ગુજરાતે લખનઉને 5 વિકેટે હરાવ્યું : રાહુલ તેવટિયાના શાનદાર 40 રન, હાર્દિકના 33 રન
માત્ર 25 રનમાં 3 વિકેટ ઝડપનાર મોહમદ શમી મેન ઓફ ધ મેચ
IPL-15માં સોમવારે રમાયેલી મેચમાં ગુજરાત ટાઈટન્સે 5 વિકેટથી લખનઉ સુપર જાયન્ટ્સને હરાવી દીધું છે. ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા લખનઉએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 158 રન કર્યા હતા. જેને ગુજરાતની ટીમે 19.4 ઓવરમાં ચેઝ કરી મેચ જીતી લીધી છે. આ દરમિયાન ગુજરાત ટાઈટન્સના બેટર રાહુલ તેવટિયા અને ડેવિડ મિલર વચ્ચે 34 બોલમાં 60 રનની મેચ વિનિંગ પાર્ટનરશિપ થઈ હતી.

- Advertisement -
ગુજરાત ટાઈટન્સ વતી મોહમદ શમીએ 4 ઓવરમાં 25 રન આપી 3 વિકેટ ઝડપી હતી જ્યારે વરૂણ એરોને 2 અને રાશિદ ખાને 1 વિકેટ ઝડપી હતી. ગુજરાત ટાઈટન્સને જીતવા માટે 159 રનનો ટાર્ગેટ મળ્યો હતો. તેવામાં 15 રનની અંદર 2 વિકેટ ગુમાવ્યા પછી હાર્દિક અને મેથ્યુ વેડ વચ્ચે 57 રનની પાર્ટનરશિપ થઈ હતી.
પરંતુ લખનઉના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ પોતાના ભાઈ તથા ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાને આઉટ કર્યો હતો. કૃણાલની ઓવરના પહેલા બોલ પર જ હાર્દિક લોફ્ટેડ શોટ મારવા ગયો હતો. જેનું ટાઈમિંગ ખાસ ન થતા લખનઉના મનીષ પાંડેએ તેનો કેચ પકડી લીધો હતો. તેવામાં શાનદાર લયમાં જોવા મળી રહેલા હાર્દિકની વિકેટ તેના જ ભાઈ કૃણાલે લીધી હતી.


