પંજાબ 12 રનથી જીત્યું : મુંબઈને આખરી ઓવરમાં 22 રનની જરુર હતી : ઓડેન સ્મિથે 9 રન આપી 3 વિકેટ ઝડપી
મુંબઈને આખરી ઓવરમાં 22 રનની જરુર હતી અને તેમની ચાર વિકેટ સલામત હતી, ત્યારે ઓડેન સ્મિથે માત્ર 9 રન આપીને ત્રણ વિકેટ ઝડપતાં પંજાબ કિંગ્સે 12 રનથી રોમાંચક વિજય મેળવ્યો હતો. મુંબઈની ટીમ સતત પાંચમી મેચ હારતા ખાતું ખોલાવી શકી નહતી. આઇપીએલની 15મી સિઝનમાં મુંબઈ એક જ એવી ટીમ છે, જેને એક પણ વિજય મળ્યો નથી. જીતવા માટેના 199ના ટાર્ગેટ સામે મુંબઈ 9 વિકેટે 186 રન સુધી પહોંચી શક્યું હતુ.
આખરી ઓવરમાં ઓડેન સ્મિથના પહેલા બોલે ઉનડકટે છગ્ગો ફટકાર્યો હતો અને બીજા બોલે બે રન લીધા હતા. જોકે ત્રીજા બોલે તે અગ્રવાલના હાથે કેચઆઉટ થયો હતો. ત્યાર બાદ વાઈડ બોલ પછી બુમરાહ ચોથા બોલે છગ્ગો ફટકારવાના પ્રયાસમાં ધવનના હાથે કેચઆઉટ થયો હતો. એક ડોટ બોલ બાદ આખરી બોલ પર મિલ્સનો કેચ અગ્રવાલે ઝડપતાં પંજાબ જીત્યું હતુ. સ્મિથે તેના આખરી ચાર બોલમાં 1 રનમાં 3 વિકેટ ઝડપી હતી. બ્રેવિસે 49 અને સૂર્યકુમારે 43 રન કર્યા હતા. તિલક (36) અને પોલાર્ડ (10) રનઆઉટ થયાં તે મુંબઈને ભારે પડયું હતુ. ઓપનર શિખર ધવનના 50 બોલમાં 70 રન તેમજ કેપ્ટન મયંક અગ્રવાલ (32 બોલમાં 52)ની અડધી સદીની મદદથી પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 199 રનનો પડકાર આપ્યો હતો.


