ઇસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનની બહાર કાર્યવાહી થઈ હતી
પહલગામ આતંકી હુમલામાં ૨૬ લોકોના મોત બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. બંને દેશો વચ્ચે ઔપચારિક કૂટનીતિક ગતિવિધિઓ લગભગ ઠપ છે, ત્યારે પાકિસ્તાને ઉશ્કેરણીજનક પગલું ભરતાં ભારતે પણ કૂટનીતિક મોરચે ‘જેવા સાથે તેવા’ જવાબ આપ્યો છે. ઈસ્લામાબાદમાં ભારતીય દૂતાવાસ બહારથી પાકિસ્તાની સત્તાવાળાઓએ સુરક્ષા બેરિકેડ્સ અને પાર્કિંગ પોલ મનસ્વી રીતે હટાવી લીધા હતા. આ ઘટનાના માત્ર ૩ દિવસ બાદ નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈકમિશન બહાર કડક કાર્યવાહી કરવામાં આવી છે. નવી દિલ્હીમાં પાકિસ્તાની દૂતાવાસના વીઝા વિભાગ પાસે નિર્ધારિત હદ બહાર ઉભા કરાયેલા ગેરકાયદેસર બાંધકામો અને દબાણો પર બુલડોઝર ફેરવીને તમામ અસુરક્ષિત માળખાં દૂર કરી દેવાયા છે.
કૂટનીતિક સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી દિલ્હીનું આ પગલું એક વિચારેલી અને સંતુલિત જવાબી કાર્યવાહી છે. આ કાર્યવાહી દ્વારા ભારતે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પાકિસ્તાનની કોઈપણ ઉશ્કેરણીનો તુરંત અને યોગ્ય જવાબ આપવામાં આવશે. અધિકારીઓની આ કાર્યવાહી બાદ બંને દેશોના રાજનયિક પરિસરો બહાર સુરક્ષા વ્યવસ્થામાં મોટા ફેરફારો જોવા મળ્યા છે.




