દિલ્હી, મુંબઈ અને અમદાવાદમાં વાયુ પ્રદૂષણમાં વધારો
શિયાળાની શરૂઆત થાય તે પહેલાં જ ભારતનાં મહાનગરોમાં વાયુ પ્રદૂષણનો ખતરો મંડરાઈ રહ્યો છે. સામાન્ય રીતે દિલ્હી હંમેશાં પ્રદૂષણના મામલે મોખરે રહે છે, પરંતુ આ ઑક્ટોબર મહિનામાં આશ્ચર્યજનક ઉલટફેર જોવા મળ્યો છે. માયાનગરી મુંબઈ અને ગુજરાતના મેગાસિટી અમદાવાદની હવા એટલી હદે બગડી છે કે ત્યાં શ્વાસ લેવો પણ જોખમી બની ગયો છે. એક તરફ મુંબઈનું આકાશ ગાઢ ધુમ્મસથી ઘેરાયેલું છે, તો બીજી તરફ અમદાવાદમાં પણ હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. ચાલો સમજીએ કે આ શહેરોની હવા શા માટે આટલી હદે કથળી રહી છે.
ઑક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે દિલ્હીની હવાની ગુણવત્તા આ ઓક્ટોબરમાં અત્યાર સુધીની શ્રેષ્ઠ માપવામાં આવી છે (અચઈં ૧૬૭થી ૧૭૬ની વચ્ચે). તેનાથી બિલકુલ વિપરીત, મુંબઈમાં પ્રદૂષણનું સ્તર ખતરનાક રીતે વધી ગયું છે. ૨૪ ઑક્ટોબરના રોજ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના ડેટા મુજબ મુંબઈનો સરેરાશ AQI ૩૨૨ પર પહોંચી ગયો હતો, જે દિલ્હી કરતાં લગભગ બમણો છે અને ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં આવે છે. માત્ર એક દિવસના ડેટાથી લાંબા ગાળાનું તારણ ન કાઢી શકાય, પરંતુ મુંબઈની હવા સતત બગડી રહી છે તે એક સ્પષ્ટ હકીકત છે.
નવીનતમ અહેવાલો મુજબ, મુંબઈમાં કથળતી હવાને કાબૂમાં લેવા માટે ઈખઈએ તાજેતરમાં ૨૮ મુદ્દાની કડક માર્ગદર્શિકા બહાર પાડી છે. બાંધકામ સાઇટ્સ પર નિયમોના પાલન માટે ૭૬ વિશેષ સ્ક્વોડ તૈનાત કરવામાં આવી છે. હવે તમામ બાંધકામ સાઇટ્સને ગ્રીન નેટથી કવર કરવી તથા ધૂળ ઉડતી અટકાવવા સતત પાણીનો છંટકાવ કરવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે. જોકે, વહીવટીતંત્રના આ પગલાં ગ્રાઉન્ડ લેવલ પર કેટલા અસરકારક સાબિત થશે તે જોવું રહ્યું.
મુંબઈની જેમ અમદાવાદમાં પણ હવા બગડી રહી છે. તાજેતરના ડેટા અનુસાર અમદાવાદનો સરેરાશ AQI ૧૧૦થી ૧૮૬ની વચ્ચે નોંધાયો છે, જે સ્વાસ્થ્ય માટે ‘Poor’ (ખરાબ) શ્રેણી દર્શાવે છે. શહેરના ઔદ્યોગિક વિસ્તારો જેમ કે જીઆઈડીસી ગ્યાસપુરમાં આ આંકડો ૨૩૫ સુધી પહોંચી ગયો છે, જે અત્યંત ‘Unhealthy’ (અસ્વસ્થ) ગણાય છે. હવામાં મુખ્યત્વે PM2.5 (Particulate Matter એટલે હવામાં તરતા અતિ સૂક્ષ્મ ઝેરી કણો છે, જે શ્વાસ દ્વારા સીધા ફેફસાંમાં પહોંચીને ગંભીર નુકસાન કરે છે) અને PM10 સૂક્ષ્મ કણોનું પ્રમાણ જોખમી સપાટીએ જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં પ્રદૂષણ વધવા પાછળ મુખ્યત્વે ધૂળિયા રસ્તાઓ, વાહનોનો ધુમાડો, તાજેતરમાં નવરાત્રિના તહેવારો દરમિયાન વધેલો ટ્રાફિક અને શહેરની આસપાસ આવેલા ઔદ્યોગિક પ્લાન્ટ્સ જવાબદાર છે.




