સુરેન્દ્રસિંહ વાળાની રજૂઆત બાદ માત્ર 24 કલાકમાં સ્થળ બદલવા આદેશ; સહિયર પરિવારે માન્યો CMનો આભાર
સરકારી કાર્યક્રમનું વિશાળ સેટઅપ ખસેડવામાં સમય જાય તેમ હોવાથી નવરાત્રી આયોજન પર સંકટ તોળાયું હતું
- Advertisement -
રાજકોટના ઐતિહાસિક રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા સુપ્રસિદ્ધ ‘સહિયર રાસોત્સવ’ પર તોળાઈ રહેલા આયોજનના મોટા સંકટને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાની કોઠાસૂઝ અને ત્વરિત સંવેદનશીલતા દાખવીને હલ કરી આપ્યો છે. માત્ર ૨૪ કલાકના ટૂંકા ગાળામાં મુખ્યમંત્રીએ લીધેલા હકારાત્મક નિર્ણયથી હજારો ખેલૈયાઓ અને ગરબા રસિકોમાં ભારે હર્ષની લાગણી ફેલાઈ છે. સમગ્ર મામલાની વિગત એવી છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિયમાનુસાર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીને રેસકોર્સ ગ્રાઉન્ડ નવરાત્રી મહોત્સવ માટે ‘સહિયર ક્લબ’ને ફાળવવામાં આવ્યું હતું. દરમિયાન, આ જ ગ્રાઉન્ડ પર આગામી તા. ૬ અને ૭ ઓક્ટોબરના રોજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં એક સરકારી સમારોહનું આયોજન જાહેર થયું હતું. આ સમારોહ માટે વિશાળ ડોમ, સ્ટેજ અને ભારે સેટઅપ ઊભું કરવાની તડામાર ગતિવિધિઓ શરૂ થઈ ગઈ હતી. પરંતુ ટેકનિકલ સમસ્યા એ સર્જાઈ કે, સરકારી સમારોહ પૂર્ણ થયા બાદ આ વિશાળ સેટઅપ અને ડોમને ત્યાંથી ખસેડવામાં ઓછામાં ઓછા ૩ થી ૪ દિવસનો સમય લાગે તેમ હતો. જો આવું થાય તો આગામી ૧૧ ઓક્ટોબરથી શરૂ થનારા રાસોત્સવની પૂર્વતૈયારીઓ કરવા માટે સહિયર ક્લબને ૨૪ કલાકનો સમય પણ ન મળે અને છેલ્લી ઘડીએ નવરાત્રી મહોત્સવ રદ કરવો પડે તેવી વિકટ પરિસ્થિતિ ઊભી થઈ હતી.
આ ગંભીર પેચ અંગે સહિયર ક્લબના પ્રેસિડેન્ટ સુરેન્દ્રસિંહ વાળાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તાત્કાલિક પત્રવ્યવહાર મારફતે વાસ્તવિક સ્થિતિ અને ખેલૈયાઓની મનોવ્યથા જણાવી હતી. મુખ્યમંત્રીએ આ રજૂઆતને અત્યંત ગંભીરતાથી લઈ સંવેદનશીલતા દર્શાવી હતી અને માત્ર ૨૪ કલાકમાં જ સરકારી એજન્સીને કાર્યક્રમનું સ્થળ બદલી અન્ય જગ્યાએ ખસેડવા સ્પષ્ટ સૂચના આપી દીધી હતી. રાજ્ય સરકારના આ ત્વરિત અને પ્રજાલક્ષી વલણથી હવે સહિયર રાસોત્સવની તૈયારીઓ માટે પૂરતો સમય મળી રહેશે. હજારો ખેલૈયાઓ અને આયોજકોની મુશ્કેલી સમજીને ઝડપી નિર્ણય લેવા બદલ સહિયર ક્લબના પ્રેસિડેન્ટ સુરેન્દ્રસિંહ વાળા તેમજ સમગ્ર સહિયર પરિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો જાહેર આભાર વ્યક્ત કર્યો છે.




