અમદાવાદમાં પોર્ટરમાં MD ડ્રગ્સની હેરાફેરીનું રેકેટ ઝડપાયું : ડિલિવરી બોયે ભાંડો ફોડ્યો, એકની ધરપકડ
અમદાવાદમાં ડિલિવરી સર્વિસ પ્લેટફોર્મ પોર્ટરની આડમાં ચાલી રહેલા ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. પોર્ટરના ડિલિવરી બોય વસંતને ગોતા વિસ્તારમાં એક પાર્સલ પહોંચાડવા માટે ઓર્ડર મળ્યો હતો. આ પાર્સલ પર શંકા જતાં ડિલિવરી બોય વસંત સોલંકીએ તપાસ કરતા તેમાંથી અંદાજે ૧૫૦૦ની કિંમતનું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. ડિલિવરી બોયે તાત્કાલિક પોલીસ કંટ્રોલરૂમને જાણ કરતાં નરોડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે જણાવ્યા અનુસાર, આ કન્સાઈનમેન્ટ મોકલનારની ધરપકડ કરવા તપાસ ચાલી રહી છે. કન્સાઈનમેન્ટ સ્વીકારનારની ધરપકડ કરી છે અને તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ગોતા પહોંચાડવાના આ કન્સાઈનમેન્ટ અંગે ડિલિવરીબોય વસંતને વહેમ જતાં તેણે તેને ખોલીને જોતાં જ અંદરથી એમડી ડ્રગ્સ નીકળ્યું હતું. ડિલિવરી આગળ આપવાને બદલે તેણે તાત્કાલિક પોલીસ કંટ્રોલરૂમનો સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવી હતી. કંટ્રોલરૂમના મેસેજના આધારે નરોડા પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને આ મામલે પાર્સલ બુક કરાવનાર તેમજ ગોતા ખાતે તેનો સ્વીકાર કરનાર શખ્સ બંને સામે તપાસ શરૂ કરી છે. નરોડા પોલીસે ડિલિવરી બોય પાસેથી ૧,૫૦૦ની કિંમતનું એમડી ડ્રગ્સ જપ્ત કરી પાર્સલ મોકલનાર અને તે મેળવનાર બંને સામે ગુનો દાખલ કર્યો છે. આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યો હતો પેકેટમાં કોણે પેક કર્યો હતો અને ગોતામાં ચોક્કસ કોને આપવાનો હતો તે સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા પોલીસે તપાસ હાથ ધરી છે. આમ, પોર્ટર કર્મચારીની સમયસૂચકતા અને સતર્કતાને કારણે ડ્રગ્સની હેરાફેરીનું મોટું રેકેટ ઝડપાયું છે.
પોલીસે જણાવ્યા મુજબ, પોર્ટરમાં MD ડ્રગ્સની ડિલિવરી અંગે વસંતભાઈ સોલંકી નામના એક પોર્ટરકર્મીને ઓર્ડર મળ્યો હતો કે તેમને સામાન લઈ ગોતા બાજુ જવાનું છે. તેઓ સામાન લઈને નીકળ્યા ત્યારે તેમના પર સતીશભાઈ સરાણીયાના નંબર પરથી ફોન આવ્યો અને નાના ચિલોડા આવવા માટે કહેવામાં આવ્યું. સતીશભાઈની પોર્ટર આઈડીમાંથી તેઓ પોતે ઓર્ડર ન કરતા હોવા છતાં અજાણ્યા ઓર્ડર પડતા હોવાથી તેમને શંકા ગઈ હતી, તેથી ચકાસણી કરવા તેમણે પોર્ટર ડ્રાઈવરને નાના ચિલોડા બોલાવ્યા હતા. ત્યાં બંને ભેગા મળીને તપાસ કરતા સામાનમાંથી એક પડીકી નીકળી હતી જે ડ્રગ્સ હોવાનું જણાતા તેમણે ૧૦૦ નંબર પર પોલીસને ફોન કર્યો હતો.
પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા માલ મોકલનાર અને મેળવનાર અંગેની માહિતી મળી હતી, જેમાં માલ મેળવનાર પ્રિયાંક વસંતભાઈ સંઘવી (ઉંમર ૨૭ વર્ષ) નામના યુવકને લાવીને પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. આ કેસમાં પકડાયેલ પોર્ટર ચાલક નિર્દોષ છે અને માલ આપનાર તથા લેનાર એમ ૨ લોકો સામે ધરપકડની કાર્યવાહી થવાની બાકી છે, જેમાં પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ માલ આગળ અન્ય કોઈ વ્યક્તિને આપવાનો હતો તેવી બાબત સામે આવી છે.




