હાઇકમાન્ડ સાથે ચર્ચા ચાલું છે : અમિત ચાવડા
ગુજરાતની રાજનીતિના આજે(૨૯ સપ્ટેમ્બર) સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાશે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, હાઇકમાન્ડ સાથે ચર્ચા ચાલુ છે. તો બીજી તરફ બાપુએ પણ કહ્યું- હા સાચી વાત છે. શંકરસિંહે ૨૦૧૭માં એમના જૂથના ધારાસભ્યો સાથે કોંગ્રેસને તોડી હતી. ૯ વર્ષ બાદ હવે કોંગ્રેસમાં જોડાવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. શંકરસિંહ વાઘેલા સહિત અનેક લોકોને કોંગ્રેસમાં જોડાવવા માટે હાઇકમાન્ડ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. નવરાત્રિ પહેલાં નવાજૂનીના એંધાણ છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે, અનેક અંધ ભક્તોને ભાજપનો જે ભ્રમ હતો તે હવે તૂટી રહ્યો છે. વોટ ચોરી, પેપર લીક સહિતની ઘટનાઓના કારણે લોકો પરેશાન છે. ગુજરાતમાં પણ ઘણા બધા લોકો ભાજપની સામે એક જૂથ થઈ કોંગ્રેસ જ એક જ વિકલ્પ છે તેવા નિર્ણય સાથે કોંગ્રેસમાં જોડાવા માટે વાતચીત ચાલી રહી છે. શંકરસિંહ વાઘેલા પણ ભાજપની નીતિઓ અને RSSના કારણે અને નરેન્દ્ર મોદી સામે જાહેરમાં સ્ટેટમેન્ટ આપ્યા છે અને લડત લડી રહ્યા છે. તેમની પાર્ટી અને લોકો સાથે પણ વાતચીત ચાલી રહી છે. ચાવડાએ વધુમાં કહ્યું હતું કે, ગુજરાતમાં પરિવર્તન આવી રહ્યું છે અને બધા જ લોકો તાનાશા સરકારને ખતમ કરવા માટે લોકશાહીને બચાવવા માટે એક મંચ પર આવવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે. ભાજપના નેતાઓ પણ તેમની આંતરિક ગેંગવોરથી પરેશાન થઈ ગયા છે. અન્ય જે પણ પાર્ટીઓ છે તેમને પણ લાગી રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી એક જ વિકલ્પ છે. વિકલ્પના સ્વરૂપમાં તમામ લોકો એ જ મંચ પર આવી સંઘર્ષ સાથે આગળ વધીશું.
- Advertisement -
2 ઓકટોબરે ગાંધીનગરમાં શંકરસિંહનું પ્રજાકીય સંમેલન
ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી અને ૨ ઓક્ટોબરના પ્રજાકીય સંમેલનને ધ્યાનમાં રાખીને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને ફરી કોંગ્રેસમાં લાવવાની રાજકીય અટકળોએ જોર પકડ્યું છે. ખાસ કરીને ગાંધીનગર મનપા વિસ્તારમાં રાજપૂત સમાજના અસંતોષને સાધવા અને બાપુના પ્રભાવનો લાભ લેવા માટે કોંગ્રેસ તરફથી પ્રયાસો થઈ રહ્યાની ચર્ચા છે. જોકે, અગાઉ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરનાર શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસના નેતાઓમાં ઉત્સાહનો અભાવ હોવાનો નિર્દેશ આપ્યો હતો, પરંતુ તેમના નજીકના કાર્યકર્તાઓ હજુ પણ તેમને કોંગ્રેસમાં પરત ફરવા આગ્રહ કરી રહ્યા છે. ગાંધીનગરમાં ૨ ઓક્ટોબરે યોજાનારા બાપુના કાર્યક્રમ પર તમામની નજર મંડાયેલી છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે જો શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાય અથવા ચૂંટણીમાં કોઈ પ્રકારનું રાજકીય સમર્થન આપે, તો તેની સીધી અસર રાજકીય સમીકરણો પર પડી શકે છે.
શંકરસિંહ પક્ષ પલટો કરવા અને પાર્ટી બનાવવા માટે જાણીતા
શંકરસિંહ વાઘેલાએ ૧૯૯૫માં બળવો કરી ભાજપ છોડી રાજપા બનાવી હતી. કોંગ્રેસના ટેકાથી મુખ્યમંત્રી બન્યા બાદ ૧૯૯૮માં તેઓ કોંગ્રેસમાં જોડાઇ પણ ગયા. એ પછી ૨૦૧૭માં તેમણે કોંગ્રેસ છોડી પોતાની નવી પાર્ટી જનવિકલ્પ મોરચાની રચના કરી હતી, પરંતુ એ વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તેમનો એકપણ ઉમેદવાર જીત્યો નહોતો. એ પછી જાન્યુઆરી ૨૦૧૯માં તેમણે એનસીપી જોઇન કર્યું હતું અને ત્યાં રાષ્ટ્રીય મહામંત્રી રહ્યા બાદ તેમને પાર્ટીમાં પોતાનું મહત્ત્વ જળવાતું ન હોય એવું લાગ્યું હતું અને NCP છોડી દીધી હતી. નવેમ્બર, ૨૦૨૪ના શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાન વસંત વગડોમાં સ્નેહ મિલન યોજાયું હતું. જ્યાં શંકરસિંહે બેઠક બાદ પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીની જાહેરાત કરી હતી.




