રાજકોટ જિલ્લા સાંસ્કૃતિક પ્રમુખ તરીકે વિજય કારીયાની વરણી
વિરપુર પ્રદેશ સંમેલનના સર્વાનુમતે લેવાયો નિર્ણયઃ સમાજના વિવિધ અગ્રણીઓ દ્વારા અભિનંદન
- Advertisement -
ગુજરાતભરના રઘુવંશી લોહાણા સમાજને એકસૂત્રતાના તાંતણે બાંધવા તેમજ સામાજિક ઉત્થાન અને એકતાને વધુ મજબૂત બનાવવાના હેતુથી કાર્યરત ‘ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમ’ દ્વારા રાજકોટ જિલ્લાના હોદ્દેદારની નિમણૂક કરવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટના અગ્રણી વિજય અમૃતલાલ કારીયાની રાજકોટ જિલ્લા સાંસ્કૃતિક પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. અગાઉ વિરપુર ખાતે યોજાયેલી અખિલ ગુજરાત લોહાણા સમાજની સામાન્ય સભા, ટ્રસ્ટની મિટિંગ તેમજ પ્રદેશ સંમેલનમાં સર્વાનુમતે લેવાયેલા નિર્ણય મુજબ કેન્દ્ર સરકારના પ્રસ્થાપિત કાયદા હેઠળ આ પ્રદેશ સંગઠનની નોંધણી કરવામાં આવી છે. ત્યારબાદ સંગઠનને વધુ સક્રિય બનાવવા માટે વિવિધ હોદ્દેદારોની નિમણૂક જાહેર કરવામાં આવી છે. ફોરમના પ્રમુખ જીતેન્દ્ર એચ. લાલ (જીતુ લાલ), માનદમંત્રી રમેશ વી. દતાણી અને પ્રદેશ સાંસ્કૃતિક પ્રમુખ ભરત કાનાબાર દ્વારા વિજય કારીયાને નિમણૂક પત્ર પાઠવીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. તેમની આ વરણી બદલ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના રઘુવંશી સમાજના અગ્રણીઓ, મિત્રો અને શુભેચ્છકો તરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.




