રાજકોટના બેડલા ગામની સીમમાં ચણા અને ઘઉંના પાક વચ્ચે વાવેલા અફીણના 6800 લીલા છોડ સાથે 4.48 લાખનો મુદ્દામાલ કબ્જે
- વાડી માલિકની ધરપકડ કરી, અફીણ પીવા માટે વાવ્યાની કબૂલાત
સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ નશાના કાળા કારોબારનું એપી સેન્ટર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટના કુવાડવા હાઇવે પર બેડલા ગામ પાસે ફાડદંગ ડેમની બાજુમાં વાડીએ ચણા અને ઘઉંના વાવેતરની વચ્ચે અફીણનું વાવેતર કર્યું હોવાની બાતમી એરપોર્ટ પોલીસને મળી હતી.
આથી પોલીસે દરોડો પાડતા અફીણના 6800 લીલા છોડ મળી આવ્યા હતા. પોલીસે રૂ.4.48 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વાડી માલિકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.રાજકોટમાં રોજ બરોજ માદક પદાર્થનો જથ્થો પોલીસ દ્વારા પકડી પાડવામાં આવતો હોય છે. એટલું જ નહીં આ સાથે હવે માદક પદાર્થની ખેતી પણ થતી હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે ગઇકાલે રાત્રિના રાજકોટ એરપોર્ટ પોલીસ સ્ટેશનના PI જી.એમ. હડિયા અને તેની ટીમને બાતમી મળી હતી કે, બેડલા ગામની ફાડદંગ ડેમ પાસે આવેલી વાડીમાં મનસુખ ચનાભાઇ ચૌહાણે પોતાના ખેતરમાં અફીણનું વાવેતર કર્યું છે, જેના આધારે રેડ કરતા વાડીમાંથી અફીણના લીલા માદક વનસ્પતિજન્ય 6800 છોડ, વજન 149.500 કિલોગ્રામ સાથે રૂ.4,48,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
- Advertisement -
આ ગુનામાં વાડી માલિક મનસુખ ચનાભાઇ ચૌહાણની ધરપકડ કરી હતી. આ અંગે એરપોર્ટ પોલીસે FSLને જાણ કરતા યોગેશભાઇ દવે પણ આવી પહોંચ્યા હતા. મનસુખની પૂછપરછ કરતા પોતે અફીણ પીવા માટે વાવેતર કર્યું હોવાનું રટણ કર્યું હતું. આ સાથે અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ? એ અંગે પણ હાલ મનસુખની પૂછપરછ કરવામાં આવી છે.


