સેવાના રંગ, રાષ્ટ્રને સંગ : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સેવા, સુશાસન અને સમર્પણના ૨૫ વર્ષની અભૂતપૂર્વ સફર
૧૫૦૦થી વધુ વિદ્યાર્થી રચશે ભારતના નકશા આકારની માનવ સાંકળ
- Advertisement -
અનાજ, બાંધણી અને સાડીઓથી તૈયાર થશે સૌરાષ્ટ્રના વારસાને ઉજાગર કરતી અનોખી પ્રાકૃતિક રંગોળી
રાજકોટના હાર્દ સમા રેસકોર્ષ ખાતે સ્વચ્છતા અને સાંસ્કૃતિક વારસાનો અનોખો સમન્વય રજૂ કરતું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનનું મુખ્ય આકર્ષણ રહેશે ૪૦,૦૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં રચાનારી ભારતના નકશા આકારની વિશાળ માનવ સાંકળ. આશરે ૩૩૦ x ૩૦૦ ફૂટના વિશાળ વિસ્તારમાં ૧૫૦૦થી વધુ છાત્રો તા.૦૬ના રોજ સવારે ૯:૦૦ કલાકે એકસાથે જોડાઈને ભારતના નકશા આકારની માનવ સાંકળ રચશે. છાત્રો દ્વારા રચાનારી આ વિશાળ માનવ સાંકળના માધ્યમથી સ્વચ્છતા, એકતા અને સ્વચ્છ ભારતનો સંદેશ આપવામાં આવશે. આ સાથે રેસકોર્ષ ખાતે ૮૦ ફૂટના વિશાળ સર્કલમાં ભવ્ય પ્રાકૃતિક રંગોળી તૈયાર કરવામાં આવી રહી છે. આ રંગોળીની વિશેષતા એ છે કે તેમાં પરંપરાગત રંગો ઉપરાંત અનાજ, બાંધણી અને વિવિધ પ્રકારની સાડીઓ જેવી સામગ્રીનો સર્જનાત્મક ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રંગોળી દ્વારા સૌરાષ્ટ્રની આગવી કલા, પરંપરા, સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસાની ઝલક રજૂ કરવામાં આવશે.
વિશાળ માનવ સાંકળ અને અનોખી પ્રાકૃતિક રંગોળી આ બંને આકર્ષણો રાજકોટવાસીઓ માટે વિશેષ દૃશ્ય અનુભવ બની રહેશે. સ્વચ્છતાના સંદેશ સાથે છાત્રોની ભાગીદારી અને સૌરાષ્ટ્રની પરંપરાગત કલા-સંસ્કૃતિનું આ અનોખું પ્રદર્શન સમગ્ર આયોજનને વિશિષ્ટ બનાવશે. આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી રિવાબા જાડેજાની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, સાંસદ, ધારાસભ્યો, કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો વિગેરે ઉપસ્થિત રહેશે. નાગરિકો માટે આ ભવ્ય માનવ સાંકળ અને પ્રાકૃતિક રંગોળી તા.૦૬ અને તા.૦૭ના રોજ નિહાળવા માટે ખુલ્લી રહેશે. શહેરના નાગરિકોને આ અનોખા આયોજનની મુલાકાત લઈ સ્વચ્છતા અને સાંસ્કૃતિક વારસાના સંદેશના સાક્ષી બનવા અનુરોધ કરવામાં આવે છે.
- Advertisement -
રંગોળી સ્પર્ધાની કૃતિઓ કાલે તા.૬ના રોજ અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ ખાતે પ્રદર્શિત થશે
રાજકોટમાં વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, ટીમવર્ક, સ્થાનિક સંસ્કૃતિ અને સામૂહિક ભાગીદારીને પ્રોત્સાહિત કરવાના હેતુથી શ્રી અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ, એસ.એન.કે. સામે, આકાશવાણી ચોક પાસે, રાજકોટ ખાતે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. બે કેટેગરીમાં યોજાયેલી આ સ્પર્ધામાં અત્યાર સુધીમાં વ્યક્તિગત કેટેગરીમાં ૧૦૪ અને ગ્રુપ કેટેગરીમાં ૧૧ સ્પર્ધક એન્ટ્રી નોંધાયેલ છે. આ સ્પર્ધાની ખાસ નોંધપાત્ર બાબત એ છે કે, માત્ર કુદરતી સામગ્રીઓ જેવી કે, ફૂલ, માટી, રેતી, અનાજ, કઠોળ, બીજ, પાંદડા અને પ્રાકૃતિક રંગોની મદદથી તમામ રંગોળી બનાવવામાં આવી રહી છે. આ તમામ કૃતિઓ શ્રી અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ, એસ.એન.કે. સામે, આકાશવાણી ચોક પાસે, રાજકોટ ખાતે આવતીકાલે તા.૦૬/૧૦/૨૦૨૬ ના રોજ બપોરે ૦૪:૦૦ વાગ્યાથી રાત્રીના ૦૯:૦૦ વાગ્યા સુધી જાહેર જનતા માટે પ્રદર્શિત કરવામાં આવશે.
રંગોળી સ્પર્ધા માટે ચાર થીમ નક્કી કરવામાં આવી હતી
(૧) જનકલ્યાણકારી યોજનાઓને દર્શાવતી કૃતિઓ
(૨) માનનીય પ્રધાનમંત્રીના ૨૫ વર્ષમાં થયેલા કાર્યોને દર્શાવતી કૃતિઓ
(૩) રાષ્ટ્રીય પ્રતીકો દર્શાવતી કૃતિઓ
(૪) વિકસિત ભારત ૨૦૪૭ નું વિઝન દર્શાવતી કૃતિઓનો સમાવેશ થાય છે.
વ્યક્તિગત રંગોળી સ્પર્ધામાં કૃતિની સાઈઝ ૧.૫ X ૧.૫ ફૂટ અને ગ્રુપ રંગોળી સ્પર્ધામાં કૃતિની સાઈઝ ૪ X ૪ ફૂટની રાખવામાં આવેલ છે.
નિર્ણાયકો દ્વારા રંગોળી સ્પર્ધાની કૃતિઓના મૂલ્યાંકન માટે સર્જનાત્મકતા, ડિઝાઈન, સ્વચ્છતા અને થીમની રજુઆતો તથા ટીમ વર્કના પરિબળોને ધ્યાનમાં લેવામાં આવશે.
વિશેષમાં ઉપરોક્ત રંગોળી સ્પર્ધાઓની કૃતિઓ પૈકી પસંદ કરવામાં આવનાર કૃતિઓ તા.૦૭ ઓક્ટોબરના રોજ યોજાનાર “ સેવા જ્યોતિ યાત્રા”માં પણ પ્રદર્શિત કરવામાં આવશે.




