ગુજરાતી ભાષાવિજ્ઞાન, કોશવિજ્ઞાન અને લોકસાહિત્ય ક્ષેત્રે શાંતિભાઈના પ્રદાનને વિદ્વાનોએ બિરદાવ્યું
23 નવોદિત અધ્યાપકો અને પરિવારનું અભિવાદન કરાયું
- Advertisement -
ગુજરાતી ભાષાવિજ્ઞાન અને લોકસાહિત્યના મરમી તથા સદ્ગત વિદ્વાન શાંતિભાઈ આચાર્યના સમગ્ર પ્રદાનને સ્મરણમાં રાખી તેમના સાહિત્યિક અને સંશોધન કાર્યને ઉજાગર કરવાના હેતુથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઝવેરચંદ
મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર અને ગુજરાતી ભાષા-સાહિત્ય ભવનના સંયુક્ત ઉપક્રમે તા. 18 ઓગસ્ટ, 2026ના રોજ એક દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. ઉત્પલભાઈ જોશીની
અધ્યક્ષતામાં યોજાયેલા આ પરિસંવાદમાં ગુજરાતભરમાંથી આવેલા વિદ્વાનો, અધ્યાપકો, સંશોધકો અને વિદ્યાર્થીઓએ શાંતિભાઈ આચાર્યના વિવિધ ક્ષેત્રોમાં રહેલા પ્રદાન અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ સમગ્ર વિદ્યાકીય
ઉપક્રમના સંયોજક તરીકે ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રના નિયામક તથા ગુજરાતી ભવનના પ્રોફેસર ડૉ. જે.એમ. ચંદ્રવાડિયા અને ગુજરાતી ભવનના પ્રોફેસર ડૉ. દીપક પટેલે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. કાર્યક્રમ
દરમિયાન શાંતિભાઈ આચાર્યના જીવનકાર્ય અને તેમના સંશોધન ક્ષેત્રે કરેલા નોંધપાત્ર પ્રદાનને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરિસંવાદ સાથે ગુજરાતી ભવનના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પૈકી
તાજેતરમાં ગુજરાતની વિવિધ કોલેજોમાં અધ્યાપક તરીકે જોડાયેલા આશરે 23 નવોદિત અધ્યાપકોના અભિવાદનનો પણ વિશેષ ઉપક્રમ યોજાયો હતો. યુનિવર્સિટી દ્વારા શાંતિભાઈ આચાર્યના પરિવારનું પણ સન્માન અને
અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલસચિવ અજયસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. વિવિધ ભવનના અધ્યાપકો અને અધ્યક્ષો, નિવૃત્ત અધ્યાપકો, જુદી જુદી યુનિવર્સિટીના સંશોધકો તથા મોટી
સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પરિસંવાદની પ્રથમ બેઠકમાં ભારતભરમાં જાણીતા વિદ્વાન ડૉ. બળવંત જાનીનું બીજ વ્યાખ્યાન યોજાયું હતું. તેમણે શાંતિભાઈ આચાર્યના સમગ્ર પ્રદાનનું વિહંગાવલોકન કરાવતા તેમના સંશોધનકાર્યના વિવિધ પાસાંઓ પર
પ્રકાશ પાડ્યો હતો. ડૉ. જાનીએ શાંતિભાઈને ખરા અર્થમાં શાસ્ત્રીય પદ્ધતિથી કાર્ય કરનાર સંશોધક તરીકે ઓળખાવ્યા હતા અને ગુજરાતી ભાષા તથા લોકસાહિત્યના ક્ષેત્રે તેમના પ્રદાનની વિશિષ્ટતા સમજાવી હતી. અધ્યક્ષીય
ઉદ્બોધનમાં કુલપતિ પ્રો. ડૉ. ઉત્પલભાઈ જોશીએ ગુજરાતી ભવન અને ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા કરવામાં આવતી વિવિધ વિદ્યાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી. તેમણે શાંતિભાઈ આચાર્યને વિશ્વકક્ષાના વિદ્વાન
ગણાવી તેમના જ્ઞાન અને સંશોધનકાર્યને ગુજરાતી સાહિત્ય જગત માટે અમૂલ્ય વારસો ગણાવ્યો હતો. શાંતિભાઈની દિવ્ય ચેતના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પર સદૈવ આશીર્વાદ વરસાવતી રહેશે તેવી લાગણી પણ તેમણે વ્યક્ત કરી
હતી. કાર્યક્રમના આરંભે ડૉ. જે.એમ. ચંદ્રવાડિયાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું, જ્યારે ડૉ. દીપક પટેલે સમગ્ર ઉપક્રમની ભૂમિકા રજૂ કરી હતી. શાંતિભાઈ આચાર્યનાં પત્ની મીનાક્ષીબહેન તથા તેમના પ્રારંભિક સમયના વિદ્યાર્થીની
કપિલાબહેન પટેલે શાંતિભાઈ સાથે જોડાયેલા પોતાના સંસ્મરણો રજૂ કરી તેમની વ્યક્તિગત સાદગી, વિદ્યાપ્રેમ અને માર્ગદર્શક સ્વભાવને યાદ કર્યા હતા.
પરિસંવાદની બીજી બેઠકમાં શાંતિભાઈ આચાર્યના વિવિધ વિદ્યાકીય ક્ષેત્રોમાં રહેલા પ્રદાન પર વિશદ ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતી ભવનના પૂર્વ પ્રાધ્યાપક અને જાણીતા વિવેચક ડૉ. બિપિન આશરે ‘શાંતિભાઈ આચાર્યનું
કોશવિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન’ વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. ત્યારબાદ સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરના ગુજરાતી ભવનના અધ્યક્ષ ડૉ. પિનાકિની પંડ્યાએ ‘શાંતિભાઈ આચાર્યનું લોકસાહિત્ય ક્ષેત્રે પ્રદાન’ વિષય પર
પોતાના વિચારો રજૂ કર્યા હતા. અમદાવાદના જાણીતા ભાષાશાસ્ત્રી ડૉ. પિંકી પંડ્યાએ ‘શાંતિભાઈ આચાર્યનું ભાષાવિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન’ વિષય પર વ્યાખ્યાન આપીને શાંતિભાઈના ભાષાકીય સંશોધન અને શાસ્ત્રીય અભિગમને
ઉજાગર કર્યો હતો. આ રીતે સમગ્ર દિવસ દરમિયાન યોજાયેલા પરિસંવાદમાં શાંતિભાઈ આચાર્યના કોશવિજ્ઞાન, લોકસાહિત્ય અને ભાષાવિજ્ઞાન ક્ષેત્રે રહેલા પ્રદાનનું તલસ્પર્શી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. તેમની વિદ્યાકીય
દૃષ્ટિ, સંશોધનની પદ્ધતિ અને ગુજરાતી ભાષા-સાહિત્યના ક્ષેત્રે તેમણે આપેલા યોગદાનને વિદ્વાનોએ વિશેષ રીતે બિરદાવ્યું હતું.




