પરેશ રાજગોર
1880ના દસકમાં એક ડોકટરની મેડિકલ પ્રેક્ટીસ બરાબર ચાલતી ન હતી. નવરાસના સમયમાં શું કરવું. લેખન કરવાનું વિચાર્યું. અગાઉ પણ થોડી ટૂંકી વાર્તાઓ લખી લેખન પર હાથ અજમાવેલો. પણ આ વખતે નવલકથા લખવાનું વિચાર્યું અને એક મહાન લેખક અને તેણે સર્જેલા સદાબહાર પાત્રનો જન્મ થયો. આ લેખક એટલે આર્થર કોનન ડૉયલ અને એણે સર્જેલું યાદગાર પાત્ર એટલે શેરલૉક હૉમ્સ. આ અગાઉ એમની એક ટૂંકી વાર્તા આફ્રિકાની પૃષ્ઠભૂમિ પર લખાયેલી મિસ્ટરી ઑફ સાસ્સા વેલી. તે ચેમ્બર ઓફ એડિનબર્ગ જર્નલમાં પ્રકાશિત થઈ હતી.
આર્થર કોનન ડોયલ જ્યારે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં ત્યારે તેમના એક શિક્ષક હતા – જોસેફ બેલ. અવલોકન દ્વારા તારવણી કરવામાં તેઓ નિષ્ણાત હતા. તેઓ લોકોના પહેરવેશ, વાતચીત પરથી એટલું સચોટ અનુમાન લગાવતા કે લોકોને જાણે ચમત્કાર લાગતો. તેને આધારે જ ડૉયલે શેરલોક હોમ્સના પાત્રનું સર્જન કર્યું છે. તેનો દેખાવ, કાર્યશૈલી, રીતભાત, બોલવાની છટા બધું જોસેફ બેલ જેવું જ હતું.
આર્થર કોનન ડોયલે સૌ પ્રથમ સ્ટડી ઇન સ્કારલેટ નવલકથા લખી જે 1887માં બ્રિટોન્સ ક્રિસમસ એન્યુઅલમાં પ્રકાશિત થઈ અને 1888માં પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ. આજે આ જ પુસ્તકના ગુજરાતી અનુવાદ વિશે વાત કરવી છે. જેનો સંપૂર્ણ ગુજરાતી અનુવાદ જીગર શાહે કર્યો છે. અનુવાદ ખૂબ જ સરળ ભાષામાં થયો છે. દરેક ગુજરાતી વાચકે વાચવો રહ્યો. આમ તો આ મોટે ભાગે શેરલોક હોમ્સની ટૂંકી વાર્તાઓ વાચતા હોઇએ છીએ. આર્થર કોનન ડોયલને પણ વધુ ખ્યાતિ પાછળથી ટૂંકી વાર્તાઓ થકી જ મળી હતી. પણ જો કોઇ વાચક શેરલોક હોમ્સને વાચવા ઇચ્છતો હોય તો તેણે શરૂઆત આ પુસ્તકથી જ કરવી રહી.
હોમ્સની બધી વાર્તાઓ તેના મિત્ર ડૉ. વોટસનના મુખે કહેવાય છે. પણ આ જ કથામાં વોટસન અને હોમ્સની પ્રથમ મુલાકત થાય છે. વોટસન એક રૂમ શોધતો લંડનમાં આવે છે અને ત્યાં એનો મિત્ર પણ એના જેવા જ એક વ્યક્તિ એટલે જેને રૂમની જરૂર છે, એવા હોમ્સ સાથે કરાવે છે. બંને જણ 221-B બેકર સ્ટ્રીટ ખાતે મકાન ભાડે રાખે છે અને સાથે રહેવાની શરૂઆત કરે છે. જ્યારે વોટસન હોમ્સને તેના વ્યવસાય અંગે પૂછે છે અને હોમ્સ જણાવે છે કે તે એક પ્રાઈવેટ ડિટેક્ટીવ છે. ત્યારે તેને ખૂબ આશ્ચર્ય થાય છે. નવલકથાના શરૂઆતના પ્રકરણમાં તેની કાર્ય પધ્ધતિ અને એના વ્યક્તિત્વનો ખૂબ સારો ચિતાર લેખકે રજૂ કર્યો છે. આ પ્રથમ કેસ છે જેમાં વોટસન એને સાથ આપે છે અને તેને પુસ્તક સ્વરૂપે લખી પ્રકાશિત કરે છે. આખી કથામાં વોટસન પણ પોતાના અનુમાનો દ્વારા કેસનો ઉકેલ મેળવવા પ્રયત્ન કરતો રહે છે. વાચક પણ સાથે સાથે કેસના ઉકેલનો પ્રયત્ન જાતે કરે એની મજા અને ઉન્માદ અલગ જ આવે છે. આમ જે વાચકો શેરલોક હોમ્સને વાચવા માંગે છે, એણે વોટસન અને હોમ્સના પરિચય માટે આ પુસ્તકથી શરૂઆત કરવી જરૂરી છે.
પુસ્તકના નામમાં આવતો સ્કારલેટ શબ્દ જ ઘણું કહી જાય છે. સ્કારલેટ એટલે રતુંબડું, લાલ. આખી વાર્તા આ લાલ રંગની આજુબાજુ જ વણાયલી છે. પુસ્તકનું ભડક લાલ કલરનું કવર પણ વાર્તાને એકદમ અનુરૂપ તૈયાર થયું છે.
ઓગણિસમી સદીના અંત ભાગમાં જાસુસી સાહિત્ય ખાસ લખાયું નહતું. ત્યારે આર્થર કોનન ડોયલ પોતાના પ્રથમ પુસ્તકમાં જ ખૂબ આત્મવિશ્વાસુ જણાય છે. તેમની અગાઉ એડગર એલન પો જેવા લેખકે ડુપીન નામના જાસુસી પાત્રનું સર્જન કર્યું હતું. આ પુસ્તકમાં એમણે ડુપીન અને એ સિવાયના અન્ય તેમના પુરોગામી જાસુસી પાત્રોની કાર્યશૈલી અને કેસ ઉકેલવાની પધ્ધતિ પર ખૂબ ટીકાઓ કરી તેમને નબળા જાસુસ ગણાવ્યા છે. તે સમયે લીકોક નામનું જાસુસી પણ બહુ પ્રખ્યાત હતું. પણ હોમ્સ તો તેને બફાટીયો અને મૂર્ખ જ ગણાવે છે. એક લેખક તરીકે તેમનો પોતાના પાત્રમાં વિશ્વાસ જ સાબિત કરે છે કે તેઓ પહેલેથી જ પોતાની સફળતા વિશે ખાતરી ધરાવતા હતા.
આ કથા પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ એ પહેલા તેના પ્રકાશનના બધા અધિકારો તેમણે વાર્ડલોક કંપનીને 25 પાઉન્ડની કિંમતે વેચી દીધા હતા. ત્યારબાદ પુસ્તક ખૂબ પ્રખ્યાત બન્યું હતું. ત્યાર પછી તેમણે ક્યારેય આવી ભૂલ ન કરવાનું નક્કી કર્યું હતું. બધી જ કથાઓના અધિકાર પોતાની પાસે જ રાખવાનું નક્કી કર્યું. આખી કથા બે ભાગમાં છે. બન્ને ભાગની કથાઓ આમ તો સાવ જ જુદી લાગે પણ બંનેના છેડા અંતે જોડાય છે. આમ વાચકને બે કથાઓ વાચતા હોય એવી અનુભૂતિ થાય છે. આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ફેલિક્સ પ્રકાશન સુરત દ્વારા પ્રકશિત થયો છે. તો હોમ્સમાં રસ ધરાવતા દરેક વાચકે પહેલી તકે આ પુસ્તકથી જ શરૂઆત કરવી રહી. જેણે તેની ટૂંકી વાર્તાઓ વાંચી છે એમણે પણ આ પુસ્તક ખાસ વાચવું જોઇએ, જેથી વધુ સારી રીતે હોમ્સ અને વોટસનને સમજી શકાય. આ કથા બાદ આર્થર કોનન ડોયલે હોમ્સની બીજી નવલકથા લખી હતી, સાઇન ઓફ ફોર જેની વધુ વાત આવતા અંકે.
ફ્લોપ મેડિકલ પ્રેક્ટિસમાંથી જન્મ્યો વિશ્વનો સૌથી લોકપ્રિય જાસૂસ : શેરલોક હોમ્સ




