રેસકોર્ષ ઓપન એર થીયેટર ખાતે શહેર ભાજપ આયોજીત ગણેશ મહોત્સવ
રાત્રે ૯ વાગ્યે ગુણવંતભાઈ ચુડાસમા અને જીતુભાઈ દ્વારકાવાળા દ્વારા હાસ્ય-સાહિત્ય સાથે દેશભક્તિની વાતો રજૂ કરશે
- Advertisement -
સાંજે ૭:૩૦ વાગ્યે વિવિધ સ્પર્ધાના વિજેતાઓનું સન્માન
રાજકોટ શહેર ભાજપ દ્વારા રેસકોર્ષ ખાતે આયોજિત ભવ્ય ગણપતિ મંગલ મહોત્સવ ‘સિદ્ધિવિનાયક ધામ’માં આજે ભક્તિ સાથે મનોરંજન અને પ્રતિભા સન્માનના વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. મહોત્સવના અંતિમ તબક્કામાં આજે સાંજે ઇનામ વિતરણ અને સન્માન સમારોહ તેમજ રાત્રે હાસ્ય-સાહિત્યથી ભરપૂર ‘હસાયરો’નું આયોજન કરવામાં આવ્યું છે. આજે સાંજે ૭:૩૦ કલાકે ગણપતિ મહોત્સવ અંતર્ગત યોજાયેલી વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક અને સર્જનાત્મક સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવશે. મહોત્સવ દરમિયાન વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેનારા સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે આ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ગણપતિ મહોત્સવને માત્ર ધાર્મિક કાર્યક્રમ પૂરતો સીમિત ન રાખી બાળકો, યુવાનો અને નાગરિકોને પોતાની પ્રતિભા રજૂ કરવા માટે વિવિધ તકો આપવામાં આવી હતી.
આજના કાર્યક્રમોમાં ખાસ આકર્ષણ રાત્રે ૯:૦૦ કલાકે યોજાનારો ‘હસાયરો’ રહેશે. જાણીતા હાસ્ય કલાકારો ગુણવંતભાઈ ચુડાસમા અને જીતુભાઈ દ્વારકાવાળા પોતાની આગવી હાસ્યશૈલીથી શહેરીજનોનું મનોરંજન કરશે. હાસ્ય સાથે સાહિત્યિક વાતો અને દેશભક્તિની ભાવનાનો સુંદર સમન્વય ધરાવતી તેમની રજૂઆત કાર્યક્રમને વિશેષ બનાવશે. ‘હસાયરો’ દરમિયાન હાસ્યના વિવિધ પ્રસંગો સાથે સાહિત્ય અને રાષ્ટ્રપ્રેમની વાતોને રજૂ કરવામાં આવનાર હોવાથી પરિવાર સાથે ઉપસ્થિત રહેનારા નાગરિકો માટે પણ આ કાર્યક્રમ યાદગાર બની રહે તેવી અપેક્ષા છે.
- Advertisement -
અનેક દિવસોથી ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહથી ધબકતું ‘સિદ્ધિવિનાયક ધામ’ હવે આવતીકાલે ગણપતિ બાપ્પાની વિસર્જન યાત્રા સાથે મહોત્સવને પૂર્ણ કરશે. ભક્તો દ્વારા ‘ગણપતિ બાપ્પા મોરિયા, આવતા વર્ષે વહેલા’ના જયઘોષ સાથે દુંદાળા દેવને ભાવપૂર્વક વિદાય આપવામાં આવશે. વિસર્જન યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય તેવી શક્યતા છે. મહોત્સવના અંતિમ દિવસે પણ ભક્તિ અને ઉત્સાહનો માહોલ જળવાઈ રહે તે માટે આયોજકો દ્વારા વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે, વલ્લભભાઈ દૂધાત્રા, લલિત વાડોલિયા અને યોગેન્દ્રસિંહ જાડેજાએ શહેરીજનોને આજે યોજાનારા તમામ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ પાઠવ્યું છે. આયોજકોએ જણાવ્યું હતું કે, ભવ્ય ગણપતિ મંગલ મહોત્સવને સફળ બનાવવા માટે પાર્ટીના આગેવાનો, વિવિધ સમિતિઓના સદસ્યો, કાર્યકર્તાઓ, સહયોગીઓ તથા રાજકોટના નાગરિકોએ આપેલા સહકાર બદલ તેઓ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગણપતિ મહોત્સવને માત્ર ધાર્મિક આયોજન પૂરતો સીમિત ન રાખી તેમાં ભક્તિ સાથે સંસ્કૃતિ, કલા, પ્રતિભા, મનોરંજન અને સામાજિક એકતાના વિવિધ રંગો ઉમેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહયોગ આપનાર તમામ વ્યક્તિઓનો પણ આ પ્રસંગે જાહેર આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આમ, આજે ‘સિદ્ધિવિનાયક ધામ’ ખાતે એક તરફ પ્રતિભાશાળી સ્પર્ધકોનું સન્માન થશે તો બીજી તરફ રાત્રે હાસ્ય કલાકારોની રજૂઆતથી માહોલમાં હાસ્ય અને આનંદ છવાશે. ત્યારબાદ આવતીકાલે ભવ્ય વિસર્જન યાત્રા સાથે ગણપતિ મહોત્સવનું ભાવભર્યું સમાપન થશે.
50 કિલો વજનનાં દાદાએ 30 મિનિટમાં 17 લાડવા ખાધા : એક મહિલા 3 મિનિટમાં 56 પાણીપુરી આરોગી
રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે શહેર ભાજપ આયોજિત સિદ્ધિ વિનાયક ધામ ગણેશ મહોત્સવમાં પાણીપુરી અને ઓપન સૌરાષ્ટ્ર લાડુ જમણ સ્પર્ધાનું અનોખુ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 50 કિલો વજનના 70 વર્ષીય દાદાએ 17 લાડુ જ્યારે માતા-પુત્રીની જોડીએ 11-11 લાડુ ઝાપટીને બાજી મારી હતી તો બીજી તરફ બહેનોની હરીફાઈમાં માત્ર 3 મિનિટમાં 56 પાણીપુરી આરોગી નેહાબેન વિજેતા બન્યા હતા. શુદ્ધ ઘીના 100 ગ્રામ વજન ધરાવતા લાડવા ખાવાની સ્પર્ધામાં 50 કિલો વજન ધરાવતા સરપદળ ગામના 70 વર્ષીય ગોવિંદભાઈ લુણાગરિયા 17 લાડવા આરોગી ભાઈઓમાં પ્રથમ રહ્યા હતા.ભાજપ પ્રમુખ ડો.માધવ દવેના જણાવ્યા મુજબ ભાજપ દ્વારા વર્ષ 2008થી ગણપતિ મહોત્સવનું અહીં આયોજન કરવામાં આવે છે. આ લાડુ સ્પર્ધામાં પહેલી 5 મિનિટમાં ભાઈઓએ ફરજિયાત 5 લાડુ તો બહેનોએ ફરજિયાત 3 લાડુ ખાવા પડે છે, જે પછી બીજો રાઉન્ડ 20 મિનિટમાં અનલિમિટેડ લાડુઓનો હોય છે. આ સ્પર્ધામાં 50 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.




