સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ સહિત વૈશ્વિક નિષ્ણાતો સામેલ
5 જૂન 2027 સુધી વન્યજીવોની નવી આયાત પર સ્વૈચ્છિક પ્રતિબંધ
- Advertisement -
વન્યજીવોના સંરક્ષણ, પુનર્વસન અને કલ્યાણ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે કાર્યરત ‘વનતારા’ દ્વારા પોતાની નવનિર્મિત ગવર્નિંગ કાઉન્સિલના તમામ સભ્યોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ઉચ્ચસ્તરીય કાઉન્સિલ વનતારાના સંરક્ષણ કાર્ય, બચાવ કામગીરી અને નિયમપાલન સંબંધિત તમામ બાબતો પર સર્વોચ્ચ દેખરેખ રાખશે. આ ઉપરાંત, ભવિષ્યમાં વન્ય પ્રાણીઓની આયાત માટેની કોઈપણ અરજી પર અંતિમ નિર્ણય લેવાની આખરી સત્તા આ કાઉન્સિલ હસ્તક રહેશે તેમજ આગામી ૫ વર્ષ અને તે પછીની સંસ્થાકીય દિશા અને વિઝન નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ પાંચ સભ્યોની બનેલી કાઉન્સિલમાં એક એક્સ-ઓફિશિયો સભ્ય પણ સામેલ છે. જેમાં ભારતીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના વન્યજીવ નીતિ, કાયદા, સંસ્થાકીય પારદર્શિતા, પશુચિકિત્સા અને સમુદાય આધારિત સંરક્ષણ ક્ષેત્રના દિગ્ગજ નિષ્ણાતોનો સમાવેશ કરાયો છે. કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પીસીઝ (CITES) ના પૂર્વ સેક્રેટરી જનરલ જ્હોન ઈ. સ્કેનલોન એઓ આ કાઉન્સિલના સ્વતંત્ર ચેરમેન તરીકે જવાબદારી સંભાળશે.
તેમની સાથે ભારતના સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ કૃષ્ણા મુરારી, એસોસિએશન ઓફ ઝૂઝ એન્ડ એકવેરિયમ્સ (AZA) ના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડન્ટ ક્રેગ હૂવર, કર્ણાટકના પૂર્વ ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન સુભાષ કે. મલખેડે અને આંતરરાષ્ટ્રીય સંરક્ષણ નિષ્ણાત ગ્રેતા એફ. ઇઓરી સ્વતંત્ર સભ્ય તરીકે જોડાયા છે. જ્યારે ભારતના જાણીતા એલિફન્ટ સ્પેશિયાલિસ્ટ ડો. કુશલ કોંવર શર્મા એક્સ-ઓફિશિયો (નોન-વોટિંગ) સભ્ય તરીકે સેવા આપશે. કાઉન્સિલના તમામ સભ્યો સ્વતંત્ર વ્યક્તિગત ક્ષમતાથી કાર્ય કરશે અને વનતારાના કોઈ પણ કર્મચારીને મતદાનની સત્તા ધરાવતા સભ્ય તરીકે સ્થાન આપવામાં આવશે નહીં.
વનતારાના સીઈઓ વિવાન કરાણીએ જણાવ્યું હતું કે, કાઉન્સિલની સ્વતંત્ર સત્તા સંસ્થાના પ્રત્યેક નિર્ણયને પારદર્શક અને કડક દેખરેખ હેઠળ લાવશે. વનતારા દ્વારા જાહેર કરાયેલા શાસન સુધારા હેઠળ ૫ જૂન ૨૦૨૭ સુધી વન્ય પ્રાણીઓની આયાત માટે કોઈપણ નવી અરજી કરવામાં આવશે નહીં. ત્યારબાદ પણ કાઉન્સિલની પૂર્વ લેખિત મંજૂરી વિના કોઈ અરજી આગળ વધારી શકાશે નહીં. સંસ્થા ભારતમાં જ બચાવ, પુનર્વસન અને વૈજ્ઞાનિક પદ્ધતિથી વન્યજીવ રક્ષણને પ્રાથમિકતા આપવા માટે કટિબદ્ધ છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ કૃષ્ણા મુરારી સહિત વૈશ્વિક નિષ્ણાતોની કાઉન્સિલ હવે વનતારાની વન્યજીવ નીતિ, બચાવ કામગીરી અને પ્રાણી આયાત અંગે અંતિમ નિર્ણયો લેશે. ગવર્નિંગ કાઉન્સિલના ચેરમેન જ્હોન સ્કેનલોને જણાવ્યું હતું કે, આ નિમણૂંકોથી અનુભવી અને તટસ્થ વ્યક્તિઓનું નેતૃત્વ પ્રાપ્ત થયું છે, જે પ્રાણી સંરક્ષણના ક્ષેત્રમાં દીર્ઘકાલીન અને હકારાત્મક પરિવર્તન લાવવા માટે વનતારા સ્ટાફ અને સમગ્ર સંરક્ષણ સમુદાય સાથે મળીને ઉત્કૃષ્ટ કાર્ય કરશે.




