શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કદાચ માનતા માની છે કે, જ્યાં સુધી રાજ્યમાં દૈનિક કેસનો આંકડો પાંચ-દસ હજાર કેસ સુધી ન પહોંચે ત્યાં સુધી સ્કૂલો બંધ ન કરવી
– (કિન્નર આચાર્ય)
આજે દરેક વાલી ચિંતીત છે, પરેશાન છે : માતા-પિતા પ્રાર્થના કરે છે કે, તેમનું સંતાન ક્યાંક સ્કૂલેથી કોરોના ઘેર ન લઈ આવે.
દેશમાં અને ગુજરાતમાં કોરોના જેટ ગતિએ વધી રહ્યો છે. દરેક શહેરમાં, ટાઉનમાં કુદકે ને ભુસકે કેસ વધી રહ્યાં છે. આવી સ્થિતિમાં વાઈબ્રન્ટ ગુજરાત જેવી ઈવેન્ટ સામે સરકારમાં, અધિકારી વર્ગમાં, જાણકારોમાં અને પ્રજામાં ગણગણાટ હતો જ. બધાંને હતું કે, મહામારીની ત્રીજી લહેર મધ્યે આવા મેગા આયોજન બિલકુલ બિનજરૂરી છે, જોખમી છે. વાયબ્રન્ટ સમિટ ટાળવાનો સરકારનો નિર્ણય ફુલડે વધાવવા જેવો છે.
- Advertisement -
પ્રજામાં એવો મેસેજ જઈ રહ્યો હતો કે, કોરોનામાં માત્ર જનતાએ જ સાવધાની રાખવાની છે, ભીડથી દૂર રહેવાનું છે પરંતુ સરકાર-શાસકો માટે બધી છૂટ છે. વાયબ્રન્ટ કોઈ અનિવાર્ય ઈવેન્ટ નથી, એ જીવન-મરણનો સવાલ પણ નથી. અત્યારે સરકારનું સંપૂર્ણ ફોક્સ માત્ર ને માત્ર કોરોના પર હોવું જોઈએ. બીજી લહેરમાં જેમ સ્થિતિ કાબૂ બહાર ગઈ હતી તેનું પુનરાવર્તન ન થાય તે માટે સરકારની તમામ મશીનરી કામે લાગવી જોઈતી હતી, તેને બદલે બ્યુરોક્રસીનો ખડકલો વાયબ્રન્ટ માટે થયો હતો. પણ, અંતે ઈવેન્ટ મોકુફ રહી તે આવકાર્ય છે. દેર આયે દુરસ્ત આયે.

વાયબ્રન્ટ જેવો જ સો મણનો સવાલ હવે સ્કૂલ-કોલેજોનો છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કદાચ માનતા માની છે કે, જ્યાં સુધી રાજ્યમાં દૈનિક કેસનો આંકડો પાંચ-દસ હજાર કેસ સુધી ન પહોંચે ત્યાં સુધી સ્કૂલો બંધ ન કરવી. સ્કૂલ ચાલું રાખવાની તેમની જીદ્દ આપણી સામાન્ય બુદ્ધિથી પર છે. એમની પાસે કોઈ ન્યૂટન કે આઈનસ્ટાઈન જેવું દિમાગ હોય અને તેમાં કશુંક અદ્ભુત ઉગ્યું હોય અને હાલની સ્થિતિમાં સ્કૂલ ચાલુ રાખવાનાં ફાયદા એમને લાદ્યા હોય તો એમણે એ આપણને પણ સમજાવવા જોઈએ.
- Advertisement -
ઑફલાઈન શિક્ષણ થોડાં મહિના બંધ રહેશે તો શું લૂંટાઈ જવાનું છે? શું આપણે દરેક શાળા-કોલેજમાં કોરોના બોમ્બ ફુટવાની પ્રતીક્ષા કરી રહ્યાં છીએ? આજે દરેક વાલી ચિંતીત છે, પરેશાન છે. માતા-પિતા પ્રાર્થના કરે છે કે, તેમનું સંતાન ક્યાંક સ્કૂલેથી કોરોના ઘેર ન લઈ આવે. સ્કૂલે જતાં બાળકને સામાન્ય દરદી-તાવ થાય તો પણ મા-બાપને ધ્રાસ્કો પડે છે. શું આ સ્થિતિથી શિક્ષણમંત્રી અજાણ છે? જો અજાણ હોય તો શરમજનક. અને જાણ હોવા છતાં સ્કૂલ ચાલું રાખવા જીદ્દ પર ઉતરવું એ તો તેનાંથી પણ વધુ શર્મનાક ગણાય.
ભણતરની માતા-પિતાને પણ ચિંતા હોય છે, જીતુ વાઘાણીને હોય તેનાં કરતાં વધુ ફિકર હોય છે. પણ સ્વાસ્થ્ય અને પ્રાણથી વિશેષ બીજું કશું નથી. દસથી બાર ધોરણમાં વિદ્યાર્થીઓ માટે કદાચ હજુ થોડાં દિવસ સ્કૂલ ચાલું રહે તો સમજી શકાય. પરંતુ એકથી નવ ધોરણનાં વિદ્યાર્થીઓને તો સંભવત: જોખમથી દૂર રાખવા જ જોઈએ.
આ માત્ર સામાન્ય બુદ્ધિનો પ્રશ્ર્ન છે અને કોઈ એવરેજ બુદ્ધિ ધરાવતી વ્યક્તિને પૂછો તો એ પણ કહેશે કે, હાલ ઓનલાઈન શિક્ષણ એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. બેશક, ઓનલાઈન શિક્ષણમાં ભરપૂર ખામીઓ છે, બાળકો પોતે પણ તેનાંથી ત્રાસી જાય છે. પરંતુ ત્રીજો કોઈ વિકલ્પ હોય તો કહો.



