાં આવ્યા છે.