રાજકોટ ગ્રામ્યમાં ગુનાખોરી ડામવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું
પોલીસ વેરિફિકેશન, ભાડાકરાર, ખરીદ-વેચાણના રજિસ્ટર અને વાહનો માટે RC બુક વિના ખરીદી પર પ્રતિબંધ
- Advertisement -
રાજકોટ ગ્રામ્ય – જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાડ, લુંટ, ઘરફોડ, ચોરી, જેવા મિલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા અને કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મિલ્કત સંબંધી ગુન્હાઓ બનવા પાછળના કારણો પૈકીનું એક કારણ ભંગારનો ધંધો કરતા માણસો હોવાની સંભાવના રહેલી હોય છે. મોટા ભાગના ભંગારનો ધંધો કરનારા તેમજ ભંગારની ફેરી કરનારા માણસો બહારના રાજ્યના વતની હોય છે, આવા ઈસમો ગુનો કર્યા પછી પોતાના વતનમાં જતા રહેતા હોય છે. જેના કારણે તેઓને પકડવામાં પણ મુશકેલી પડે છે. આથી કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં ભંગારનો ધંધો કરતા ઈસમો, ભંગારની ફેરી કરતા ઈસમો તથા ભંગારના ધંધા સાથે સંકળાયેલ વ્યક્તિઓ ઉપર કાયદાકીય અને વ્યાજબી નિયંત્રણ અર્થે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, રાજકોટ જે. એચ. બારોટ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
જે મુજબ ભંગારનો ધંધો કરતા ઈસમો જે જગ્યાએ ધંધો કરે છે તે જગ્યા જો પોતાની માલિકીની હોય તો માલિકી પુરાવા દસ્તાવેજો અને જો ભાડાની જગ્યા હોય તો ભાડાકરાર કરીને રાખવાના રહેશે, અને જમીનના માલિકનું ધંધા અંગેનું સંમતીપત્ર મેળવવાનું રહેશે. ગેરકાયદેસર જમીનમાં ભંગારનો ધંધો કરી શકાશે નહીં. ભંગારનો ધંધો કરતા ઈસમો, ભંગારની ફેરી કરતા ઈસમો તથા ભંગારના ધંધા સાથે સંકળાયેલ ઈસમોએ પોતે મુળ વતની હોય ત્યાંથી પોલીસ ક્લિયરન્સ સર્ટીફીકેટ/પ્રમાણપત્ર લાવીને રાખવું તેમજ જે જગ્યાએ હાલમાં રહેતા હોય ત્યાનું પણ પોલીસ ક્લિયરન્સ સર્ટીફીકેટ/પ્રમાણપત્ર મેળવી રાખવાનું રહેશે. આ જાહેરનામું રાજકોટ જિલ્લા – ગ્રામ્ય વિસ્તારમાં આગામી તા.૩૧/૧૦/૨૦૨૬ સુધી અમલી રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.




