સુપ્રીમ કોર્ટની નોઇડા મેજિસ્ટ્રેટને ફટકાર : કોઈપણ આદેશનું ઉલ્લંઘન કરી શકે નહીં: CJI
ચીફ જસ્ટિસ સૂર્યકાંતે નોઇડાના મેજિસ્ટ્રેટને ફટકાર લગાવી. બુધવારે તેમણે કહ્યું- જ્યારે સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીઓનાં વિરોધ પ્રદર્શનો સંબંધિત FIR રદ કરી દીધી છે. વિરોધ પ્રદર્શનોને લઈને કોઈપણ વિદ્યાર્થી વિરુદ્ધ ભવિષ્યમાં બળજબરીપૂર્વકની કાર્યવાહી પર રોક લગાવી છે. આવી સ્થિતિમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે વિદ્યાર્થીને નોટિસ જાહેર કરવાની હિંમત કેવી રીતે કરી? કોઈપણ મેજિસ્ટ્રેટ તે આદેશનું ઉલ્લંઘન કરી શકે નહીં. ૪ સપ્ટેમ્બરે નોઇડા કમિશનરેટના થર્ડ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ આર.કે. સિસોદિયાએ દિલ્હીમાં CJPના પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થી અક્ષત ત્રિપાઠી વિરુદ્ધ નોટિસ જાહેર કરી હતી. તેમાં ૫ લાખ રૂપિયાનો બોન્ડ અને તેટલી જ રકમના બે જામીનદાર રજૂ કરવાનું કહેવામાં આવ્યું હતું. આ પછી વિદ્યાર્થીએ મંગળવારે વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે- સુપ્રીમ કોર્ટના આદેશ છતાં તેને વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા માટે ધમકાવવામાં આવી રહ્યો છે. બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સિનિયર એડવોકેટ વિશ્વજીત ભટ્ટાચાર્યએ મૌખિક રીતે CJIની અધ્યક્ષતાવાળી બેન્ચને આ વાત જણાવી. તેમણે જણાવ્યું કે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે એક વિદ્યાર્થીને નોટિસ જાહેર કરીને પૂછ્યું કે શાંતિ જાળવી રાખવા માટે ૫ લાખ રૂપિયાનો પર્સનલ બોન્ડ શા માટે ન ભરાવવામાં આવે. બાદમાં નોટિસ પાછી ખેંચી લેવામાં આવી. વકીલ ભટ્ટાચાર્યએ સુપ્રીમ કોર્ટને કહ્યું- આ ભારતના વિદ્યાર્થીઓ સાથે એક પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. તેની અસર આખા દેશ પર પડશે. પહેલાં અવમાનના કરવામાં આવી અને પછી તેને પાછી ખેંચવામાં આવી. આ અવમાનનાને આ રીતે સુધારી શકાય નહીં. આ કોર્ટની ગરિમાની અવમાનના છે. નોઈડા અને યુપીના અધિકારીઓ વિદ્યાર્થીઓના મનમાં ડરનો માહોલ બનાવી શકતા નથી. તેના પર CJI સૂર્યકાંતે ખાતરી આપતા કહ્યું- અમે જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી આ અંગે જવાબ માંગીશું.
વિદ્યાર્થી અક્ષત ત્રિપાઠી પ્રયાગરાજનાં ઝૂંસીના રહેવાસી છે. તેઓ ગૌતમબુદ્ધ યુનિવર્સિટીમાંથી BA-LLB કરી રહ્યા છે. અક્ષત ત્રિપાઠી સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SFI)ની ઉત્તર પ્રદેશ સ્ટેટ કમિટીના સભ્ય પણ છે. ૪ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ તેમની વિરુદ્ધ નોઇડા કમિશનરેટના થર્ડ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કાર્યાલય દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ ૧૩૦ હેઠળ નોટિસ જાહેર કરવામાં આવી હતી. કોર્ટે નોટિસમાં જણાવ્યું હતું કે- એવું માનવા માટે પૂરતા આધાર છે કે ત્રિપાઠી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ઈઉંડના પ્રસ્તાવિત પ્રદર્શનમાં સામેલ થવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા હતા. તે વિદ્યાર્થીઓ વચ્ચે સરકાર વિરોધી અને ભ્રામક માહિતી ફેલાવી રહ્યા હતા. આવી પ્રવૃત્તિઓથી તણાવ પેદા થઈ શકે છે. જાહેર વ્યવસ્થા પ્રભાવિત થઈ શકે છે.




