કચ્છની વિકટ પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાની ઘૂસણખોરો અને આતંકવાદીઓ સામે બાથ ભીડનાર જાંબાજ ડી.વાય.એસ.પી. દિલીપ અગ્રાવતની દિલધડક કથા
પરેશ રાજગોર
- Advertisement -
પોલીસની નોકરીમાં લોકોનો પ્રેમ જીતવો એ લોઢાના ચણા ચાવવા બરાબર છે. તમે ગમે તેટલા પ્રયત્ન કરો એક ચૂક તમારા માટે નાલેસી લઈને આવે છે. પણ તમે કરેલા પરાક્રમોને એટલા વખાણવામાં આવતા નથી. કારણકે લોકો સુધી પહોંચતા જ નથી. એ ખાતાના આંતરિક ભાગ તરીકે રહી જાય છે. પણ આજે એક એવા પુસ્તકની વાત કરવી છે જે આવા જ જાંબાજ પોલીસ અધિકારીની દિલધડક કથા વર્ણવે છે. પુસ્તકનું નામ છે ‘સરહદનો સુપરકોપ’. પુસ્તકના લેખક છે પ્રફુલ્લ શાહ. આ લેખકનું ૫૪મું પુસ્તક છે અને કચ્છ પર લખાયેલું ચોથું પુસ્તક છે. આવા નીવડેલા લેખકની કલમે કોઈ પોલીસ અધિકારીના કાર્યકાળ પર કોઈ પુસ્તક લખાયું હોય તો એ કોઈ ખાસ વ્યક્તિ જ હોવાની.
પુસ્તકના નામના બે શબ્દો જ ઘણું કહી જાય છે. ભારતની સરહદની વાત આવે એટલે હંમેશા સળગતો પ્રશ્ન જ આવે. એમાં પાછી સરહદ કચ્છની હોય તો પાછી વધુ મુશ્કેલ. વિશાળ કચ્છ જીલ્લાની ભૂમિ સીમા તો ખરી જ પણ દરિયાઈ સીમા પણ સળગતો પ્રશ્ન. સરક્રીક જેવા મુદ્દા તો સતત રાષ્ટ્રીય સ્તરે પણ ઉછળતા રહે. આમ, આવી સ્થિતિમાં કોઈ પોલીસ અધિકારીનું કચ્છમાં પોસ્ટીંગ થાય તો એને એક સજારૂપ જ ગણવાનું. કચ્છમાં સતત ઘૂસણખોરી અને પાકીસ્તાનથી ઘુસાડાતા હથિયારો અને કામીકાઝી બનેલા આતંકવાદીઓ જોડે બાથ ભીડવી. આવી સ્થિતિમાં બી.એસ.એફ ખરી પણ જ્યારે ઘૂસણખોરો જીલ્લામાં અંદર ઘૂસી આવે ત્યારે પોલીસે જ આ કામ પાર પાડવાનું આવે. આવી જ કચ્છની પોસ્ટીંગ પર એક અધિકારીની કાર્યદક્ષતાને ખુમારીને રજૂ કરતું પુસ્તક એટલે સરહદનો સુપરકોપ. આ સુપરકોપ એટલે નિવૃત ડી.વાય. એસ.પી. દિલીપ અગ્રાવત.
લેખકે દિલીપભાઈ પાસેથી માહિતી મેળવી આ પુસ્તક લખ્યું છે. પુસ્તકમાં શરૂઆતમાં દિલીપ અગ્રાવતના સંબોધનમાં જ સ્પષ્ટ થાય છે કે નાનપણથી જ તેમનું શિક્ષણ સારી શાળામાં થયું અને લાયબ્રેરીમાં પુસ્તકો વાચવાના શોખીન. મેઘાણીના પુસ્તકોનો ઉલ્લેખ તેમાં જોવા મળે છે. આમ તે એક સાહિત્યપ્રેમી છે એ સ્પષ્ટ છે. દિલીપ સાહેબ માત્ર પુસ્તકીયા કીડા ન બની રહેતા કોલેજકાળમાં યુનિવર્સીટીની હોકી ટીમ અને નેશનલ જુનીયર હોકી ટીમમાં રમી ચુકેલા ખેલાડી. આટલા પરથી જ સ્પષ્ટ થાય છે કે દિલીપ અગ્રાવત પોલીસમાં જોડાયા તે પહેલા જ પોતાની બહુમુખી પ્રતિભા સાબિત કરી ચૂક્યા હતા.
દિલીપભાઈ પોલીસમાં પી.એસ.આઈ તરીકે જોડાયા. અને નિવૃત થયા ત્યારે ડિ.વાય.એસ.પીના પદ સુધી પહોંચ્યા. તેમનો કચ્છની બદલીમાં ઓર્ડર આવ્યો ત્યારે એ એક સજા જેવું હતું. તેમને ત્યાં પણ શરૂઆતમાં કોઈ મહત્વરૂપ ખાતામાં પોસ્ટીંગ ન મળ્યું. પણ ત્યાર બાદ તેમની બદલી મહત્વના ખાતામાં થઈ. સમય પણ એવો આવ્યો. ૧૯૯૯માં કારગીલમાં યુધ્ધ ફાટી નીકળ્યું. કચ્છ સરહદ એકદમ સંવેદનશીલ બની ગઇ. પાકિસ્તાનથી ઘૂસણખોરી એકદમ વધી ગઇ. શરૂઆતમાં સ્થિતિને કાબૂમાં લેવી ખૂબ મુશ્કેલ બની હતી. પણ આ સ્થિતિમાં પી.એસ.આઈ તરીકે દિલીપ અગ્રાવતે અભૂતપૂર્વ કામગીરી નીભાવી. તેમણે ઘણા પગીઓ સાથે મળી ઘૂસણખોરોને પકડવામાં રાત-દિવસ જોયા વીના કામગીરી કરી અને દેશને સુરક્ષિત બનાવ્યો. તેમના અલ્પનિય કાર્યોને ટૂંકમાં જણાવું તો એક વખત તેમણે એક સરકારી રિવોલ્વર સાથે સાથ પાકિસ્તાનીઓને પુષ્કળ હથીયારો સાથે પહડ્યા હતા.આતંકવાદી સંગઠન જૈશના આતંકવાદી શાહનવાઝને જેલ ભેગો કર્યો હતો. કચ્છમાં પહેલું પોલીસ એન્કાઉન્ટર તેમણે કર્યું હતું. કુલ ૭૯ કીલોગ્રામ આરડીએક્ષ પકડ્યું હતું જે એ સમયનો સૌથી મોટો જથ્થો પકડવાનો વિક્રમ હતો. વિનાશનું તાંડવ ફેલાવનારા આતંકીને મોતની સજા સુધી પહોંચાડયો હતો. સરહદી ગુનેગારો તેમના નામ માત્રથી ધ્રુજતા. તેમનું નેટવર્ક સરહદની પેલે પાર પણ ફેલાયેલું હતું. સરહદના ભોમિયા હોવાથી સરહદના સિંહ તરીકે ઓળખાતા. એમની બદલી ખૂદ નરેન્દ્ર મોદી એ અટકાવી હતી. કચ્છ સરહદ પરના જાબાજ મિશનો પાર પાડવામાં દિલીપ અગ્રાવતના કાર્યની સાક્ષી પૂરે છે, એમના જ સિનિયર અધિકારી એ.કે. સિંહ (નિવૃત IPS). એ. કે. સિંહ ત્યારે કચ્છના પોલીસ અધિક્ષક હતા.
તેમણે જ પુસ્તકમાં પ્રસ્તાવના લખી દિલીપ અગ્રાવતના ત્યારના કાર્યોને બીરદાવ્યા છે. તે પુસ્તકના સંબોધનમાં એટલે સુધી સ્વીકાર કરે છે કે આટલા ઉચ્ચ અધિકારી હોવા છતાં તેમને દિલીપ અગ્રાવત પાસે ઘણું શીખવા મળ્યું છે. આ કોઈ મેડલથી પણ મોટી સિધ્ધી છે. કોઇકોઇ ડી.વાય. એસ.પીના પુસ્તકની પ્રસ્તાવના કોઈ DGP કક્ષાના અધિકારીએ લખી હોય એવી આ કદાચ આખા ભારતની પ્રથમ ઘટના હશે. આના પરથી જ દિલીપ અગ્રાવતની કાર્યદક્ષતા પૂરવાર થાય છે. પુસ્તકમાં કચ્છના પત્રકાર વિપુલ વૈધ્ય એ પણ સંબોધન લખ્યું છે. તેથી જ તેઓ પી.એસ.આઈ.થી શરૂ કરી ડી.વાય એસ પીના હોદ્દા પર નિવૃત થયા ત્યાં સુધી તેમણે ગુજરાતના શ્રેષ્ઠ અધિકારીઓ એવા એ. કે સિંહ, સંજય શ્રીવાસ્તવ, કેશવકુમાર, વિવેક શ્રીવાસ્તવ, સુભાષ ત્રિવેદી, મલિક સાહેબ, પિયુષ પટેલ અને પ્રિયદર્શી સાહેબ જેવા ગુજરાતના સૌથી બાહોસ IPS નીચે તેમણે કામ કર્યું છે. આમ, કોઈ ફિલ્મી ઉતાર ચઢાવો ધરાવતું આ પુસ્તક દરેક વાચકે વાચવું જોઈએ. આમ, સરહદના સુપરકોપ નામને સાર્થક કરતા દિલીપ અગ્રાવતને સો સલામ.




