સતત 8માં અઠવાડિયે બજારમાં ઘટાડો
સોનું-ચાંદી પણ તૂટ્યું, સોનું 1.50 લાખથી નીચે આવ્યું
- Advertisement -
ગયા શુક્રવારે ૨૫ સપ્ટેમ્બરે શેરબજાર સતત સાતમા અઠવાડિયે રેડ નિશાનમાં બંધ થયા બાદ, આજે ૨૮ સપ્ટેમ્બરે સોમવારે પણ બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ ૧૦૦૦ પોઈન્ટ અથવા ૧.૩૦%ના ઘટાડા સાથે ૭૨,૯૦૦ પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ ૩00 પોઈન્ટ અથવા ૧.૨૦%નો ઘટાડો છે, તે ૨૨,૮૫૦ પર કારોબાર કરી રહ્યો છે. બેન્કિંગ, FMCG અને રિયલ્ટી શેરોમાં આજે વધુ વેચવાલી જોવા મળી રહી છે.
શેર માર્કેટ ક્રેશ વચ્ચે તમામ કેટેગરીમાં ભૂકંપ જેવી સ્થિતિ જોવા મળી. દિગ્ગજ કંપનીઓના શેર તાશના પત્તાંની જેમ વેરવિખેર થઈ ગયા. BSEની લાર્જકેપ કેટેગરીમાં જોઈએ તો તેમાં સામેલ તમામ ૩૦માંથી ૩૦ શેર રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. સૌથી વધુ ઘટાડા સાથે HDFC Bank (1.90%), Kotak Bank (1.80%), SBI (1.60%), HUL (1.58%), Trent (1.56%), Bajaj Finance (1.40%), Reliance (1.35%), ICICI Bank (1.34%) કારોબાર કરી રહ્યા હતા. બેન્કિંગ સ્ટોક્સમાં હાહાકાર મચ્યો અને BSE Bankex 1.60%ના ઘટાડા સાથે જોવા મળ્યો. આ ઉપરાંત આઈટી શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો અને IT Index 1.10% ગગડી ગયો. બજારના આ ઘટાડામાં રોકાણકારોના ૬ લાખ કરોડ રૂપિયાથી વધુ જોતજોતામાં સ્વાહા થઈ ગયા.
બજાર તૂટવાના મુખ્ય કારણોમાં બ્રેન્ટ ક્રૂડ લગભગ ૧૦૭ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. ઈરાન-અમેરિકા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટને લઈને ચિંતાને કારણે તેલના પુરવઠાને અસર થવાનો ભય છે. મોંઘું તેલ ભારત માટે ચિંતાનો વિષય છે, કારણ કે તેનાથી તેલની આયાતનો ખર્ચ, મોંઘવારી અને રૂપિયા પરનું દબાણ વધી શકે છે. ભૂ-રાજકીય તણાવ અમેરિકા-ઈરાન વચ્ચે ટૂંક સમયમાં સમજૂતી થવાના કોઈ સંકેતો દેખાઈ રહ્યા નથી, અમેરિકામાં બોન્ડ યીલ્ડ વધવાથી રોકાણકારોની ચિંતા વધી રહી છે. ૧૦ વર્ષના અમેરિકન ટ્રેઝરી યીલ્ડ વધીને ૫.૧૧% પર પહોંચી ગઈ છે, જે ૨૦૦૭ પછીનું સૌથી ઊંચું સ્તર છે. બોન્ડ યીલ્ડ એટલે કોઈ સરકારી બોન્ડ પર મળતું વાર્ષિક વળતર, જે કોઈ એક સંસ્થા અથવા સરકાર સીધી રીતે નક્કી કરતી નથી, પરંતુ બજારમાં ખરીદ-વેચાણ અને માંગ-પુરવઠાના આધારે નક્કી થાય છે. જ્યારે રોકાણકારો બોન્ડ વેચે છે, ત્યારે બોન્ડની કિંમત ઘટે છે અને યીલ્ડ (વળતર) વધી જાય છે. અમેરિકન ફેડરલ રિઝર્વની વ્યાજદર નીતિઓ અને મોંઘવારી તેની પર સૌથી વધુ અસર કરે છે. આ યીલ્ડ વધવાથી ડોલરમાં રોકાણ વધુ આકર્ષક બની જાય છે, જેના કારણે વિદેશી રોકાણકારો ભારત જેવા ઉભરતા બજારોમાંથી નાણાં કાઢીને અમેરિકામાં રોકાણ કરવા લાગે છે.




