એક અજ્ઞાત યોગીના ઇશારે વર્ષો સુધી NSEના નિર્ણયો કરવામાં આવ્યા
ખાસ-ખબર સંવાદદાતા
એક અજ્ઞાત યોગીના ઇશારા પર વર્ષો સુધી નેશનલ સ્ટોક એક્સચેન્જના મોટા નિર્ણયો કરવામાં આવ્યા, પણ આ યોગી અંગે હજુ સુધી કોઈને જાણકારી નથી. સીબીઆઈ કેસની તપાસ કરી રહી છે અને ઝડપથી બાબાની શોધ કરી લેશે. હાલના તબક્કે સીબીઆઈને એટલો ખ્યાલ આવી ગયો છે કે આ બાબાનું હિમાલય સાથે કોઈ કનેક્શન નથી પણ દિલ્હી કે મુંબઈના કોઈ મહત્ત્વપૂર્ણ વિભાગમાં બેઠેલો કોઈ ટોચનો અધિકારી છે.સીબીઆઈ સૂત્રો કહે છે કે આ યોગી નાણામંત્રાલયનો કોઈ બ્યૂરોક્રેટ હોઈ શકે છે, જેનો ચિત્રા રામકૃષ્ણની કેરિયર ચમકાવવામાં મોટો હાથ છે. નોંધનીય છે કે એનએસઇની ભૂતપૂર્વ સીઈઓ ચિત્રા ઉપર આધ્યાત્મિક ગુરુ સાથે ગુપ્ત જાણકારી શેર કરવાનો આરોપ છે. સેબીએ 11 ફેબ્રુઆરીએ ચિત્રાને એક્સચેન્જની ગુપ્ત માહિતી કોઈ અજ્ઞાત વ્યક્તિ સાથે શેર કરવા માટે ચિત્રાને રૂ. ત્રણ કરોડનો દંડ કર્યો હતો.
ચિત્રા રામકૃષ્ણ શિક્ષણથી એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તેને સૌપ્રથમવાર 1991માં એનએસઇનું નેતૃત્વ મળ્યું હતું. નોંધનીય છે કે ચિત્રાએ એનએસઇની સ્થાપનામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 90ના દાયકામાં બીએસઇ હર્ષદ મહેતા કૌભાંડની લપેટમાં આવી ગયું હતું. તે સમયે ભારત સરકાર સ્ક્રીન આધારિત અખિલ ભારતીય સ્ટોક એક્સચેન્જ બનાવવા માંગતી હતી અને તેના માટે પાંચ સભ્યોની બનેલી કોર ટીમની રચના કરી હતી. આ ટીમમાં ચિત્રા એક સભ્ય તરીકે મોજૂદ હતી. સરકાર એવું શેરબજાર ઊભું કરવા માંગતી હતી જે પારદર્શી વ્યાપાર કરવા સક્ષમ હોય. એનએસઇના પ્રથમ એમડી આર.એચ. પાટિલ, નારાયણ અને રામકૃષ્ણ કોર ટીમનો હિસ્સો હતાં.


