રેસ્ક્યુ કરવા ગયેલા ગાર્ડને પણ લોહીલુહાણ કર્યો હતો
અમરેલીમાં વિફરેલી સિંહણ ૧૨ કલાકે પાંજરે પૂરાઈ છે. વડિયા તાલુકાના અરજણસુખ ગામ આસપાસ સિંહણે એક બાદ એક ૫ લોકો પર હુમલો કરી લોહીલુહાણ કર્યા હતા. સિંહણને ટ્રાન્ક્યુલાઈઝ કરી પાંજરે પૂરાઈ હતી. હુમલા કેમ કર્યા તે જાણવા માટે સિંહણના હેલ્થની ચકાસણી થશે. ઉલ્લેખનીય છે કે સિંહણને રાત્રે ૧ વાગ્યાની આસપાસ રેસ્ક્યુ કરવા માટે ઓપરેશન શરૂ કરાયું હતું. ત્યારબાદ તે આજે બપોરે ૧ વાગ્યાની આસપાસ પાંજરે પૂરાઈ હતી.
ગઇકાલે રાત્રિથી જ અરજણસુખ ગામ નજીક સિંહણે આતંક મચાવ્યો હતો. પાંચમ પતાવીને બાઇક પર પરત ફરી રહેલા બે યુવકો પર સિંહણે અચાનક હુમલો કર્યો. ત્યારબાદ વહેલી સવારે સીમ વિસ્તારમાં વધુ બે વ્યક્તિ પર હુમલો કર્યો. સાથે જ રેસ્ક્યુ ઓપરેશન કરનાર વનવિભાગના ગાર્ડ અનિરુદ્ધ વાળા પર પણ સિંહણે હુમલો કરતા દોડધામ મચી હતી.
- Advertisement -
૧ ઓક્ટોબરની રાત્રે આશરે ૧૨ વાગ્યાના સુમારે તોરી ગામના મેહુલભાઈ મનુભાઈ વાજા અને ભગીરથભાઈ ગભરુભાઈ બસિયા અર્જુનસુખ ગામ પાંચેમમાં પ્રસંગ પતાવીને બાઇક પર પરત ફરી રહ્યા હતા. અર્જુનસુખ ગામથી અર્જુનસુખ પાટિયા વચ્ચે રસ્તામાં અચાનક સિંહણે તેમની પર હુમલો કરતા ગાડી નીચે પડી ગઈ હતી. આ હુમલામાં એક યુવકને હાથના ભાગે અને બીજાને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી. ૧૦૮ મારફતે બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મોડીરાતની ઘટના બાદ અરજણસુખની સીમમાં સિંહણે વધુ બે લોકો પર હુમલો કરતા સ્થાનિકોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો છે. સિંહણ લોકોને જોઈને હુમલો કરવા દોડી રહી હોવાથી વન વિભાગના ACF રાજન જાદવ સહિતનો કાફલો રાતથી જ સ્કેનિંગ અને તપાસની કામગીરી કરી રહ્યો છે. સિંહણના સગડ મળી આવ્યા હોવાથી તેને પકડવા માટે ડોક્ટરોની ટીમ સાથે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
ખેડૂતો માટે ખેતરમાં જઈને કામ કરવું અત્યંત જોખમી બની ગયું છેઃ સરપંચ
અરજનસુખ ગામના સરપંચ કાળુભાઈએ ભારે રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, છેલ્લા ૩-૪ વર્ષથી આ વિસ્તારમાં વન્યપ્રાણીઓનો આતંક ખૂબ વધી ગયો છે. રાત્રિના સમયથી લઈને સવારના ૧૦ વાગ્યા સુધીમાં તોરી ગામના બે દરબાર તથા અરજનસુખ વિસ્તારમાં હરિભાઈ શંભુભાઈ વસોયાની વાડીએ અને અતુલભાઈ પોકલની વાડીએ મળીને કુલ ચાર ખેડૂતો પર હુમલો થયો છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.




