સેવાની વિગતો અને નિવૃત્તિની તારીખના બહાને ગૂગલ ફોર્મ ભરાવવામાં આવ્યું: ફોર્મમાં પ્રોફેસરોને પુછાયું – કોઈ કેસ ચાલે છે કે પરીક્ષા બાબતે સજા થઈ છે?
ગૂગલ ફોર્મ થકી સિનિયર પ્રોફેસરોને ટાર્ગેટ કરવાનું સુનિયોજિત આયોજન કરાયાનો ગણગણાટ
- Advertisement -
શિક્ષણજગતમાં ગૌરવવંતુ સ્થાન ધરાવતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા કેટલાક સમયથી મનસ્વી વહીવટ, સગાવાદ અને ગંદા રાજકારણનો અખાડો બની ગઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. હાલમાં જ યુનિવર્સિટીના વિકાસ માટે ખંતપૂર્વક કાર્યરત નિષ્ઠાવાન અધ્યાપકોની ઉપેક્ષા કરીને સંસ્થાની છબી ખરડનારા તત્વોને મહત્વના હોદ્દાઓ સોંપાતા કેમ્પસમાં અંદરખાને ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ સ્થિતિ વચ્ચે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા બહાર પડાયેલા એક રહસ્યમય ગૂગલ ફોર્મે વિવાદનો મોટો ભડકો કર્યો છે, જેને સિનિયર પ્રોફેસરોને ટાર્ગેટ કરવાનું સુનિયોજિત આયોજન ગણાવવામાં આવી રહ્યું હોવાની ચર્ચાને વેગ આપ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર તાજેતરમાં યુનિવર્સિટી તંત્ર દ્વારા અધ્યાપકો પાસેથી સેવાની વિગતો અને નિવૃત્તિની તારીખ મેળવવાના બહાને એક ગૂગલ ફોર્મ ભરાવવામાં આવ્યું હતું. આ ફોર્મમાં એક શંકાસ્પદ પ્રશ્ન ઉમેરાયો હતોઃ “તમારા પર કોઈ ડિપાર્ટમેન્ટલ કમિટી રચવામાં આવી હતી ? કોઈ કેસ ચાલે છે ? કે પરીક્ષા બાબતે કોઈ સજા થઈ છે?” સમગ્ર મામલે કેમ્પસ વર્તુળોમાં ચર્ચા છે કે સામાન્ય રીતે સીધી સિનિયોરિટી આધારિત પ્રક્રિયામાં આવા સવાલો પૂછીને માત્ર ચોક્કસ વરિષ્ઠ અને બિન-વિવાદાસ્પદ પ્રોફેસરોને બોઓએમ (Board of Management – BOM) અને ઈ.સી. (Executive Council)માંથી બહાર રાખવા માટેની ગોઠવણ કરવામાં આવી રહી છે. સૌથી મોટો વિરોધાભાસ એ વાતનો છે કે અગાઉ પરીક્ષાઓમાં ગરબડ તથા વિદ્યાર્થીઓના માર્ક્સ સાથે ચેડાં કરવા જેવા સંગીન મામલાઓમાં જેઓ સામે સિન્ડિકેટ દ્વારા શિક્ષાત્મક પગલાં લેવાયા હતા તેવા તત્વોને જ્યારે ઈ.સી.માં સમાવવામાં આવ્યા ત્યારે કોઈને નીતિ-નિયમો કે આચારસંહિતા યાદ ન આવી પરંતુ હવે જ્યારે સિનિયોરિટીના આધારે સાચા અને લાયક અધ્યાપકોનો વારો આવ્યો છે ત્યારે જૂના કેસો અને તપાસ સમિતિઓના બહાના આગળ ધરીને તેમને ગેરલાયક ઠેરવવાની પેરવી થઈ રહી છે.
“નથી કામધેનુને સૂકું તણખલું નસીબમાં અને આખલાઓ આખા ખેતર ચરી જાય છે” – યુનિવર્સિટીની વર્તમાન સ્થિતિ પર પીઢ અધ્યાપકોમાં આ કહેવત ચર્ચાનો વિષય બની છે. કારણ કે, સરકારનો સ્પષ્ટ ઉદ્દેશ્ય હતો કે રચના સિનિયોરિટીના આધારે કરવામાં આવે જેથી યુનિવર્સિટીમાંથી જૂથબંધી, ચૂંટણીની ગંદકી અને દૂષિત રાજકારણ ખતમ થાય. જોકે, મુખ્ય પોસ્ટ પર બેઠેલા કેટલાક સત્તાધીશો પોતાને સ્વતંત્ર સુબા માનીને સરકારી આશયને કાગળ પર જ સીમિત રાખી રહ્યા છે. હાલ તો સત્તાધીશોના દબદબા, વહીવટી સત્તાના દુરુપયોગ અને સંભવિત કિન્નાખોરીના ડરથી મોટાભાગના અન્યાયની ભાવનાથી ધૂંધવાઈ રહેલા અધ્યાપકો ખુલ્લેઆમ બોલતા અચકાઈ રહ્યા છે અને અંદરોઅંદર ચર્ચાઓ કરી આત્મસંતોષ સેવી રહ્યા છે. જોકે આ ગણગણાટ આગળ જતાં ચોતરફ પ્રચંડતાથી ગૂંજી ઉઠવાની શક્યતા સેવાઈ રહી છે ત્યારે શિક્ષણ જગતની પવિત્રતા અને સ્વાયત્તતા જાળવવા માટે ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આ સમગ્ર પ્રક્રિયા તેમજ ગૂગલ ફોર્મમાં પૂછાયેલા આ પ્રકારના પ્રશ્ન અને તેના કારણોની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી શિક્ષણવિદોમાં ઉગ્ર માંગ ઉઠી છે.




