બજાર કરતાં ખૂબ જ સસ્તા ભાવે એકથી એક ચઢિયાતા ફટાકડાં ઉપલબ્ધ
સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો પણ ઉત્સાહભેર પ્રકાશપર્વ ઉજવી શકશે
- Advertisement -
દિવાળીના તહેવારોમાં સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો પણ ઉત્સાહભેર પ્રકાશપર્વ ઉજવી શકે તેવા ઉમદા અભિગમ સાથે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પોલીસ વેલફેર સોસાયટીના લાભાર્થે ખાસ રાહતદરે ફટાકડાં વેચાણ સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે. રાહતદરના ફટાકડાંનો આ સ્ટોલ રેસકોર્સ રિંગ રોડ સ્થિત પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આવેલા કોમ્યુનિટી હોલમાં કાર્યરત કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે દિવાળીના દિવસોમાં બજારમાં ફટાકડાંના ભાવો આસમાને પહોંચી જતા હોય છે, ત્યારે આ પોલીસ વેલફેર સ્ટોલ પર શહેરના અન્ય ખાનગી ફટાકડાં સ્ટોલ કરતાં અનેકગણા સસ્તા અને વ્યાજબી ભાવે ફટાકડાં વેચાઈ રહ્યા છે. સામાન્ય તણખા-તારામંડળથી માંડીને બાળકોની મનપસંદ આઈટમો અને આકાશી આતશબાજીના ફેન્સી શોટ્સ પણ અત્યંત રાહતદરે ઉપલબ્ધ બન્યા છે. અહીં માત્ર ૧૦ રૂ. ફુલઝર શરૂ થઈ જાય છે અને શંભુ, ચકરડી, ટેટા જેવા ફટાકડાના બોક્સ તો ૧૫-૨૦ રૂ.થી લઈ ૩૫-૪૦ રૂ.માં મળી રહે છે. બાળકોના મનપસંદ બીડી બોમ્બ અને પોપઅપ પણ સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. સ્કાય શોટ અને ફેન્સી ફટાકડાંની વિશાળ રેન્જ અહીં છે અને એ પણ રાહતદરે. બજારભાવની સરખામણીએ અંદાજે અડધાથી પણ ઓછા ખર્ચે થતી આ ખરીદીના કારણે ગ્રાહકોના ખિસ્સા પરનો બોજ રાજકોટ શહેર પોલીસ વેલફેર સોસાયટીના આ ઉમદા કાર્યને કારણે નોંધપાત્ર રીતે હળવો થયો છે. વળી, સ્ટોલમાં જ પોલીસ મિત્રોનો સ્ટાફ સતત ખડેપગે રહી દરેક ફટાકડાંની ખાસિયત શું છે અને તે ફૂટતાં શું થશે તેના અંગે માહિતી આપે. દરેક વ્યક્તિનો વ્યવહાર જાણે ઘરના સભ્ય જેવો લાગે, એકદમ માયાળુ અને મદદરૂપ.ફટાકડાં સ્ટોલ ખાતે જાહેર જનતાની સરળતા માટે વિશાળ બેઠક વ્યવસ્થા, લાઈનબદ્ધ કાઉન્ટર તેમજ અગ્નિશામક સાધનો સાથે સલામતીના તમામ આગોતરા પગલાં લેવામાં આવ્યા છે. ગ્રાહકો માટે રોકડની સાથે યુપીઆઈ – ડિજિટલ પેમેન્ટની પણ સરળ સુવિધા રાખવામાં આવી છે. ગુણવત્તાસભર અને સંપૂર્ણ સલામત ફટાકડાં નજીવા દરે મળતા હોવાથી શહેર-જિલ્લાના વધુને વધુ પરિવારોએ આ રાહતદરના સ્ટોલનો લાભ લેવો જોઈએ અને સુરક્ષિત રીતે દિવાળીનો ઉત્સવ માણવો જોઈએ.




