રોયલ્ટી પાસ કે મંજૂરી વિના ખનીજ વહન કરતા તત્ત્વો સામે દંડકીય કાર્યવાહી હાથ ધરાઈઃ ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ
રાજકોટ શહેરમાં ગેરકાયદે ખનન અને ખનીજ વહન અટકાવવા માટે ખાણ-ખનીજ વિભાગ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટના જામનગર રોડ પર આવેલી જિલ્લા કોર્ટ નજીક ખાણ-ખનીજ વિભાગની ટીમે દરોડો પાડી ગેરકાયદે ખનન અને વહન ઝડપી પાડ્યું હતું. આ કામગીરી દરમિયાન વિભાગે એક જેસીબી (JCB) અને એક ડમ્પર સહિત કુલ રૂ. ૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ખાણ-ખનીજ વિભાગની ટીમને જામનગર રોડ પર જિલ્લા કોર્ટ નજીક ગેરકાયદે ખનન અને ખનીજ વહનની પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું ધ્યાને આવ્યું હતું. જેના આધારે તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જરૂરી પરવાનગી કે રોયલ્ટી પાસ વિના ખનીજનું ખનન અને વહન થતું હોવાનું ખુલતા તંત્રએ સ્થળ પરથી એક જેસીબી મશીન અને એક ડમ્પર કબજે કર્યા હતા.ખાણ-ખનીજ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલા જેસીબી અને ડમ્પરની અંદાજિત કિંમત રૂ. ૪૦ લાખ આંકવામાં આવી છે. હાલ તમામ મુદ્દામાલને સુરક્ષિત સ્થળે ખસેડીને વાહન માલિકો અને ગેરકાયદે ખનન કરનારા તત્વો વિરુદ્ધ દંડકીય તેમજ નિયમોનુસારની આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ખાણ-ખનીજ વિભાગની આ ઓચીંતી કાર્યવાહીથી ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.




