મચ્છર ઉત્પત્તિ સબબ 208 આસામીઓને નોટિસઃ 68403 ઘરોમાં મનપા તંત્રએ પોરાનાશક દવાનો છંટકાવ કર્યો
- Advertisement -
રાજકોટ શહેરમાં બદલાતી ઋતુ વચ્ચે રોગચાળાને અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તા.૧૯ ઓક્ટોબરથી તા.૨૫ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન શહેરમાં મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના નવા ૬ કેસ નોંધાયા છે, જે સાથે ચાલુ વર્ષે ડેન્ગ્યુના કુલ કેસોની સંખ્યા ૪૭ પર પહોંચી છે. રાહતની વાત એ છે કે આ અઠવાડિયા દરમિયાન મેલેરિયા કે ચિકુનગુનિયાનો એક પણ નવો કેસ સામે આવ્યો નથી. ઋતુજન્ય બીમારીઓની વાત કરીએ તો, છેલ્લા એક અઠવાડિયામાં જ શરદી-ઉધરસના ૮૮૨ કેસ, સામાન્ય તાવના ૭૬૭ કેસ અને ઝાડા-ઉલટીના ૧૩૮ કેસ સામે આવ્યા છે. જ્યારે ટાઈફોઈડ, કમળો, મરડો કે કોલેરાનો એક પણ નવો દર્દી નોંધાયો નથી. મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે આરોગ્ય શાખાના ફિલ્ડવર્કર, અર્બન આશા દ્વારા એક સપ્તાહમાં ૬૮,૪૦૩ ઘરોમાં પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત ૮૯૪ ઘરોમાં તથા મચ્છરોની વધુ ઘનતાવાળા વિસ્તારો, સંવેદનશીલ સોસાયટીઓ અને જાહેર રસ્તાઓ પર વ્હીકલ માઉન્ટેડ મશીન દ્વારા સઘન ફોગિંગ કરવામાં આવ્યું છે.ડેન્ગ્યુ ફેલાવતા એડીસ મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો અટકાવવા માટે રહેણાંક સિવાય ૨૩૮ કોમર્શિયલ પ્રીમાઇસીસ (બાંધકામ સાઇટ, શાળાઓ, હોસ્પિટલ, હોટેલ, પાર્ટી પ્લોટ વગેરે)ની ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મચ્છરોનું બ્રીડિંગ મળી આવતાં રહેણાંકના ૧૫૮ અને કોમર્શિયલ ૫૦ મળીને કુલ ૨૦૮ આસામીઓને મ્યુનિસિપલ બાયલોઝ અંતર્ગત નોટિસ આપી વહીવટી ચાર્જ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવી છે. મનપા તંત્ર દ્વારા નાગરિકોને ઘરમાં કે આસપાસ ચોખ્ખું પાણી ભરાઈ ન રહે તે બાબતે તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.




