₹2000થી વધુના વ્યવહાર પર 15 ઓક્ટોબરથી 0.4% ફી લાગવાની હતીઃ તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારનો નિર્ણય, મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન ચાર્જ હવે દિવાળી પછી લાગુ થશે
કેન્દ્ર સરકારે ૨,૦૦૦ રૂપિયાથી વધુના ગઙઈં ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ચાર્જ લાગુ કરવાના નિર્ણયમાં છેલ્લી ઘડીએ ફેરફાર કર્યો છે. ૧૫ ઓક્ટોબરથી આ ચાર્જ લાગુ થવાનો હતો, પરંતુ હવે પસંદગીના UPI ટ્રાન્ઝેક્શન માટે તેનો અમલ દિવાળી પછી સુધી મુલતવી રાખવામાં આવ્યો છે. તહેવારોની મોસમ પહેલાં લેવાયેલા આ નિર્ણયને સરકારના અગાઉના આયોજનમાંથી પીછેહઠ તરીકે જોવામાં આવી રહ્યો છે. અગાઉ નક્કી કરાયેલા નિયમ મુજબ, ૨,૦૦૦ રૂપિયાથી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર ૦.૪૦% MDR ચાર્જ લાગુ થવાનો હતો. આ નિર્ણયનો અમલ ૧૫ ઓક્ટોબરથી શરૂ થવાનો હોવાથી વેપારીઓ અને ડિજિટલ પેમેન્ટ ક્ષેત્ર માટે તે મહત્ત્વનો ફેરફાર બની શક્યો હોત. જોકે, અમલની તારીખ નજીક આવતાં જ સરકારે પસંદગીના ટ્રાન્ઝેક્શન માટે નિર્ણય પાછળ ઠેલ્યો છે. UPI એન્ડ સર્વિસિસ સ્ટિયરિંગ કમિટીએ તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને પસંદગીના પર્સન-ટુ-મર્ચન્ટ (P2M) ટ્રાન્ઝેક્શન પર MDR ચાર્જ દિવાળી પછી લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ માટેની નવી તારીખ અલગથી જાહેર કરવામાં આવશે. P2M ટ્રાન્ઝેક્શન એટલે ગ્રાહક દ્વારા દુકાનદાર કે વેપારીને કરવામાં આવતી ચુકવણી. બજારો, દુકાનો અને અન્ય વ્યવસાયોમાં UPI દ્વારા થતી આવી ચુકવણીઓ આ શ્રેણીમાં આવે છે. જોકે, હાલની જાહેરાત માત્ર પસંદગીના P2M ટ્રાન્ઝેક્શન પૂરતી છે. તેથી તમામ UPI પેમેન્ટ પર ચાર્જ મુલતવી રાખવામાં આવ્યો છે એવું માનવું યોગ્ય નથી.




