વૈશ્વિક યુદ્ધ વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર પૂરપાટ
વૈશ્વિક અર્થતંત્ર ધીમુ છતાં ભારતીય વિકાસદર લોકલ ડિમાન્ડ તથા સર્વિસ સેકટરની તેજીના જોરે રોકેટગતિએ આગળ વધશે
- Advertisement -
દુનિયામાં યુધ્ધ સહિતના ચિંતાજનક ઘટનાક્રમોને કારણે મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે છતાં ભારતીય અર્થતંત્ર રોકેટગતિએ આગળ વધી રહ્યું છે. વિશ્વ બેંક બાદ હવે આંતરરાષ્ટ્રીય નાણાંનિધિઓ ભારતના જીડીપી વિકાસનો અંદાજ વધારી દીધો છે. ચાલુ નાણાંકીય વર્ષમાં ભારતનો આર્થિક વૃધ્ધિદર ૭ ટકા રહેવાનું અનુમાન દર્શાવ્યું છે જે અગાઉ ૬.૪ ટકા રાખવામાં આવ્યું હતું. આઇએમએફના રીપોર્ટ પ્રમાણે ક્રૂડતેલની ઉંચી કિંમત તથા વૈશ્વિક ભૌગોલિક ટેન્શન છતાં ભારત લોકલ ડીમાંડ અને સર્વિસ સેક્ટરના વિકાસના જોરે હરણફાળ ભરતું રહેશે. આંતરરાષ્ટ્રીય નાણાંનિધિના આ નવા રીપોર્ટ ભારતની આર્થિક તાકાતને ઉજાગર કરી છે. ક્રૂડની આયાત કરતા ઉભરતા દેશો માટે આવનારો મધ્યમ ગાળો નબળો ગણાવવામાં આવી રહ્યો છે. પરંતુ ભારત તેમાં અપવાદરૂપ બન્યું છે.
આ પૂર્વે વર્લ્ડ બેંક દ્વારા પણ ભારતનું વિકાસદર અનુમાન વધાર્યું હતું. આઇએમએફના રીપોર્ટમાં એમ કહેવાયું છે કે એકધારી તેજી, સાનુકુળ ડેમોગ્રાફી, વિશાળ સ્વદેશી માર્કેટ તથા એક પછી એક નીતિગત સુધારાને કારણે લાંબાગાળા માટેના ભારતના આર્થિક વિકાસની સંભાવના વધુ મજબુત થઇ રહી છે. સંસ્થાના ઓકટોબર-૨૦૨૬ના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રીપોર્ટમાં એમ કહ્યું કે આર્થિક વિકાસના અનુમાનમાં ભારત અલગ જ જોવા મળી રહ્યું છે. આ પૂર્વે સંસ્થા દ્વારા જુલાઇમાં ગ્રોથ અનુમાન ૦.૬ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. હવે અનુમાન ૭ ટકા કરી દેવામાં આવ્યું છે. લોકલ ડીમાંડ તથા સર્વિસ સેક્ટરની તેજીને આ પાછળનું મુખ્ય કારણ દર્શાવાયું છે. વૈશ્વિક સ્તરે ક્રૂડની ઉંચી કિંમત છતાં લોકલ ડીમાંડ ભારતીય અર્થતંત્રને ટકાવી રહી છે. વિશ્વસ્તરે આર્થિક વૃધ્ધિદર ૩.૧ ટકા દર્શાવ્યો છે. ૨૦૨૭માં તે ૩.૪ ટકા થવાનું અનુમાન રજુ કર્યું છે. ઉભરતા એશિયન દેશો માટે તે ૫.૧ ટકા તથા ૪.૯ ટકા અંદાજાય છે. ચીનનો વિકાસ દર ધીમો પડીને ૪.૫ ટકા તથા ૨૦૨૭માં ૪ ટકા રહેવાનું અનુમાન દર્શાવ્યું છે.




