દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ઝેરી હવાથી હાહાકાર
બીકાનેરમાં એર ક્વોલિટી ઇન્ડેકસે તોડયા તમામ રેકોર્ડ; પંજાબના ભટિન્ડામાં 883 જયારે હરિયાણા-યુપીમાં પણ હવાની ગુણવત્તા અત્યંત જોખમી સ્તરે
- Advertisement -
દિલ્હીમાં AQI 630 નોંધાતા ‘GRAP 1’ લાગુ કરાયો; સ્વાસ્થ્ય વિભાગ દ્વારા નાગરિકો માટે વિશેષ હેલ્થ એડવાઇઝરી જારી
દેશમાં જ્યારે પણ સૌથી વધુ પ્રદૂષિત કે ઝેરી હવા ધરાવતા શહેરોની વાત નીકળે, ત્યારે સામાન્ય રીતે લોકોના મનમાં રાજધાની દિલ્હીનું નામ જ આવે છે, પરંતુ આજના તાજા આંકડાઓએ આ ધારણા બદલી નાખી છે. રાજસ્થાનના ઐતિહાસિક શહેર બીકાનેરે પ્રદૂષણના અત્યાર સુધીના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે, જ્યાં હવાની ગુણવત્તા અત્યંત ભયજનક અને ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. માત્ર બીકાનેર જ નહીં પરંતુ પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના અનેક શહેરો પણ ઝેરી દૂષિત હવાની ભારે માર સહન કરી રહ્યા છે. સત્તાવાર આંકડા અનુસાર, રાજસ્થાનના બીકાનેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ૧૩૫૭ ના અકલ્પનીય અને જોખમી સ્તરે પહોંચી ગયો છે. સામાન્ય રીતે ૫૦ થી ૧૦૦ વચ્ચેનો AQI સુરક્ષિત ગણાય છે, ત્યારે ૧૩૫૦ થી ઉપરનો આ આંકડો માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત ઘાતક અને કટોકટી સમાન છે. આ વાતાવરણમાં શ્વાસ લેવો સીધી રીતે ઝેર લેવા સમાન બન્યો છે, જેના કારણે લોકોમાં શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરાની ફરિયાદો વધી છે. બીકાનેર બાદ પંજાબનું ભટિન્ડા ૮૮૩ ના AQI સાથે દેશમાં બીજા ક્રમે છે. આ ઉપરાંત હરિયાણાના કરનાલમાં ૮૫૦, સોનીપતમાં ૮૨૨, પાનીપતમાં ૮૦૪ તેમજ યુપીના ગાઝિયાબાદમાં ૮૪૦ અને મેરઠમાં ૮૧૨ AQI નોંધાયો છે. દિલ્હી અને નેશનલ કેપિટલ રિજન (NCR) વિસ્તારની વાત કરીએ તો, અહીં સવારે AQI ૬૩૦ નોંધાયો હતો. દિલ્હીમાં વધતા પ્રદૂષણને અટકાવવા માટે પ્રશાસન દ્વારા તત્કાલ અસરથી ‘ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન’ (GRAP 1) લાગુ કરી દેવામાં આવ્યો છે અને બાંધકામ તથા વાહનોના ધુમાડા પર કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. તબીબો અને હવામાન નિષ્ણાતોએ નાના બાળકો, વૃદ્ધો અને શ્વાસની બીમારી ધરાવતા દર્દીઓને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અને માસ્કનો ઉપયોગ કરવાની કડક સલાહ આપી છે. દેશના અનેક શહેરોમાં અચઈં ૮૦૦ થી ૧૩૦૦ ની ગંભીર સપાટી વટાવી ગયો છે, જેને પગલે પ્રશાસન દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે અને નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.



