ઓબેસિટી નિષ્ણાતોની ઓપીડી બમણી, દોઢ વર્ષમાં દેશભરમાં રૂ. 1,256 કરોડનાં ઇન્જેક્શનનું વેચાણ થયાનો દાવો
આજના સમયમાં ફિટનેસ અને આકર્ષક દેખાવને લઈને લોકોમાં જાગૃતિની સાથે દેખાવ પ્રત્યેની ઘેલછા પણ વધી રહી છે. ખાસ કરીને લગ્ન પહેલાં સ્લિમ અને ફિટ દેખાવા માટે યુવતીઓમાં વજન ઘટાડવાની વિવિધ પદ્ધતિઓનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ટ્રેન્ડ વચ્ચે ડાયાબિટીસ અને સ્થૂળતા (ઓબેસિટી)ના નિયંત્રણ માટે ઉપયોગમાં લેવાતું માઉન્જેરો (Mounjaro) ઇન્જેક્શન દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ગુજરાતમાં પણ આ ઇન્જેક્શનની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે અને ઓબેસિટી નિષ્ણાતોની ઓપીડીમાં દર્દીઓની સંખ્યા બમણી થઈ હોવાનું તબીબી ક્ષેત્રના સૂત્રો જણાવી રહ્યા છે.
- Advertisement -
પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા દોઢ વર્ષમાં ભારતમાં માઉન્જેરો ઇન્જેક્શનનું રૂ. 1,256 કરોડનું વેચાણ થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સારવાર તરફ ટીવી કલાકારો, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને ખાસ કરીને લગ્ન પહેલાં વજન ઘટાડવા ઇચ્છતી યુવતીઓ આકર્ષાઈ રહી છે. બીજી તરફ, ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર અને સ્થૂળતા જેવી આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ધરાવતા લોકો પણ તબીબોની સલાહથી આ સારવાર અપનાવી રહ્યા છે. ઓબેસિટી નિષ્ણાતોની ઓપીડીમાં આવતા દર્દીઓમાં અંદાજે 60થી 70 ટકા મહિલાઓ હોવાનું જાણવા મળે છે. તેમાં પણ સુંદર દેખાવા, શરીરને સુડોળ બનાવવા અને લગ્ન પહેલાં વધારાનું વજન ઘટાડવાની ઇચ્છા ધરાવતી યુવતીઓનો નોંધપાત્ર સમાવેશ થાય છે. જ્યારે બાકીના 30થી 40 ટકા પુરુષો મુખ્યત્વે ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને સ્થૂળતા સંબંધિત આરોગ્ય સમસ્યાઓના નિયંત્રણ માટે સારવાર લેવા આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ફિટનેસ અને વેઇટલોસને લગતી પોસ્ટ્સ તથા ઇન્જેક્શનથી વજન ઘટ્યાના અનુભવોની ચર્ચાને કારણે પણ આ સારવાર અંગે લોકોમાં જાગૃતિ વધી છે. જોકે, માત્ર દેખાવ સુધારવા માટે તબીબી સલાહ વિના આ પ્રકારનાં ઇન્જેક્શન લેવાનું જોખમી બની શકે છે.
ગુજરાતના એક ડાયાબિટોલોજિસ્ટના જણાવ્યા અનુસાર, માઉન્જેરો ઇન્જેક્શન હાલમાં ખૂબ જ લોકપ્રિય બની રહ્યું છે. ઘણા લોકો આ સારવાર વિશે પહેલેથી જાણકારી ધરાવે છે અને તેના પરિણામો અંગે પણ પૂછપરછ કરી રહ્યા છે. તબીબે અત્યાર સુધીમાં 400થી વધુ દર્દીઓને આ ઇન્જેક્શનના ડોઝ આપ્યા હોવાનું જણાવ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર, અગાઉ સ્થૂળતાથી પીડાતા દર્દીઓ માટે ડાયટ ચાર્ટ, નિયમિત કસરત અને જીવનશૈલીમાં ફેરફાર સિવાય મર્યાદિત વિકલ્પો ઉપલબ્ધ હતા. પરંતુ હવે માઉન્જેરો જેવી દવાઓથી યોગ્ય દર્દીઓમાં વજન ઘટાડવામાં મદદ મળી રહી છે. આ ઇન્જેક્શન ભૂખ અને ખોરાક લેવાની ઇચ્છા ઘટાડવામાં મદદ કરે છે, જેના કારણે દર્દીઓને પેટ ભરેલું હોવાની લાગણી લાંબા સમય સુધી રહે છે અને ખોરાકનું પ્રમાણ નિયંત્રિત કરવામાં સરળતા રહે છે. તબીબના જણાવ્યા મુજબ, 100 કિલો વજન ધરાવતી વ્યક્તિ માત્ર ડાયટ અને કસરતથી આશરે ચારથી પાંચ કિલો વજન ઘટાડી શકે છે, જ્યારે માઉન્જેરો સાથેની સારવારમાં કેટલાક દર્દીઓમાં શરીરના પ્રારંભિક વજનના 15થી 20 ટકા અને અમુક કિસ્સાઓમાં 22થી 25 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. જોકે, આ પરિણામો દરેક દર્દીમાં સરખાં હોતાં નથી અને સારવારનો સમયગાળો, આરોગ્યની સ્થિતિ તથા જીવનશૈલી પર આધારિત હોય છે.
માઉન્જેરો ઇન્જેક્શનની વધતી લોકપ્રિયતાની અસર હવે તબીબોની ઓપીડીમાં પણ જોવા મળી રહી છે. અગાઉ મહિને આશરે 50થી 60 દર્દીઓ વજન ઘટાડવા માટે સલાહ લેવા આવતા હતા, તેની સામે હવે દર મહિને 100થી 140 દર્દીઓ આવી રહ્યા હોવાનું તબીબે જણાવ્યું હતું. એટલે કે, દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આ સારવારથી વજનમાં દેખીતો ફેરફાર થતો હોવાથી પરિણામ મેળવનારા કેટલાક દર્દીઓ પોતાના સગાં-સંબંધીઓ અને મિત્રોને પણ આ સારવાર અંગે જણાવે છે. આ રીતે માઉથ પબ્લિસિટીથી વધુ લોકો સારવાર વિશે જાણકારી મેળવી રહ્યા છે અને નિષ્ણાતોની સલાહ લેવા પહોંચી રહ્યા છે. જોકે, સારવારના પરિણામો વ્યક્તિગત રીતે અલગ હોઈ શકે છે અને કોઈના અનુભવના આધારે જાતે ઇન્જેક્શન લેવું યોગ્ય નથી.
- Advertisement -
દવાની સાથે યોગ્ય જીવનશૈલી પણ અનિવાર્ય
વજન ઘટાડવા માટે માત્ર ઇન્જેક્શન પર આધાર રાખવાને બદલે દવાની સાથે યોગ્ય આહાર અને નિયમિત કસરત અપનાવવી જરૂરી છે. તબીબોના જણાવ્યા મુજબ, વજન ઘટાડતી વખતે શરીરમાં સ્નાયુઓનું પ્રમાણ જળવાઈ રહે તે પણ એટલું જ મહત્ત્વનું છે. આ માટે દૈનિક આહારમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને ફાઈબરનો સમાવેશ કરવો જોઈએ. તબીબે વ્યક્તિની જરૂરિયાત મુજબ દરરોજ આશરે 80થી 90 ગ્રામ પ્રોટીન લેવાની સલાહ આપી હતી. આ ઉપરાંત નિયમિત ચાલવું, કસરત કરવી અને બોડી એક્સરસાઇઝને દૈનિક જીવનનો ભાગ બનાવવો જોઈએ. પૂરતું પ્રોટીન અને યોગ્ય કસરતથી સ્નાયુઓને મજબૂત રાખવામાં તથા વજન ઘટાડતી વખતે મસલ લોસનું જોખમ ઓછું કરવામાં મદદ મળી શકે છે. તેનાથી ચહેરા પર થાક અથવા ઉતરેલો દેખાવ આવવાની શક્યતા ઘટાડવામાં પણ મદદરૂપ થઈ શકે છે.




