વેપારીએ કહ્યું- ‘માંસાહારી માર્કેટ પર PMનું નામ અયોગ્ય’
પ્રમુખ બોલ્યા- ‘વડાપ્રધાને માછીમારો માટે નોંધપાત્ર કામ કર્યું
- Advertisement -
સુરતના નાનપુરા-લક્કડકોટ વિસ્તારમાં રૂ ૩.૯૦ કરોડના ખર્ચે નવનિર્મિત ફિશ માર્કેટનું કોઈપણ ઠરાવ વગર જ ‘શ્રી નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામ આપી માર્કેટ પર બોર્ડ લગાવી દેવાતા વિવાદ થયો છે. ફિશ માર્કેટના એક વેપારીએ કહ્યું કે, વડાપ્રધાન શુદ્ધ શાકાહારી છે તો આ માર્કેટ સાથે તેનું નામ જોડવું યોગ્ય નથી. જ્યારે માર્કેટના અધ્યક્ષે કહ્યું કે, ડખએ માછીમારો માટે અલગ મંત્રાલય બનાવ્યું અને કરોડો રૂપિયાની ફાળવણી કરી છે. જેથી માર્કેટ પર તેમના નામને લઈ વિવાદ કરવો યોગ્ય નથી.
ફિશ માર્કેટના અગ્રણી સુરેન્દ્ર લશ્કરીએ જણાવ્યું કે, નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન છે, તેઓ શુદ્ધ શાકાહીર છે અને ક્યારેય સી-ફૂડનું સેવન નથી કર્યું. આવા માંસાહારી માર્કેટ પર તેનું નામ લગાવવું યોગ્ય નથી.
અમે કહાર-માછી સમાજમાંથી આવીએ છીએ અને જો અહીં કહાર-માછી સમાજનું નામ આપવામાં આવે તો કોઈને વાંધો નથી. આ નામકરણ એસોસિયેશનના પ્રમુખ કલ્પેશ નવસારીવાલા દ્વારા પોતાની મનમાની અને જોર-જબરદસ્તીથી કરવામાં આવ્યું છે. અમારી સ્પષ્ટ માંગ છે કે વડાપ્રધાનની છબી ખરડાય નહીં તે માટે આ બોર્ડ તાત્કાલિક ઉતારવામાં આવે અને કહાર-માછી સમાજના નામે જ માર્કેટનું વિધિવત લોકાર્પણ કરવામાં આવે.
સુરત ફિશ માર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ કલ્પેશ નવસારીવાલાએ જણાવ્યું કે, અમે અહીં ગેરકાયદેસર બેઠા નથી. પીએમ મોદીએ મત્સ્ય સંપદા યોજના અંતર્ગત માછીમારો કરોડો રૂપિયાનું અલગ મંત્રાલય બનાવ્યું છે. સુરત મનપાના ઠરાવ મુજબ જ માર્કેટ શરૂ કરવામાં આવ્યું છે. વેપારીઓએ રૂ ૪૩ લાખ ડિપોઝીટ ભરી છે અને ૬ મહિનાનું એડવાન્સ ભાડું આપ્યું છે. ભાજપ નેતાઓના પ્રયાસથી જ આ માર્કેટ બન્યું છે. અમે આ બોર્ડ ઉતારવા દેશું નહીં.
કોઈ ઠરાવ વગર જ નરેન્દ્ર મોદીનું નામ આપી દેવાયું. સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી ફિશ માર્કેટનું નામાભિધાન કરવા માટે સાંસ્કૃતિક સમિતિ કે સામાન્ય સભામાં સત્તાવાર ઠરાવ કરવો જરૂરી છે. પરંતુ, અત્યાર સુધી કોઈ ઠરાવ ન થયો હોવાનું સામે આવ્યું છે. સુરત મનપાના સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઈજનેર રાજેશ ગાંજાવાલાએ જણાવ્યું કે, બારોબાર નામકરણ કરી બોર્ડ લગાવ્યાની જાણ થતા અમારી ટીમ બોર્ડ દૂર કરવા ગઈ હતી. પરંતુ, સ્થાનિક વેપારીઓએ જાતે જ બોર્ડ દૂર કરવાની ખાતરી આપતા ટીમ પરત ફરી હતી.




