રાજકોટથી ગેરકાયદે મોકલાવેલા 1.70 લાખના વિસ્ફોટકો સાથે શખ્સને ઝડપી લેવાયો
બીલ કે આધાર પુરાવા વગર એક્સપ્લોઝિવનો જથ્થો મોકલનાર રાજકોટના વેપારીની પુછપરછ
જસદણ ભાડલા નજીકના રાજાવડલા ગામના બસ સ્ટેન્ડ પાસેથી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.એ 500 નંગ ડિટોનેટર અને 800 નંગ જીલેટીન સ્ટીકના જથ્થા સાથે રાજકોટના શખ્સની ધરપકડ કરી રૂ.1.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મળતી વિગતો મુજબ પોલીસને મળેલી બાતમીના આધારે બોલેરો ગાડી નં.જીજે-4વાય-1792 માં એક શખ્સ ગેરકાયદેસર રીતે એક્સપ્લોઝિવને લગતો સામાન લઈ તેની ગેરકાયદે રીતે હેરફેર કરવા માટે ભાડલા તરફથી રાજાવડલા ગામ તરફ નીકળવાનો છે.
- Advertisement -
જે બાતમીના આધારે વોચ ગોઠવી રાજકોટના એસ.ઓ.જી.ની ટીમે સુકી સાજડીયારીના સિધ્ધરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા(ઉ.વ.32)ને અટકાવીને તલાશી લેતાં તેની પાસેથી ગેરકાયદેસર રીતે આધાર કે પરવાના વગરના એક્સપ્લોઝિવને લગતો સામાન ડીટોનેટર નંગ-500 કિ.રૂ.7500, જીલેટીન સ્ટીક નંગ-800 કી.રૂ.9600, ઈલેક્ટ્રીક વાયરનું બંચ નંગ-1 કી.રૂ.3500 અને બોલેરો ગાડી કી.રૂ.1,50,000 નો મુદ્દામાલ મળી આવતા આ અંગે બીલ કે આધાર પુરાવા રજૂ કરવાનું કહેતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો.
જેમાં પ્રાથમિક તપાસમાં તે રાજકોટ શહેર વિસ્તારમાંથી ગોડાઉનમાંથી બીલ વગરના આ એક્સપ્લોઝીવ જથ્થો ભેઠુંડા ગામ નજીકના વિસ્તારમાં દેવા જતો હોવાનું જાણવા મળતા તેની અટકાયત કરી ગુનો દાખલ કરી વધુ પુછપરછ હાથ ધરી હતી.રાજકોટ ગ્રામ્ય એસઓજીએ આ બાબતે રાજકોટમાં આવેલ એક્સપ્લોઝીવના વેપારીની પણ પુછપરછ કરવા તજવીજ હાથ ધરી છે.