લદ્દાખ અને અરુણાચલ પ્રદેશ બાદ હવે ચીન હિમાચલ સરહદ પર પણ સતત પોતાની સૈન્ય શક્તિ વધારી રહ્યું છે. હિમાચલના કિન્નૌર, લાહૌલ અને સ્પીતિ જિલ્લાને અડીને આવેલી વાસ્તવિક નિયંત્રણ રેખાના 240 કિલોમીટર લાંબા વિસ્તારમાં રસ્તાઓ, પુલ અને હેલિપેડના નિર્માણને ઝડપી બનાવવાની સાથે સૈન્ય પણ તેની હાજરી વધારી રહ્યું છે જે ભારત માટે ચિંતાજનક બાબત છે. છેલ્લા કેટલાંક સમયથી ચીનનો ભારતીય સરહદની અંદર પગપેસારો વધી ગયો છે. ચીન પારેચુ નદીના ઉત્તરી કિનારે ચુરુપ વિસ્તારમાં નવો રોડ બનાવી રહ્યું છે. ચીન સરહદી વિસ્તારના શકટોટ, ચુરુપ અને દુનપુર ગામોમાં પણ ઝડપથી કામ કરી રહ્યું છે. નવી ઈમારતો સાથે ચીન આ ગામોમાં ઉચ્ચ ગુણવત્તાવાળા દેખરેખના સાધનો પણ સ્થાપિત કરી રહ્યું છે.
એક રિપોર્ટ અનુસાર, માંજા અને શાંગરંગલા વચ્ચે લગ્ગા પાસ પાસેના રેન્ડો ગામમાં ચીન તેના સ્થાયી થાણા પાસે નિર્માણ કાર્યને ઝડપી બનાવી રહ્યું છે. આ વિસ્તારમાં ભારે મશીનરી અને વાહનોની અવરજવર નોંધાઈ છે. ચીનની સેના લાખ્યા પાસે સૈનિકો માટે ઘર બનાવી રહી છે. આ સાથે કુક ગામમાં બાંધકામની સામગ્રી પણ જમા કરવામાં આવી છે. ભારતીય સરકાર અને સૈન્ય દ્વારા આ અંગે કોઈ કડક કાર્યવાહીની તાતી જરૂર વર્તાય રહી છે. જો ચીનની અવળચંડાઈને અટકાવવામાં ન આવી તો ચીન ભારતીય જમીન પર પોતાનો કબ્જો કરી શકે છે અને ધીમેધીમે ઘૂસણખોરી પણ વધારી શકે છે.
- Advertisement -
ચીન સાથે ભારતના વધતા તણાવ વચ્ચે આપણા દેશના ત્રણેય સૈન્યના વડા સીડીએસ બિપિન રાવતે ભારતનું નંબર-1 દુશ્મન પાકિસ્તાન નહીં પણ ચીન હોવાનું જણાવ્યું હતું. ચીન સાથે હિમાચલ પ્રદેશની 240 કિ.મી. સરહદ પર 1962ના યુદ્ધ દરમિયાન પણ સ્થિતિ શાંતિપૂર્ણ રહી હતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ચીની સૈન્યે ભારતીય સરહદી વિસ્તારોમાં પોતાની ગતિવિધિઓ વધારી દીધી છે ત્યારે આ સમગ્ર મામલે ગૃહ, સંરક્ષણ અને વિદેશી બાબતોના મંત્રાલય દ્વારા ચીન સાથે વાતચીતનો દૌર વધારવો જરૂરી બની જાય છે અને જરૂર પડે ડ્રેગન વાતની ભાષા ન સમજે તો તેને લાત મારવાની આવશ્યકતા છે કારણ કે, અંતમાં દેશની શાંતિ અને સુરક્ષાનો સવાલ છે.



