પ્રથમવાર યાર્ડમાં 100થી વધુ જણસીમાં સૌથી મોંઘા લીંબુ!
હવે શાકભાજીમાં સંગ્રહખોરી-નફાખોરીની શંકા
લીલા મરચાંના પણ પ્રતિ મણના રૂા.1200થી 1500
શૂકન માટે બારણે લટકાવાથી માંડીને રોજબરોજના દાળ-શાક અને ઉનાળામાં શરબતમાં વપરાતા લીંબુ હવે ગરીબો જ નહીં, મધ્યમવર્ગને મોંઘવારીની ચક્કીમાં પીસી રહ્યા છે. રાજકોટમાં આજે માર્કેટ યાર્ડમાં જ કિલોએ રૂા.25ના વધારા સાથે એક મણ લીંબુના રેકોર્ડબ્રેક રૂા.3500-4500ના ભાવે સોદા થયા હતા. દરેક શાકભાજી મોંઘાદાટ થતા લોકોને અગાઉ ખાદ્યતેલ સહિત જણસીમાં અને હવે શાકભાજીના વેપાર પર નફાખોરો-સંગ્રહખોરોને પક્કડ આવી રહ્યાની શંકા જન્મી છે.
શંકા અને આશ્ચર્યજનક રીતે લીંબુની આવકમાં ઘટાડો કે તંગી નથી છતાં તેના ભાવ બેફામ, અમર્યાદિત રીતે વધારાઈ રહ્યા છે. ગઈકાલે યાર્ડમાં 117 ક્વિન્ટલ લીંબુની આવક હતી અને ભાવ રૂા.3000-4000 હતા, આજે યાર્ડમાં આવક વધીને 143 ક્વિન્ટલ નોંધાઈ છે અને ભાવમાં મણે સીધો રૂા.500નો વધારો સાથે પ્રતિ મણના રૂા.3500-4500એ રેકોર્ડબ્રેક ઉંચાઈએ ભાવ પહોંચ્યા હતા. રાજકોટ યાર્ડમાં અનાજ,કઠોળ,તેલીબીયા સહિત 40થી વધુ જણસી અને 30થી વધુ શાકભાજી, સૌરાષ્ટ્રના યાર્ડોમાં 100થી વધુ કૃષિપેદાશો આવતી હોય છે તે તમામ જણસીમાં પ્રથમવાર સૌથી વધુ મોંઘા લીંબુ થયા છે.


