વર્ષ 2025-26માં 2,426 શાળાઓ બંધ કે મર્જ કરાઈ; રૂ. 36,730 કરોડના બજેટ છતાં જમીની સ્તરે ગ્રામીણ બાળકોની હાલાકી
બજેટમાં રૂ. 9,000 કરોડનો વધારો કરવા છતાં જમીની સ્તરે શિક્ષણ વ્યવસ્થા કથળી, ગ્રામીણ બાળકોની હાલાકી યથાવત્
- Advertisement -
દેશભરમાં શિક્ષણ વ્યવસ્થાને લઈને એક અત્યંત ચિંતાજનક અને ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા ડેટા અનુસાર, વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન દેશભરમાં બંધ થયેલી કે અન્ય શાળાઓ સાથે મર્જ થયેલી કુલ ૪,૭૯૧ શાળાઓમાંથી અડધાથી વધુ એટલે કે ૨,૪૨૬ શાળાઓ માત્ર મધ્યપ્રદેશ રાજ્યની છે. એક તરફ સરકાર શિક્ષણ ક્ષેત્રે કરોડોના રોકાણ અને બજેટ વધારાના દાવા કરે છે, તો બીજી તરફ સરકારી શાળાઓનો વ્યાપ સંકોચાતાં ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ મેળવવું દુષ્કર બની રહ્યું છે.
આંકડાકીય વિગતો મુજબ, મધ્યપ્રદેશનું શાળા શિક્ષણ બજેટ વર્ષ ૨૦૨૨-૨૩ ની સરખામણીએ આશરે રૂ. ૯,૦૦૦ કરોડના વધારા સાથે વધીને રૂ. ૩૬,૭૩૦ કરોડ થયું હોવા છતાં જમીની વાસ્તવિકતામાં કોઈ સકારાત્મક સુધારો જોવા મળ્યો નથી. સરકારી અધિકારીઓ દલીલ કરી રહ્યા છે કે વિદ્યાર્થીઓની પાંખી હાજરી અને સંસાધનોના યોગ્ય ઉપયોગ માટે શાળાઓનું એકીકરણ કરવામાં આવી રહ્યું છે. જોકે, શિક્ષણવિદોના મતે રાજ્યમાં કાયમી ઇમારતોનો અભાવ, જર્જરિત ઓરડા અને ચોમાસામાં ભરાતા પાણી જેવી નબળી માળખાગત સુવિધાઓ આ સ્થિતિ માટે મુખ્યત્વે જવાબદાર છે.
શાળાઓ મર્જ થવાથી અથવા બંધ થવાથી બાળકોને શિક્ષણ માટે લાંબા અંતર કાપવા પડે છે, જેની સૌથી ગંભીર અસર દીકરીઓના અભ્યાસ પર પડી રહી છે. અસુરક્ષિત મુસાફરી અને અંતરને કારણે વાલીઓ દીકરીઓનું શિક્ષણ અધવચ્ચેથી જ છોડાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. શિક્ષણવિદોનું માનવું છે કે સરકારે વહીવટી વિલીનીકરણ કરવાને બદલે પાકા વર્ગખંડો અને સલામત પરિવહન સુવિધા ઊભી કરવા પર તાત્કાલિક ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
મધ્યપ્રદેશમાં શિક્ષણની સ્થિતિ
દેશભરમાં બંધ થયેલી ૪,૭૯૧ શાળાઓમાંથી એકલા મધ્યપ્રદેશમાં ૨,૪૨૬ શાળાઓ બંધ કે મર્જ થઈ છે. રૂ. ૩૬,૭૩૦ કરોડનું બજેટ હોવા છતાં માળખાકીય ખામીઓ બાળકોને શિક્ષણથી વંચિત કરી રહી છે.




