હજૂ બે દિવસ 7 શહેરમાં આગ વરસશે
સોમવારે કચ્છ, પોરબંદર, રાજકોટ, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર અને અમદાવાદ બન્યા ગરમ શહેર
ગુજરાત-સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમદાવાદ સહિત હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. સોમવારે બંને શહેર 42.6 ડિગ્રી તાપમાન સાથે હોટેસ્ટ સિટી બન્યા હતા. હવામાન ખાતાએ રાજ્યના 7 શહેરોમાં વધુ બે દિવસ સુધી હીટવેવની આગાહી કરી છે. એટલે કે ગરમીનો પારો અહીં 43 ડિગ્રીને પાર કરી શકે છે. કચ્છ, પોરબંદર, રાજકોટ, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર અને અમદાવાદનો તેમાં સમાવેશ થાય છે. માર્ચ મહિનાની શરૂઆતથી ભારે તાપ જોવા મળી રહ્યો હોવાથી લોકો બપોરના સમયે ઘરમાંથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે.
રાજ્યના તાપમાનમાં હિટવેવને કારણે 3થી 4 ડિગ્રીનો વધારો થયો છે. અમદાવાદમાં સતત બે દિવસથી પારો 42 ડિગ્રીને પાર પહોંચતા લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે. હવામાન વિભાગે રાજ્યમાં બે દિવસ ગરમીનું યલો અલર્ટ આપ્યુ છે. આજે પારો 43 ડિગ્રીની ઉપર પહોંચી શકે છે. સોમવારે અમદાવાદ ઉપરાંત રાજકોટમાં પણ પારો 42.6 ડિગ્રીએ પહોંચ્યો હતો. જ્યારે પાટનગર ગાંધીનગરમાં તાપમાન 42.3 ડિગ્રી નોંધાયું હતું.
- Advertisement -
રાજ્યમાં અમદાવાદ અને રાજકોટમાં સૌથી વધુ 42.6 ડિગ્રી તાપમાન રહ્યુ હતુ. હવામાનમાં ગઈ કાલના પ્રમાણમાં 1 થી 4 ડિગ્રી જેટલો વધારો નોંધાયો હતો. વડોદરામાં પણ સોમવારે ગરમીનું પ્રમાણ વધ્યું હતુ. સાથે સાથે અમુક જીલ્લાઓમાં હિટવેવની અસર પણ જોવા મળશે. હવામાન ખાતાની આગાહી મુજબ મંગળવારે પણ હિટવેવ રહેશે. બુધવારથી આગામી પાંચ દિવસમાં તબક્કાવાર બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટતા ગરમી ઓછી થવાની પણ આગાહી કરવામાં આવી છે.
આ કાળઝાળ ગરમીમાં અનેક લોકો ડિહાઇડ્રેશન, ચક્કર, લૂ જેવી અનેક સમસ્યાઓની ઝપેટમાં આવી રહ્યા છે. સતત પડતી ગરમીને કારણે રસ્તાઓ પણ સૂમસામ બની રહ્યા છે.



