૨૪ વર્ષના અનુભવો અને સંશોધન બાદ જળક્રાંતિ-ગોક્રાંતિના પ્રણેતા મનસુખભાઈ સુવાગીયાએ આપ્યું ‘ઝેરમુક્ત ભારત કૃષિ’નું સૂત્ર
દેશી ગોવંશ આધારિત ખેતીના પ્રયોગોથી શાકભાજી અને આંબામાં રોગમુક્તિ, વિકાસ અને ઉત્પાદનના દાવા
- Advertisement -
આધુનિક કૃષિમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધતા ઉપયોગ વચ્ચે જમીન, પાણી, માનવ સ્વાસ્થ્ય અને જીવસૃષ્ટિ પર તેની થતી અસરો અંગે ચિંતા વધી રહી છે. આવા સંજોગોમાં જળક્રાંતિ અને ગોક્રાંતિના પ્રણેતા
તરીકે ઓળખાતા મનસુખભાઈ સુવાગીયાએ ગાય આધારિત પ્રાકૃતિક કૃષિને વધુ વ્યાપક બનાવવાના હેતુથી હવે દેશ સમક્ષ ‘ઝેરમુક્ત ભારત કૃષિ’નું સૂત્ર રજૂ કર્યું છે. મનસુખભાઈ સુવાગીયાએ વર્ષ ૨૦૦૪માં ભારતને ‘ગાય
આધારિત પ્રાકૃતિક કૃષિ’નું સૂત્ર આપ્યું હતું. સતત ૨૪ વર્ષના પ્રયોગો, અનુભવો અને સંશોધનના આધારે સંસ્કૃતિ વાડીમાં વિવિધ પ્રકારના કૃષિ પ્રયોગો હાથ ધરવામાં આવ્યા છે. આ પ્રયોગોનો મુખ્ય હેતુ રાસાયણિક આધારિત
ખેતીના વિકલ્પ તરીકે દેશી ગોવંશ આધારિત અને પ્રાકૃતિક ખેતીને વ્યવહારુ રીતે સાબિત કરવાનો રહ્યો છે.
સંસ્કૃતિ વાડીમાં દેશી ગોવંશનું સેન્દ્રિય ખાતર, ધરામૃત, તામ્રછાસ અને આચ્છાદન જેવી પદ્ધતિઓના ઉપયોગથી વિવિધ શાકભાજી અને ફળપાકના પ્રયોગો કરવામાં આવ્યા છે. તેમાં ત્રણ પ્રકારના રીંગણ, ચોળી, ભીંડો, પાલક,
કારેલા, કંકોડા, તાંદળજો, પાપડી વાલોળ, ચીભડા, તુરીયા, ગલકા સહિતના ઉનાળુ પાકોનો સમાવેશ થાય છે. શિયાળાની ઋતુમાં ફૂલાવર, કોબીજ, પાંચ પ્રકારના રીંગણ, મરચાં, ટામેટાં, વાલોળ, લસણ, ડુંગળી અને તુવેર જેવા
પાકો ઉપરાંત ૫૦ પ્રકારના દેશી આંબાના વૃક્ષોમાં પણ પ્રયોગો કરવામાં આવ્યા છે. મનસુખભાઈના જણાવ્યા મુજબ, આ પ્રયોગોમાં રોગમુક્તિ, છોડના વિકાસ અને ઉત્પાદન ક્ષમતાના નોંધપાત્ર પરિણામો પ્રાપ્ત થયા છે. સંસ્કૃતિ
વાડીના પ્રયોગોમાં ખાસ કરીને ભીંડા અને ચોળીના છોડના વિકાસને ઉદાહરણરૂપ ગણાવવામાં આવે છે. સામાન્ય રીતે ઉનાળામાં ભીંડા અને ચોળીના છોડ આશરે બે ફૂટ સુધીના જ રહેતા હોવાનો દાવો કરવામાં આવે છે, જ્યારે
ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ભીંડાના છોડ છ ફૂટ અને ચોળીના છોડ દસ ફૂટ સુધી પહોંચ્યા હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત રાસાયણિક ખાતર અને જંતુનાશકો આધારિત ખેતીમાં શાકભાજીનો ઉત્પાદન સમય ૪૫થી
૭૫ દિવસ જેટલો રહે છે, જ્યારે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં ૯૦થી ૧૮૦ દિવસ સુધી ઉત્પાદન મળતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સંસ્કૃતિ વાડીમાં ઉત્પાદિત કેરી અને શાકભાજીના પોષક ગુણ, સ્વાદ અને સુગંધને
પણ વિશેષ ગણાવવામાં આવ્યા છે. ભીના કંતાનમાં રાખવાથી શાકભાજી પાંચથી આઠ દિવસ સુધી તાજાં રહેતાં હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
‘કૃષિ-ગાય-ગ્રામ સંસ્કૃતિને જીવતદાન’ : પરશોત્તમ રૂપાલા
સંસ્કૃતિ વાડીમાં કરવામાં આવેલા શાકભાજી અને દેશી આંબાના પ્રયોગોની મુલાકાત બાદ સાંસદ પરશોત્તમભાઈ રૂપાલાએ મનસુખભાઈ સુવાગીયાના પ્રયાસોને બિરદાવ્યા હતા. તેમના મત મુજબ, જળક્રાંતિ, ગીર-કાંકરેજ ગાય
યોજના, ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ, દેશી આંબા અને દેશી કૃષિ બીજ જેવી પહેલો દ્વારા કૃષિ, ગાય અને ગ્રામ્ય સંસ્કૃતિને નવી દિશા અને જીવતદાન મળ્યુ છે.
- Advertisement -
‘અવાસ્તવિક પ્રચારથી પ્રાકૃતિક કૃષિને નુકસાન થયું’
ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય મહામંત્રી બી.કે. પટેલ અને જેરામભાઈ વાંસજાળિયાના જણાવ્યા મુજબ, અત્યાર સુધી ‘ઝીરો બજેટ કૃષિ’ અથવા ‘એક ગાયથી ૩૦ એકરની ખેતી’ જેવા અવાસ્તવિક પ્રચારને કારણે પ્રાકૃતિક કૃષિ
અંગે ગેરસમજ ઊભી થઈ છે. તેમના મતે, વાસ્તવિક પ્રયોગો અને સંશોધનના આધારે ખેડૂતોને વ્યવહારુ મોડલ આપવું જરૂરી છે.
જળક્રાંતિથી આદિવાસી વિસ્તારોમાં કૃષિ આવક વધ્યાનો દાવો
ભેખડિયાના આદિવાસી ખેડૂત મધુસુદન રાઠવાએ જણાવ્યું હતું કે જળક્રાંતિ ટ્રસ્ટના સહયોગથી ભેખડિયા-જામલી વિસ્તારમાં ૧૦૦ ચેકડેમ અને તળાવોના નિર્માણથી કૃષિ આવકમાં દસ ગણો વધારો થયો છે. મનસુખભાઈની
પ્રેરણાથી આદિવાસી ગામોમાં દારૂ, તમાકુ, શિકાર, માંસાહાર અને ઊંચા વ્યાજના વ્યવહારથી મુક્તિ તરફ પણ કામગીરી થઈ છે. લુણિધારના સરપંચ ભરતભાઈ વેગડેએ જણાવ્યું હતું કે જળસંચયના કામોથી લુણિધાર બારમાસી
જળસંપન્ન બન્યું છે. સરકારના ખર્ચના આશરે ૧૦ ટકા ખર્ચમાં લાંબા સમય સુધી ટકી શકે તેવા હજારો ચેકડેમ અને તળાવો બનાવવામાં આવ્યા છે.
૨૫૦ ઉદ્યોગપતિઓ-કૃષિકારોનો ‘ઝેરમુક્ત જીવન’નો સંકલ્પ
‘ઝેરમુક્ત ભારત’ પરિસંવાદમાં આશરે ૨૫૦ ઉદ્યોગપતિ અને કૃષિકારો ઉપસ્થિત રહ્યા હતા અને ઝેરમુક્ત જીવનનો સંકલ્પ કર્યો હતો. મનસુખભાઈ સુવાગીયા છેલ્લા ૨૫ વર્ષ દરમિયાન વિવિધ ૩૦૦ જેટલા પ્રસંગોમાં પ્રાકૃતિક
શાકભાજી અને ગાયના ઘીનું ભોજન પીરસીને તથા મહેમાનોનું ગાયના ઘી અને પ્રાકૃતિક શાકભાજીથી સન્માન કરીને ગોરક્ષા અને જીવનરક્ષાનો સંદેશ આપતા આવ્યા છે. તેમના પ્રયાસોમાં જળક્રાંતિ, ગોક્રાંતિ, પ્રાકૃતિક કૃષિક્રાંતિ,
આમ્રક્રાંતિ અને દિવ્યગ્રામ જેવી યોજનાઓ સાથે ‘ગોવેદ-જળક્રાંતિ-કૃષિ સંહિતા’ જેવા ગ્રંથો દ્વારા કૃષિ અને ગ્રામ્ય વિકાસ માટે વૈકલ્પિક દિશા રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.




