રાજકોટ મનપાના આરોગ્ય વિભાગની અનહાઈજેનિક સ્ટોરેજ અને લેબલિંગ વિનાના જથ્થા સામે કાર્યવાહી
કાગળિયાપરા અને મોચીબજારની બે પેઢી એસ. મીરા અને અલીફ ચિકન સામે લાલ આંખ
- Advertisement -
રાજકોટ શહેરમાં પ્રજાના સ્વાસ્થ્ય અને જિંદગી સાથે ગંભીર ખિલવાડ કરતાં તત્વો સામે મહાનગરપાલિકાના ફૂડ વિભાગે આકરી તવાઈ બોલાવી છે. માત્ર નફાખોરી ખાતર કાયદાના ખુલ્લેઆમ લીરેલીરા ઉડાવી અખાદ્ય અને સડેલું માંસ પધરાવતી બે જાણીતી પેઢીઓ પર ત્રાટકીને આરોગ્ય વિભાગે અંદાજે ૩,૦૦,૦૦૦ ની કિંમતનો ૧,૫૦૦ કિલો અતિ જોખમી અને અનહાઈજેનિક ચિકનનો જથ્થો કબ્જે કરી સ્થળ પર જ તેનો નાશ કર્યો છે.
મળતી વિગતો અનુસાર, કાગળિયાપરા, મોચીબજાર વિસ્તારમાં આવેલી બે અલગ-અલગ પેઢીઓ ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં એસ. મીરા ચિકન માંથી આશરે 1100 કિલો જેટલો શંકાસ્પદ/અખાદ્ય ચિકનનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ અલીફ ચિકન પેઢીમાંથી અંદાજે 400 કિલો અખાદ્ય ચિકન પકડાયું હતું. તપાસ દરમિયાન બંને સ્થળોએ ગંભીર ક્ષતિઓ સામે આવી હતી. કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહિત કરાયેલા ચિકનના જથ્થા પર ઉત્પાદન તારીખ કે કોઈ પણ પ્રકારનું નિયત લેબલિંગ કરવામાં આવ્યું નહોતું. આ ઉપરાંત, અત્યંત અનહાઈજેનિક (અસ્વચ્છ) કન્ડિશનમાં આ સ્ટોરેજ રાખવામાં આવ્યું હતું તેમજ ચિકનનું કોઈ પણ પ્રકારનું સ્ટોક રજિસ્ટર પણ નિભાવવામાં આવતું ન હોવાનું ખુલ્યું હતું. લોકોના સ્વાસ્થ્ય સાથે થતાં ચેડાં અટકાવવા માટે ફૂડ વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે બંને પેઢીઓમાંથી મળી આવેલ કુલ 1500 કિલો (આશરે 3,00,000 ની કિંમતનો) અખાદ્ય ચિકનનો જથ્થો જપ્ત કરી તેનો નિયમાનુસાર નાશ કર્યો હતો.




