સૂર્યપૂજા સેવા સમિતિ દ્વારા સતત 35મા વર્ષે આયોજન
અસ્તાચળ અને ઉદયમાન સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરી શ્રદ્ધાળુઓ કરશે પૂજા-અર્ચના
- Advertisement -
રાજકોટમાં ભારતીય સંસ્કૃતિ, આસ્થા અને પરંપરાના પવિત્ર મહાપર્વ છઠ્ઠ પૂજાની ભવ્ય અને ભક્તિમય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. સૂર્યપૂજા સેવા સમિતિ, રાજકોટ દ્વારા દર વર્ષની પરંપરા જાળવી આ વર્ષે પણ 15 અને 16 નવેમ્બર, 2026ના રોજ આજી ડેમ ખાતે છઠ્ઠ પૂજા મહોત્સવ યોજાશે. છેલ્લા 35 વર્ષથી સતત આ મહોત્સવનું આયોજન કરી સમિતિ દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. છઠ્ઠ પૂજા એ ભગવાન સૂર્યનારાયણ અને છઠ્ઠી માતાની ઉપાસનાનું પવિત્ર પર્વ છે. આ મહાપર્વમાં વ્રતધારીઓ કઠિન નિર્જળ ઉપવાસ રાખી જળાશયના કિનારે અસ્તાચળ અને ઉદયમાન સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરે છે. પરિવારની સુખ-સમૃદ્ધિ, સંતાનના ઉજ્જવળ ભવિષ્ય, સારા સ્વાસ્થ્ય તેમજ સમગ્ર સમાજના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવે છે. મહોત્સવ 15 નવેમ્બર, 2026 (રવિવાર)ના રોજ બપોરે 3થી સાંજે 7 વાગ્યા સુધી છઠ્ઠ પૂજાના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જ્યારે 16 નવેમ્બર, 2026 (સોમવાર)ના રોજ સવારે 5થી 8 વાગ્યા સુધી પૂજા-અર્ચના અને ઉદયમાન સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાશે. બંને દિવસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી ભક્તિભાવપૂર્વક છઠ્ઠી માતાની પૂજા કરી ધર્મલાભ લેશે. મહોત્સવમાં રાજકોટના રાજકીય, સામાજિક અગ્રણીઓ, વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો અને પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ સહિતના હિન્દીભાષી સમાજના લોકો માટે આ પર્વ વિશેષ ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. સમગ્ર આયોજન સમિતિના અધ્યક્ષ ધનંજયસિંહ અને સચિવ આનંદસિંહ ઠાકુરની આગેવાની હેઠળ થઈ રહ્યું છે. મહોત્સવને સફળ બનાવવા ઘનશ્યામ મિશ્રા, વિકાસ પંડિતજી, કૃષ્ણા ગુપ્તા, રાજુ શર્મા, રાજુ જાયસવાલ, શૈલેષ સિંહ, અનિલ યાદવ, રાકેશસિંહ, સુધીર ઠાકુર અને દેવેન્દ્ર યાદવ સહિતના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.



