ભાવનગર યાર્ડના રીમોડેલિંગ માટે 125 કરોડ ફાળવાયા
મુરાદાબાદમાં ‘કવચ 4.0’ અને સમસ્તીપુરના 21 સ્ટેશનો પર ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ લાગુ કરાશે
- Advertisement -
ભારતીય રેલવેએ મુસાફરોની સુરક્ષા વધારવા અને ટ્રેનોના સમયસર સંચાલન માટે ૬૭૫ કરોડ રૂપિયાનાં ખર્ચે ત્રણ નવી મહત્વપૂર્ણ પરિયોજનાઓને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સ હેઠળ ઉત્તર પ્રદેશનાં મુરાદાબાદ ડિવિઝનમાં ૧૭૦ કરોડનાં ખર્ચે સ્વદેશી સુરક્ષા સિસ્ટમ ‘કવચ ૪.૦’ લગાવવામાં આવશે. જેનાથી ટ્રેનો વચ્ચેની ટક્કર અને અકસ્માતનો ભય ટળશે. આ ઉપરાંત બિહારના સમસ્તીપુર ડિવિઝનના ૨૧ સ્ટેશનો પર ૨૩૩ કરોડનાં ખર્ચે આધુનિક ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ બદલવામાં આવશે. ગુજરાતનાં ભાવનગર માટે પણ રેલવેએ એક મહત્વનો નિર્ણય લીધો છે. ભાવનગર પરા યાર્ડના રીમોડેલિંગ (પુનઃનિર્માણ) માટે ૧૨૫ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યાં છે. આ કામગીરી પૂર્ણ થવાથી ભાવનગર ટર્મિનસ (BVC) પરનું ટ્રેનોનું વધારાનું ભારણ ઘટશે અને કેટલીક ટ્રેનોનું હોલ્ટ તથા સંચાલન ભાવનગર પરામાં શિફ્ટ કરાશે. આ ફેરફારથી મુસાફરો માટે સુવિધાઓ વધશે અને ટ્રેનોની અવરજવર વધુ સરળ બનશે. પશ્ચિમ બંગાળનાં આદ્રા અને જોયચંદીપહાડ વચ્ચે ૨૭૨ કરોડ રૂપિયાના ખર્ચે ૧૧ કિલોમીટર લાંબી નવી બાયપાસ રેલ લાઇન બનાવવામાં આવશે. આ લાઇન શરૂ થવાથી પ્રતિદિન આશરે ૬,૦૬૫ માલગાડીઓની અવરજવર સુગમ બનશે.
તે સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAIL) માટે ૨૩.૪૦ મેટ્રિક ટન લોખંડની જરૂરિયાત પૂરી કરવામાં અને ભારત કોકિંગ કોલ લિમિટેડ માટે માલસામાનની હેરફેર ઝડપી બનાવવામાં મદદરૂપ થશે. આ તમામ પ્રોજેક્ટ્સ ભારતીય રેલવેના ઉર્જા, ખનિજ અને સિમેન્ટ કોરિડોરના વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ પરિયોજનાઓ પૂર્ણ થવાથી માત્ર ટ્રેન વ્યવહાર જ નહીં, પરંતુ માલસામાનની ઝડપી હેરફેરને કારણે સ્થાનિક રોડ ટ્રાફિક અને વિલંબની સમસ્યામાંથી પણ મુક્તિ મળશે.




