સાંસદ પરિમલ નથવાણીની વિશેષ ઉપસ્થિતિમાં 25,000થી વધુ ગ્રામજનો માટે સમૂહ ભોજન અને લોકડાયરાનું આયોજન
રાજભા ગઢવી, ઉર્વશીબેન રાદડિયા અને હિતેશ અંટાળાના કલાકારોએ જમાવ્યો રંગ; અંબાણી પરિવાર દ્વારા વતનને અપાયેલી સુવિધાઓને યાદ કરાઈ
- Advertisement -
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરુભાઈ અંબાણીના વતન ચોરવાડ ખાતે જિયો પ્લેટફોર્મ્સના પબ્લિક ઇશ્યુના ૨૧ ટકા કરતાં વધારે પ્રીમિયમ સાથેના ધમાકેદાર અને ઐતિહાસિક લિસ્ટિંગની દ્વિવિધ કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. બુધવારે રાત્રે ચોરવાડમાં યોજાયેલા આ મહોત્સવમાં ૨૫,૦૦૦ કરતાં વધારે ગ્રામજનોએ સમૂહ ભોજનનો લાભ લીધો હતો અને ત્યારબાદ ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા ભવ્ય લોકડાયરો યોજાયો
હતો. આ ઐતિહાસિક અવસરે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સના ડિરેક્ટર અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી અંબાણી પરિવારના સભ્ય તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સંસ્મરણો વાગોળતા સાંસદ પરિમલ નથવાણીએ વર્ષ ૧૯૯૫માં ધીરુભાઈ અને કોકિલાબેન સાથે ચોરવાડ અને કુકસવાડાની ત્રિ-દિવસીય મુલાકાતના દિવસો યાદ કર્યા હતા. તેમણે ભાવુક સ્વરે જણાવ્યું કે ધીરુભાઈના ડ્રીમ પ્રોજેક્ટ સમાન રિલાયન્સે વૈશ્વિક પ્રગતિ કરી છે, તેવી જ રીતે તેમના વધુ એક સ્વપન જિયો પ્લેટફોર્મ્સ પણ વૈશ્વિક સ્તરે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. મુકેશભાઈ અંબાણી અને તેમના સંતાનો આકાશ, ઈશા અને અનંતે ધીરુભાઈના સ્વપનને અકલ્પનીય પ્રગતિ સાથે સાકાર કર્યું છે, જે દેશ અને પરિવાર માટે ગૌરવપૂર્ણ છે. તેમણે ઉમેર્યું કે ધીરુભાઈ જ્યારે રિલાયન્સનો આઈપીઓ લાવ્યા ત્યારે ચોરવાડવાસીઓને શેર આપવાથી લઈ દરેક ખુશીમાં સામેલ કર્યા હતા, અને આજે જિયોની સફળતામાં પણ અંબાણી પરિવારે પોતાના વતનને ભૂલ્યું નથી. આ અવસરે ધીરુભાઈ અંબાણી મેડિકલ અને કમ્પ્યુટર સેન્ટર તેમજ ગર્લ્સ હાઇસ્કૂલ જેવી ગ્રામજનો માટેની સુવિધાઓને પણ યાદ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંત ભાગમાં સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય વિમલ ચુડાસમાની ઉપસ્થિતિમાં ભવ્ય લોકડાયરો જામ્યો હતો. લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને ઉર્વશીબેન રાદડિયાએ પોતાની આગવી શૈલીથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા, જ્યારે હાસ્ય કલાકાર હિતેશ અંટાળાએ પોતાની તળપદી શૈલીમાં હાસ્ય રેલાવી સૌને પેટ પકડીને હસાવ્યા હતા.




