‘વર્લ્ડ AMR અવેરનેસ વીક’ અંતર્ગત આરોગ્ય શાખા, પી.ડી.યુ. મેડિકલ કોલેજ અને નર્સિંગ વિદ્યાર્થીઓની બહોળી ઉપસ્થિતિ
- Advertisement -
એન્ટિબાયોટિક અને અન્ય એન્ટિમાઇક્રોબાયલ દવાઓના અયોગ્ય તથા વધુ પડતા ઉપયોગથી શરીરમાં ઊભા થતા ગંભીર જોખમો એટલે કે એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) સામે નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા રેસકોર્સ રિંગ રોડ ખાતે એક વિશાળ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકાર દ્વારા દર વર્ષે 18 થી 24 નવેમ્બર દરમિયાન ઉજવાતા ‘વર્લ્ડ AMR અવેરનેસ વીક’ અંતર્ગત વર્ષ 2026ની થીમ “વન હેલ્થ, વન એક્શન: પ્રિવેન્ટ AMR નાઉ” (એક સ્વાસ્થ્ય, એક પગલું: અત્યારે જ AMR ને અટકાવો) ને સાર્થક કરવાના હેતુથી આ રેલી યોજાઈ હતી.રેસકોર્સ રીંગ રોડ પર યોજાયેલી આ રેલીમાં રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ, આરોગ્ય અધિકારી, નાયબ આરોગ્ય અધિકારી તેમજ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ, પી.ડી.યુ. મેડિકલ કોલેજના ડીન અને સ્ટાફ, એમ.પી.એચ.ડબલ્યુ., પેરામેડિકલ સ્ટાફ અને નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. સહભાગીઓએ હાથમાં વિવિધ બેનરો અને પ્લેકાર્ડ્સ સાથે “ડોક્ટરની સલાહ વગર એન્ટિબાયોટિક ન લો”, “દવાનો પૂરો કોર્સ પૂર્ણ કરો” અને “વધેલી દવાઓ બીજાને ન આપો” જેવા મહત્ત્વપૂર્ણ સૂત્રો દ્વારા શહેરીજનોને જાગૃત કર્યા હતા.આ તકે આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોને ખાસ અપીલ કરવામાં આવી હતી કે સામાન્ય શરદી, ઉધરસ કે વાયરલ ઇન્ફેક્શનમાં જાતે જ મેડિકલ સ્ટોર પરથી એન્ટિબાયોટિક દવાઓ ખરીદીને લેવાનું ટાળવું જોઈએ. દવાઓના આડેધડ ઉપયોગથી બેક્ટેરિયામાં દવા સામે લડવાની ક્ષમતા (રેઝિસ્ટન્સ) વિકસે છે, જેના પરિણામે ભવિષ્યમાં ગંભીર ચેપ લાગે ત્યારે જીવનરક્ષક દવાઓ પણ બિનઅસરકારક બની શકે છે. મનપા દ્વારા આગામી દિવસોમાં પણ શહેરના વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે AMR અંગે સેમિનાર અને માર્ગદર્શન કાર્યક્રમો યોજવામાં આવશે.




