જૂનાગઢ યાર્ડમાં બે હજાર બોકસની આવક,1700 સુધીનાં ભાવ
ખાસ ખબરસંવાદદાતા
- Advertisement -
ગીર પંથકની કેસર કેરીના ગઢ ગણાતા તાલાલા ગીરના યાર્ડ ખાતે ગઇકાલથી કેસર કેરીની હરાજીનો વિઘિવત પ્રારંભ થયો છે. ગીરની પ્રખ્યાત કેસર કેરીના ભાવોમાં પાછલા તમામ વર્ષોના રેકોર્ડ તોડી આ વર્ષે હરાજીના પ્રથમ દિવસે સારીના કેરીના પ્રતિ બોક્સ સર્વોચ્ચ રૂ.1500 ના ભાવ બોલાયા હતા. હરાજીના પ્રારંભે પ્રથમ કેરીનું બોકસ ગૌશાળાના લાભાર્થે રૂ.16 હજારમાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ બોલી લગાવી ખરીદ્યું હતુ. છેલ્લા બે વર્ષથી વાતાવરણની વિષમતાને કારણે આ વર્ષે ગીર પંથકની કેસર કેરીનું ઉત્પાદન ઓછું થવાના કારણે પ્રથમ દિવસે તાલાલા યાર્ડમાં માત્ર 2600 બોકસ જ હરાજીમાં આવેલ હતા.
જે ગત વર્ષની સરખામણીએ 3 હજાર બોકસ ઓછા આવ્યા હોવાનું જાણવા મળેલ છે.આજે બીજા દિવસે સામાન્ય આવક રહી હતી. અહીં બપોર બાદ હરાજી થાય છે.ગઇકાલે પહેલો દિવસ હોય લોકોએ કેરી યાર્ડમાં મુકી હતી. આ ઉપરાંત જૂનાગઢ યાર્ડમાં પણ કેસર કેરીની આવક થઇ છે. અહીં 2000 બોકસની આવક થઇ છે. આ અંગે અદ્રેમાન પંજાએ જણાવ્યું હતું કે,યાર્ડમાં 2 હજાર બોકસની આવક થઇ છે. ગત વર્ષે આ સમયે 10 હજાર બોકસની આવક થતી હતી. તેની સામે ખુબ જ ઓછી આવક થઇ રહી છે. તેમજ ભાવ એક હજાર થી 1700 રૂપિયા બોલાયા હતાં.


