રોડ પર કબ્જો કરી વેપાર કરતા ફેરિયાઓના કારણે રાહદારીઓથી લઈ દુકાનદારો ત્રાહિમામ
બજારમાં ટ્રાફિકજામની સ્થિતિનું મુખ્ય કારણ પાથરણાવાળાઓ અને ફેરિયાઓ
- Advertisement -
રાજકોટના લાખાજીરાજ રોડ – ધર્મેન્દ્ર રોડની બજારમાં હાલ રક્ષાબંધન-જન્માષ્ટમીના તહેવારો નજીક આવતા ઘરાકીના સમયે જ રોડ પર અને બંને બાજુ ફૂટપાથ પર લારી-ગલ્લાવાળા અને પાથરણાવાળા બેસી જતા હોવાથી ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય છે અને રાહદારીઓ તેમજ દુકાનદાર વેપારીઓને ત્રાસનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરની મુખ્ય બજાર કહી શકાય એવા લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ અને ઘી કાંટા રોડના તમામ વેપારીઓ તેમજ રાહદારીઓ આ રોડ પર બેસીને સામાન વેચતા પાથરણાવાળાઓ કે લારીવાળાઓથી પરેશાન થઈ રહ્યા છે.
ખાસ કરીને વેપારીઓના શો રૂમ કે દુકાન આગળ પાથરણા પાથરીને રસ્તા પર દબાણ કરતા ફેરિયાને કારણે ટ્રાફિકજામ થતો હોય આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવું જરૂરી બન્યું છે. અગાઉ પણ આ અંગે ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરવામાં આવી છે છતાં થોડા દિવસની શાંતિ બાદ હવે ફરી પહેલા જેવી જ સ્થિતિ ઉભી થઇ ગઇ છે. રવિવારે સિવાયના દિવસોમાં પણ ગુજરીબજાર હોય તેમ મોટા પ્રમાણમાં ફેરિયાઓ રોડ પર બેસી જાય છે.
આવનાર ગ્રાહકોના પાકીટ અને મોબાઇલ પણ મોટી સંખ્યામાં ચોરાઇ જાય છે. રસ્તા પર ફેરિયાઓ દબાણ કરીને બેસતા હોવાથી દુકાનદારો કે ગ્રાહકો ટૂવ્હિલર લઇને કે ચાલીને પણ આવી શકતા નથી. આગામી દિવસોમાં તહેવાર આવતા હોય આ સમસ્યાનો તાત્કાલિક ઉચિત નિરાકરણ લાવીને લાખાજીરાજ રોડ – ધર્મેન્દ્ર રોડ પર કાયમી ધોરણે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવે તેવી સ્થાનિક વેપારીઓની માંગ પ્રબળ બની છે.




