DCP પ્રવીણ મીણા, DCP મનોહરસિંહ જાડેજા અને ACP બસિયાને સેલ્યૂટ
ત્રણ એવાં અધિકારીની વાત જેની સામે આવા ભયંકર પોલીસ વિરોધી વાવાઝોડામાં પણ આંગળી ચિંધાઈ નથી
- Advertisement -
જ્યારે ભ્રષ્ટ અધિકારીઓની ભરી-ભરીને ટીકા કરીએ છીએ ત્યારે બેદાગ અધિકારીઓને બિરદાવવા પણ રહ્યાં
DCP પ્રવીણ મીણા: ગંદા ખેલ વચ્ચે પણ ફરજ નિભાવતા રહ્યા
ફિલ્મમાં ઈન્સ્પેકટર બનેલો અજય દેવગન ડાયલોગ બોલે છે:
- Advertisement -
“મેરી ઝરૂરતેં કમ હૈ
ઈસી લીયે મેરે ઝમીર મેં દમ હૈં।
જરૂરતો કોઈની કમ નથી હોતી. માનવ સ્વભાવ છે: લ્યુનાવાળો એક્ટિવા લેવા ઈચ્છે છે, એક્ટિવા ધારકને સ્મોલ કાર લેવી છે, નાની ગાડીવાળાને સેડાન કે પછી લકઝુરિયસ કે અલ્ટ્રા લકઝુરિયસ ફોર વ્હીલર લેવાની ઈચ્છા જાગે છે. ભાડાનાં મકાનમાંથી એક નાનકડું મકાન લેવું છે પછી વૈભવી બંગલો અને પછી ફાર્મ હાઉસ. જાવેદ અખ્તરે લખ્યું છે:
સબ કા ખુશી સે ફાસલા
એક કદમ હૈ,
હર ઘર મેં બસ એક હીં
કમરા કમ હૈ!
ચાર લીંટીના શેરમાં આખી માનવપ્રકૃતિની વાત કરી દીધી. જરૂરતોં તો વધવાની જ. પરંતુ એ પૂર્ણ કરવાની પૂર્વશરત એ છે કે, સંયમ ગૂમાવવો નહીં. જેમણે સંયમ છોડ્યો એ સસ્પેન્ડ થયાં, માસ્તર જેવી પોસ્ટ પર મૂકાયા. ઈવન, વિદાયમાન પણ ન અપાયું.
નિકલના ખુલ્દ સે આદમ કા
સુનતે આયે થે લેકીન
બહુત બેઆબરૂ હો કર
તેરે કૂચે સે હમ નિકલેં
રાજકોટમાં સ્વયં પોલીસ દ્વારા આટઆટલાં કૌભાંડો, હવાલા-કબાડા ચાલતાં હતાં, સાખરા જેવા બે બદામનાં પી.એસ.આઈ. પણ કરોડો રૂપિયા બનાવતા હતા ત્યારે તેનાં કરતાં ક્યાંય સીનિયર ગણાય તેવા ઝોન-1નાં ઉઈઙ પ્રવીણ મીણા આ ગંદા ખેલમાં પડવાને બદલે પોતાની ફરજ નિભાવે જતાં હતાં. તેનો પુરાવો એ છે કે, એકપણ અરજી એવી નથી આવી- જેમાં તેમણે જમીન પડાવી લેવાનો કારસો કર્યો હોય, કોઈ પાસેથી સાટાખત રદ કરાવ્યું હોય કે ગંભીર વિવાદમાં આવ્યા હોય.
DCP મનોહરસિંહ જાડેજા: સખ્તાઈ અને સંવેદનસભર અભિગમનો સંગમ
ઝોન-2નાં DCP મનોહરસિંહ જાડેજા પણ આવાં જ એક અધિકારી છે. એમની સખ્તાઈ અને કાયદાનો આગ્રહ મેં નજરે અનેક વખત નિહાળ્યો છે. ક્યારે સખ્ત બનવું અને ક્યારે સંવેદનાસભર થવું એ તેમને બરાબર ખ્યાલ છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અને જઘૠ ની ટોળકી કાળો વર્તાવતી હતી ત્યારે પણ એમણે દુકાનનાં શટર ઊંચા ન્હોતા કર્યા. વાસ્તવમાં એમની કોઈ દુકાન છે જ નહીં. ચોતરફ બધાં ફાસફુસીયાથી માંડીને અધિકારીઓ પણ ચાર હાથે પૈસા બનાવતાં હોય ત્યારે સ્થિતપ્રજ્ઞ રહેવું એ યોગકર્મ જેવું છે. એટલે જ સાટાખત-દસ્તાવેજ રદ કરવાની, હવાલા લેવાની કે આર્થિક મામલા સુલટાવવાની એક નાની શી અરજી પણ એમની વિરૂદ્ધ નથી થઈ. સ્કૂલનો પ્રિન્સિપાલ કામમાં ડાઠીયા મારતો હોય અને કરતૂતો કરતો હોય ત્યારે પણ કોઈ શિક્ષક જો પ્રામાણિકતાથી પોતાની ફરજ નિભાવે તો એમને સેલ્યૂટ કરવાનું મન થાય જ.
ACP ક્રાઈમ બસિયા: તેમણે ક્રાઈમ બ્રાન્ચ કરતાં અલગ માર્ગ પસંદ કર્યો

એ.સી.પી. ક્રાઈમ જો ધારે તો કેટલી હદે ખોટું કરી શકે, કેટલી મિલકતો પડાવી શકે તે આપણે નજીકનાં ભૂતકાળમાં જોયું જ છે. પરંતુ એ.સી.પી.-ક્રાઈમ ડી. વી. બસિયાએ અલગ માર્ગ પસંદ કર્યો એટલે જ ક્રાઈમ બ્રાન્ચનાં પી.આઈ. અને પી.એસ.આઈ. કે કોન્સ્ટેબલ વિરૂદ્ધ અનેક ફરિયાદો આવી, પણ, ક્રાઈમ બ્રાન્ચનાં ACP હોવા છતાં ડી. વી. બસિયા સામે એક પણ ફરિયાદ નથી આવી. તેમણે ક્યારેય હદ વટાવી નહીં. કોઈ વિવાત-વિખવાદમાં તેઓ કદી પડ્યા નહીં. ક્યારેય તેમનો પગ કુંડાળામાં પડ્યો નહીં.


