બાલભવનના ઓડિટોરિયમમાં લોકડાયરો યોજાશે
લોક કલાકારો અભેસિંહ રાઠોડ, બિહારીદાન ગઢવી અને રાધાબેન વ્યાસ ઝવેરચંદ મેઘાણી રચિત લોકગીતો અને ભજનો રજૂ કરશે
ભગવાન શ્રી મહાવીરસ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવના પાવન અવસરે – આઝાદી કા અમૃત મહોત્સવ તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષ અંતર્ગત ઝવેરચંદ મેઘાણીની ‘બાલ્યાવસ્થાની લીલાભૂમિ’ રાજકોટ ખાતે – રાજકોટની અગ્રગણ્ય સંસ્થા જૈન વિઝન દ્વારા આયોજિત‘કસુંબીનો રંગ’ (લોકડાયરો)નું આજે રાત્રે બાલભવનના ઓડિટોરિયમમાં જ રાત્રે 8-30 વાગ્યાથીઆયોજન કરવામાં આવ્યું છે જેમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત-સંશોધિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનો રજૂ થશે.
મહાવીર સ્વામી જન્મ કલ્યાણક પર્વ, આઝાદીનો અમૃત મહોત્સવ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી એમ ત્રણ જુદા જુદા પર્વના સુભગ સમન્વય સમાન આ કસુંબીનો રંગ (લોક ડાયરા)માં ગુજરાતનાં ખ્યાતનામ કલાકારો અભેસિંહ રાઠોડ, બિહારીદાન હેમુભાઈ ગઢવી અને રાધાબેન વ્યાસ પોતાના કંઠેથી ઝવેરચંદ મેઘાણી રચિત-સંશોધિત- અને સંપાદિત લોકગીતો તથા ભજનો રજૂ કરશે.આ કાર્યક્રમમાં સંગીત જાણીતા સંગીતકાર પંકજ ભટ્ટ આપશે. જૈનકુળમાં જન્મેલા ઝવેરચંદ મેઘાણીએ માત્ર 12 વર્ષની વયે જૈન પાઠશાળામાં સહુપ્રથમ કાવ્ય રચ્યું હતું.
જૈન વિઝનના સંયોજક મિલન કોઠારીએ કહ્યું છે કે, અત્યારે રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની શાનદાર ઉજવણી થઈ રહી છે અને મોટી સંખ્યામાં પ્રજાજનો પણ તેમાં સહભાગી બની રહ્યા છે. સાથો સાથ અત્યારે આપણાં ગૌરવ સમાન રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી ઉજ્વવામાં આવી રહી છે. જૈન વિઝન સંસ્થાએ આ બંને પર્વને મહાવીર સ્વામી જન્મ કલ્યાણક સાથે જોડીને એક અદ્ભુત આયોજન કર્યું છે અને આજે તેના ઉપલક્ષ્યમાં કસુંબીનો રંગ ડાયરો યોજાશે. આ કાર્યક્ર્મ ચૂકવા જેવો નથી તેમ પણ મિલન કોઠારીએ જણાવ્યુ છે.
- Advertisement -
આયોજકોએ કહ્યું હતું કે, આ કાર્યક્ર્મમાં ઉપસ્થિત રહેનાર માટે જૈન વિઝને અનેક આકર્ષણો રાખ્યા છે. જેમાં લક્કી ડ્રો દ્વારા સુવર્ણ મુદ્રા, ચાંદીની ગિની તથા નાના બાળકો માટે સાઇકલ વગેરે ઇનામો આપવામાં આવશે. જૈન વિઝન એ રાજકોટની એક એવી સામાજિક સંસ્થા છે કે જે આખું વર્ષ જૈન-જૈનેતરો માટે સેવાકીય કાર્યો કરતી રહે છે. સંસ્થા દ્વારા અનાજ વિતરણ, મેડીકલ કેમ્પ, વેક્સીનેશન કેમ્પ, અનાથ બાળકોને પીકનીક, ઉનાળામાં ચકલીના માળા વિતરણ સહિતના સેવા કાર્યો ઉપરાંત સમાજોપયોગી પ્રવૃત્તિ કરવામાં આવે છે. મિલન કોઠારીએ જણાવ્યુ છે કે, જૈન વિઝન સંસ્થા તેની સ્થાપનાના નવમા વર્ષમાં પ્રવેશી છે અને આગામી 2023ના વર્ષ સુધી દશાબ્દિ વર્ષ ઉજવવાની છે ત્યારે આ આખું વર્ષ સેવા કાર્યો યોજાય તેવું બેનમૂન આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. આ સેવાકીય કાર્યક્રમો માટે ગુરૂ ભગવંતોના આશીર્વાદ મળી રહ્યા છે.
જૈન વિઝન હમેશા સમાજલક્ષી આયોજનો જ કરે છે અને તેમાં જૈન જૈનેતરો મોટી સંખ્યામાં સહભાગી થાય છે. જૈન વિઝન છેલ્લા 9 વર્ષથી અવિરતપણે સેવાકીય પ્રવૃતિ કરી રહી છે અને અનેક જરૂરતમંદ લોકોને તેનો લાભ મળ્યો છે. કોરોનાકાળ દરમિયાન પણ જૈન વિઝને વિશ્ર્વ ફલક ઉપર અનેક સુંદર કાર્યક્રમો આપ્યા હતા અને તેને કારણે સંસ્થાની નામના પણ વધી છે.


