રોહિતની ટીમ સામે અનેક સમસ્યાઓ : પાંચ વખતની ચેમ્પિયન મુંબઇની ટીમ વિજયનું ખાતું ખોલાવવા આતુર
પ્રારંભિક ચાર મુકાબલા હાર્યા બાદ અનેક મુશ્ર્કેલીઓનો સામનો કરી રહેલી મુંબઇ ઇન્ડિયન્સની ટીમ બુધવારે આઇપીએલના લીગ મુકાબલા માટે પંજાબ કિંગ્સ સામે મેદાનમાં ઊતરશે ત્યારે પાંચ વખતની ચેમ્પિયન મુંબઇની ટીમ વિજયનું ખાતું ખોલાવવા આતુર રહેશે. વર્ષોથી લીગમાં એક શક્તિશાળી ટીમ તરીકે સ્થાપિત થઈ ચૂકેલી મુંબઇની ટીમ 15મી સિઝનમાં અપેક્ષા મુજબનો દેખાવ કરવામાં ફ્લોપ રહી છે.
રોહિત શર્માએ તેની ટીમના અભિયાનને ફરીથી પાટા ઉપર લાવવું હશે તો તેણે કેટલાક કપરાં નિર્ણય લઈને પ્લેયર્સ પાસેથી ક્ષમતાં કરતાં પણ વધારે સારો દેખાવ કરાવવો પડશે. મુંબઇના બેટ્સમેનો મોટો સ્કોર નોંધાવવામાં નિષ્ફળ રહ્યા છે અને બોલર્સ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યા નથી. દાવેદાર ટીમોમાં પાછા ફરવું મુંબઇ માટે સહેજ મુશ્ર્કેલ છે કારણ કે તે 10 ટીમમાં નવમા ક્રમે છે. સુકાની રોહિતે પણ પોતાના પ્રદર્શનમાં સુધારો કરવાની જરૂર છે. વિજય મેળવવા માટે મુંબઇની ટીમે પોતાના કોમ્બિનેશનને યોગ્ય રીતે ગોઠવવું પડશે. બીજી તરફ પંજાબની ટીમે બે વિજય અને બે પરાજય સાથે સાતમા ક્રમે છે.


