યાજ્ઞિક રોડ પર ‘સર્વેશ્વર ચોક કા રાજા’ના દર્શન માટે ઉમટ્યો ભક્તોનો પ્રવાહ
ટ્રસ્ટ દ્વારા ભક્તિ સાથે સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન
- Advertisement -
શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેશ્વર ચોક ખાતે સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘સર્વેશ્વર ચોક કા રાજા’ ગણેશ મહોત્સવમાં ભક્તિ, શ્રદ્ધા અને સેવાભાવનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. ગણેશ મહોત્સવ દરમિયાન દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો બાપાના દર્શન માટે ઉમટી રહ્યા છે અને સમગ્ર વિસ્તાર ગણેશમય માહોલથી ગુંજી રહ્યો છે. મહોત્સવના અંતિમ તબક્કામાં આજે રાત્રે 11 વાગ્યે ખાસ ઇનામી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે. માત્ર રૂ.20ના કૂપનમાંથી 20 ભાગ્યશાળી વિજેતાઓને ઇનામ આપવામાં આવશે. બાપાના દર્શન માટે આવતા ભાવિકોની દીકરીઓના હસ્તે આ ઇનામી ડ્રો કરવામાં આવશે, જે કાર્યક્રમને વિશેષ આકર્ષણ આપશે.
સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ આજે 24 સપ્ટેમ્બર, 2026ના રોજ રાત્રે 11 વાગ્યે ઇનામી ડ્રો યોજાશે. ડ્રોમાં કુલ 20 ઇનામ રાખવામાં આવ્યા છે. ડ્રોનું સમગ્ર આયોજન પારદર્શક રીતે કરવામાં આવશે અને તેનું લાઇવ પ્રસારણ સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટની યુટ્યુબ ચેનલ પર કરવામાં આવશે. ઇનામ જીતનાર ભાગ્યશાળી વિજેતાઓને ડ્રો જાહેર થયાના 10 દિવસની અંદર પોતાનું ઇનામ મેળવી જવા ટ્રસ્ટ દ્વારા વિનંતી કરવામાં આવી છે.
મહાઆરતીમાં આગેવાનો અને મહાનુભાવોની ઉપસ્થિતિ
ગણેશ મહોત્સવ દરમિયાન યોજાયેલી મહાઆરતીમાં વિવિધ ક્ષેત્રના આગેવાનો અને મહાનુભાવોએ ઉપસ્થિત રહી બાપાના દર્શન કરી આરતીનો લાભ લીધો હતો. તેમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ નિરંજનભાઈ શાહ, તેમના પુત્ર તથા રણજી ટીમના કેપ્ટન જયદેવ શાહ સહ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વોર્ડ નં.8ના કોર્પોરેટર પ્રવિણભાઈ સેગલીયા, અગ્રણી મયુરસિંહ જેઠવા સહ પરિવાર તેમજ પૂર્વ કોર્પોરેટર મનીષભાઈ રાડિયા સહિતના આગેવાનો મહાઆરતીમાં જોડાયા હતા. ‘સર્વેશ્વર ચોક કા રાજા’ના દર્શન માટે શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, ભૂતપૂર્વ મેયર નયનાબેન પેઢડિયા સહિતના મહાનુભાવોએ દાદાના દર્શન કર્યા હતા. વહીવટી અને પોલીસ તંત્રના અધિકારીઓમાં ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈ સહ પરિવાર, રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર રામાનુજ તથા એસીપી વાય.જી. પટેલે પણ ગણપતિ બાપાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
- Advertisement -
‘સર્વેશ્વર ચોક કા રાજા’ને ભાવભીની વિદાય અપાશે
ગણેશ મહોત્સવના અંતિમ દિવસે હવે કાલે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે. અનેક દિવસોથી ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બનેલા ‘સર્વેશ્વર ચોક કા રાજા’ને ભાવભીની વિદાય આપવામાં આવશે. વિસર્જન પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહેશે.




