હવામાન વિભાગે આગામી 48 કલાકમાં કચ્છમાં સીવિયર કોલ્ડ વેવની આગાહી કરી.
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં આખરે શિયાળાએ અસલ મિજાજ બતાવવાનું શરૃ કરી દીધું છે અને ગત રાત્રિએ મોટાભાગના સ્થળોએ પારો 18 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. નલિયામાં 6 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. આવનારા 5 દિવસ કાતિલ ઠંડી પડશે. જેમાં 16,17,18 ડિસેમ્બરે હાડ થીજાવતી ઠંડી પડશે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં 16 તારીખ બાદ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. હાલમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં સવારની તુલનામાં રાત્રે ઠંડીનું પ્રમાણ વધારે નોંધાયું છે. હવામાન ખાતાના આંકડા પ્રમાણે, મંગળવારે ગાંધીનગર, ડીસા, રાજકોટ સહિત રાજ્યના કુલ 11 શહેરનું તાપમાન 14 ડિગ્રીથી નીચે નોંધાયું હતુ.
ગુજરાતમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં 16 ડિસેમ્બરથી કોલ્ડવેવ રહેવાની શક્યતાઓ છે. તેમજ 6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે. તથા અમદાવાદમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કચ્છના નલિયામાં પારો ગગડતાં 6 ડિગ્રી તાપમાન નોંધાયુ છે, જે રાજ્યમાં સૌથી નીચુ તાપમાન રહ્યું છે. મહેસાણા, પાટણી, અને બનાસકાંઠામાં તાપમાનનો પારો અંદાજિત 11 ડિગ્રી નોંધાતાં લોકો ઠંડીમાં ઠૂંઠવાયા હતાં. બીજી બાજુ સાબરકાંઠામાં 12 ડિગ્રી અને અરવલ્લીમાં 13 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. ડિસામાં વર્ષનું સૌથી નીચું તાપમાન 11.8 ડિગ્રી નોંધાયું હતું. ઉત્તર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણો વાતાવરણમાં પલટો આવ્યાં બાદ તાપમાન સ્થિર થયું હતું. ત્યારબાદ ઉત્તર ગુજરાતના લઘુતમ તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો.
- Advertisement -