આદિવાસીઓનું કલ્પવૃક્ષ મહુડો હવે વૈશ્વિક સ્તરે છવાશે
દુનિયામાં મહુડાના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો હાલ 80%
- Advertisement -
શરાબ ઉપરાંત મહુડામાંથી બ્યૂટી પ્રોડકટ્સ અને દવાઓ પણ બને છે
ભારતની જંગલ સંપદા અને આદિવાસી સંસ્કૃતિ સાથે સદીઓથી જોડાયેલો મહુડો હવે માત્ર ગ્રામીણ કે સ્થાનિક સીમાઓ પૂરતો મર્યાદિત નથી. વૈશ્વિક બજારમાં તે એક નવા ટ્રેન્ડી સુપરફૂડ તરીકે ઝડપથી ઉભરી રહ્યો છે. આરોગ્યપ્રદ ગુણો અને વિવિધ ઔદ્યોગિક ઉપયોગોને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે તેની લોકપ્રિયતામાં અસાધારણ ઉછાળો જોવા મળ્યો છે. તાજેતરના આંકડા મુજબ બજારમાં મહુડોના ભાવમાં ત્રણ ગણો વધારો નોંધાયો છે, જ્યારે છેલ્લા માત્ર એક જ વર્ષમાં ભારતમાંથી યુકે ખાતે થતી તેની નિકાસમાં ૨૫ ગણો જંગી ઉછાળો આવ્યો છે. ગુજરાત તેમજ મધ્ય ભારતના જંગલો અને મેદાની વિસ્તારોમાં વિપુલ પ્રમાણમાં જોવા મળતા મહુડોના ફૂલ ઔષધીય ગુણોનો ભંડાર છે. પ્રાચીન આયુર્વેદિક પરંપરા અનુસાર મહુડો શ્વસનતંત્ર સંબંધિત તકલીફો, પાચનતંત્રની ખામીઓ અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અત્યંત ગુણકારી ઔષધ માનવામાં આવે છે. જોકે, તેનો ઈતિહાસ પણ રસપ્રદ અને ઉતાર-ચઢાવવાળો રહ્યો છે. બ્રિટિશ શાસન દરમિયાન તેના નશીલા ગુણધર્મો અને દેશી દારૂના ઉત્પાદનને કારણ દર્શાવીને તેના પર કડક નિયંત્રણો અને પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. પરિણામે લાંબા સમય સુધી તેની ઓળખ માત્ર એક દેશી નશાકારક પીણા પૂરતી સીમિત રહી ગઈ હતી. જોકે હવે ભારત સરકાર આ છબી બદલીને મહુડોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા પાયે પ્રોત્સાહન આપી રહી છે, કારણ કે વૈશ્વિક સ્તરે આ ઉત્પાદનમાં ભારતનો લગભગ સંપૂર્ણ એકાધિકાર યાની મોનોપોલી છે.
હાલ ભારતમાં એકત્ર થતા કુલ મહુઆમાંથી લગભગ ૯૦% હિસ્સો સ્થાનિક દેશી દારૂ બનાવવામાં વપરાય છે. હવે બદલાતા પ્રવાહો સાથે હવે મુખ્ય ત્રણ વ્યાપારી કેટેગરીઓમાં મોટો તેજીનો દોર જોવા મળી રહ્યો છેઃ ૧. પ્રીમિયમ બેવરેજીસ અને ક્રાફ્ટ લિકર માર્કેટઃ જેમ મેક્સિકો માટે ટકીલા વૈશ્વિક ઓળખ ધરાવે છે તેમ મહુડો ભારતનું આગવું પ્રીમિયમ આલ્કોહોલિક પીણું બનવાની ક્ષમતા ધરાવે છે. ભારતમાં દેશી દારૂ અને ક્રાફ્ટ લિકરની કેટેગરી વાર્ષિક ૨૨%ના દરે ઝડપી વૃદ્ધિ નોંધાવી રહી છે. આ તકનો લાભ લઈને અનેક આધુનિક બ્રાન્ડ્સ મહુડોને પ્રીમિયમ પેકેજિંગ સાથે સામાન્ય જનતા અને વૈશ્વિક ગ્રાહકો સુધી પહોંચાડવા માટે મેદાનમાં આવી રહી છે. ૨. કોસ્મેટિક્સ અને સ્કિનકેર ઉદ્યોગઃ મહુડો માત્ર ખાદ્ય કે પીણા પૂરતું સીમિત નથી. તેના બીજમાંથી કાઢવામાં આવતું તેલ અને બટર આંતરરાષ્ટ્રીય સૌંદર્ય પ્રસાધનોમાં જાણીતા આફ્રિકન શિયા બટરની સમકક્ષ ગુણધર્મો ધરાવે છે. હાલમાં આફ્રિકન દેશો દ્વારા શિયા બટરની નિકાસ પર નિયંત્રણો મૂકવાનો વિચાર ચાલી રહ્યો છે, જેના પરિણામે મહુઆ બટર માટે વૈશ્વિક બ્યુટી અને સ્કીનકેર ઉદ્યોગમાં બહુ મોટો અવકાશ ઊભો થયો છે. ત્વચા માટે સ્વાસ્થ્યપ્રદ અને કુદરતી હોવાથી અગ્રણી બ્યુટી પ્રોડક્ટ્સમાં તેનો ઉપયોગ વધી રહ્યો છે. ૩. હેલ્થ, વેલનેસ અને કન્ફેક્શનરી પ્રોડક્ટ્સ: મહુડોના ફલો કુદરતી ગળપણનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. પરિણામે રિફાઇન્ડ ખાંડના વિકલ્પ તરીકે હેલ્થ-કોન્શિયસ ગ્રાહકોમાં તેની માંગ વધી છે. હાલમાં તેના ઉપયોગથી વિવિધ સ્વાદિષ્ટ શરબત, બેકરી પ્રોડક્ટ્સ, મહુડો જામ તેમજ મહુડો હની જેવા અવનવા ખાદ્ય ઉત્પાદનો બનાવવામાં આવી રહ્યા છે. આટલી વિપુલ શક્યતાઓ હોવા છતાં, ચોંકાવનારી બાબત એ છે કે ભારતમાં મહુડોની ઉપલબ્ધ કુલ ક્ષમતામાંથી હાલ માત્ર આશરે ૧૭% હિસ્સાની જ યોગ્ય લણણી કે સંગ્રહ થઈ રહ્યો છે. બાકીનો મોટો હિસ્સો ઉપયોગ વિના પડી રહે છે. આ પરિસ્થિતિ ભારતીય સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકો માટે એક સુવર્ણ તક સમાન છે. મહુડો આધારિત ગુણવત્તાયુક્ત ઉત્પાદનો તૈયાર કરી, તેનું યોગ્ય રીબ્રાન્ડિંગ કરીને તેને પ્રીમિયમ કેટેગરીમાં વૈશ્વિક સ્તરે ઊંચા મૂલ્યે વેચી શકાય છે. આ પગલાથી માત્ર દેશની નિકાસમાં જ વધારો નહીં થાય પરંતુ મધ્ય ભારતના આદિવાસી અને વનવાસી પરિવારોને પણ સીધો આર્થિક ફાયદો અને રોજગારી પ્રાપ્ત થશે.
- Advertisement -
મહુડામાં રહેલી છે અનેક ખાસિયતો
કલોરોફિલની વિપુલતાને લીધે લીલા મધુ પાન રેશમ જેવો ચળકાટ આપે છે. માર્ચ મહિનાથી મહુડાને ફલો આવવાની શરૂઆત થાય છે. ફલોને સુકવ્યા બાદ બે-ત્રણ દિવસ આથીને મદ્ય પણ બનાવવામાં આવે છે. જેનો ઉપયોગ આરોગ્યવર્ધક દવા તરીકે થાય છે. મહુડાની એક ખાસિયત છે કે, તેના ફૂલને સૂકવીને વર્ષો સુધી સંગ્રહિત કરી શકાય છે. કહેવાય છે કે, મહુડાના પ્રથમ ધારની મદિરા ખુબ જ ઔષધિય ગુણ ધરાવે છે. શિયાળામાં મહુડાનું ગોળ સાથે સેવન કરવાથી શરીરને ખૂબ જ ફાયદો થાય છે. હવે લોકો મહુડાનાં ગુણો જાણ્યા પછી મહુડામાંથી માત્ર મદિરા જ નહી પણ પોસ્ટીક લાડુ, ચીકી, મશરૂમ-મહુડાનું સુપ પણ બનાવી ઉપયોગ કરતા થયા છે. વડીલો પાસે સાંભળતા આવ્યા છે કે, મહુડાનો શુદ્ધ દારૂ ઉચીત માત્રામાં લેવામાં આવે તો ટીબી, શરદી, ખાસી પર તે રામબાણ સાબિત થાય છે. નાના બાળકોને શરદી થઇ હોય તો બે ટીપાં શુદ્ધ મહુડાનો દારૂ લઈ છાતી પર લગાવવામાં આવે તો રાહત થાય છે. મહુડાના ફૂલોનો સમય પૂરો થાય એટલે તરત ફળો લાગવાના શરૂ થાય છે. જેમાં કાચાં ફળોમાંથી શાક બનાવવામાં આવે છે. પાકી ગયેલા ફળો કે જેને ડોળી (બીજ) તરીકે ઓળખવામાં આવે છે. જેને સૂકવીને તેલ બનાવવામાં આવે છે (જે સામાન્ય તાપમાન પર જામી જાય છે). જેનો ઉપયોગ ત્વચાની દેખભાળ, સાબુ અથવા ડિટર્જન્ટ બનાવવા માટે અને વાનસ્પતિક માખણના રૂપમાં પણ કરવામાં આવે છે. ઈંધણ તેલના રૂપમાં પણ તેનો ઉપયોગ થાય છે. તેલ કાઢ્યા બાદ વધેલા ખોળનો ઉપયોગ જાનવરોના ખોળ માટે અને ખાતર તરીકે પણ કરવામાં આવે છે.
મહુડાના વૃક્ષો આદિવાસી માટે કલ્પવૃક્ષ
વૃક્ષો ફળોથી માંડીને, ફર્નિચર, બળતણ અને ઔષધિ તરીકે પણ ઉપયોગ થાય છે. અનેક વૃક્ષોની એક આગવી ઓળખ છે. એવું જ એક વૃક્ષ મહુડો છે. મહુડો એ એક ભારતીય ઉષ્ણ કટિબંધીય વૃક્ષ છે, જે ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના જંગલીય વિસ્તારમાં ભરપૂર માત્રામાં થાય છે. સોનાનાં વૃક્ષ તરીકે ઈતિહાસમાં જાણીતા મહુડાના વૃક્ષો આદિવાસી માટે કલ્પવૃક્ષ સમાન છે. આ વૃક્ષ માર્ચ મહિનામાં સોળે કળાએ ખીલી ઉઠે છે. એટલે જ કવિઓએ તેને સોનાનું વૃક્ષ કહ્યું છે. મહુડાના ઝાડનો ઉછેર એનાં તૈલી બીજ, ફૂલો અને લાકડાં મેળવવા માટે કરવામાં આવે છે. જેની છાલ અને અન્ય અંગો ઔષધિય ગુણ ધરાવે છે. આદિવાસી સમુદાયોના લોકોમાં આ વૃક્ષની ઉપયોગિતાના કારણે એને પવિત્ર માનવામાં આવે છે.




